રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ઇઝમેન્ટ રાઈટ એટલે કે સુખાધિકારને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે તંત્ર સુખાધિકાર છીનવી શકે નહીં. અગાઉ આપણી પરંપરામાં ગામમાં ભૂગર્ભ ગટરની એક મકાનની લાઇન અન્ય ચાર મકાનમાં થઈને પાંચમા ઘરમાંથી પસાર થઈને બહાર નીકળતી હતી અને તેમાં કોઈ પણ મકાનના માલિક કોઈ જ વાંધો ઉઠાવતા નહીં કારણ કે, તે સુખાધિકાર છે.
આ પરંપરા આપણી સંસ્કૃતિ સાથે વર્ષોથી વણાયેલી છે જેને રેવન્યુ વિભાગમાં સુખાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સુપ્રીમ કોર્ટ સુખાધિકાર અંગે એક મહત્વનો ચુકાદો આપ્યો છે જે દેશના છેવાડાના માનવીને પણ અસરકર્તા છે. સુપ્રીમે કહ્યું છે કે, કોઈ રિસેલના ફ્લેટમાં જેટલો અધિકાર પ્રથમ ઓનરને આપવામાં આવ્યો હોય તો એટલો જ અધિકાર સેકન્ડ ઓનરને પણ આપવો જ પડે.
સુપ્રીમ કોર્ટમાં જે મામલો ચાલી રહ્યો હતો તેની પ્રાથમિક વિગતો એવી છે કે, કોઈ એક વ્યક્તિએ ફસ્ટ ઓનર તરીકે ફ્લેટની ખરીદી કરી હતી ત્યારબાદ તે વ્યક્તિએ ફ્લેટનું બાંધકામ ચાલુ અવસ્થામાં હતું તે દરમિયાન જ ફ્લેટ રિસેલ કરી નાખ્યો. સેકન્ડ ઓનરે ફ્લેટ ખરીદ્યો ત્યાં સુધી બાંધકામ પૂર્ણ થયું ન હતું. બિલ્ડરે ફસ્ટ ઓનરને બિલ્ડરે જે પઝેશનની તારીખ આપી હતી તે તારીખે બિલ્ડરે પઝેશન આપ્યું ન હતું. મામલામાં સેકન્ડ ઓનરે બિલ્ડરને પઝેશન અંગેની વિગતો માંગતા બિલ્ડરે કહ્યું હતું કે, મેં તમને ફ્લેટ વહેંચ્યો નથી અને પઝેશન અંગે આપણી કોઈ વાત થઈ જ નથી. મેં જેને ફ્લેટ વહેંચ્યો હતો તેણે તમને વહેંચ્યો છે જેથી હવે મારી કોઈ જવાબદારી નથી, તેવું કહેતા સેકન્ડ ઓનરે સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા.
મામલામાં સુપ્રીમે તમામ અભ્યાસ કરીને ચુકાદો આપતા કહ્યું હતું કે, ફ્લેટ ખરીદનાર ફર્સ્ટ ઓનર હોય કે પછી સેકન્ડ ઓનર હોય, તમામના અધિકાર અબાધિત હોય છે. બિલ્ડરે ફર્સ્ટ ઓનરને જેટલા અધિકારો આપ્યા હોય તે બધા અધિકારો સેકન્ડ ઓનરને પણ આપવા જ પડે તેવું સુપ્રીમે તારણ કાઢ્યું છે. સુપ્રીમે નોંધ્યું હતું કે, બિલ્ડરે ફર્સ્ટ ઓનરને આપેલી પઝેશનની તારીખ અનુરૂપ જ સેકન્ડ ઓનરને પઝેશન સોંપવું પડે. ઉપરાંત, જો પૈસા રિફંડ કરવાનો વાયદો ફર્સ્ટ ઓનરને આપવામાં આવ્યો હોય તો સેકન્ડ ઓનરને પણ રિફંડ આપવું જ પડે.
ઘણીવાર રાજકોટ-સૌરાષ્ટ્રમાં પણ આ પ્રકારના લવાદ થાય છે. જેમાં એક વ્યક્તિએ રોકાણની દ્રષ્ટિએ ફ્લેટ ખરીદ્યા હોય અને પછી વળતર મળતા તેઓ રિસેલ કરી દેતાં હોય છે. બિલ્ડર અને સેકન્ડ ઓનરને સીધો સંપર્ક નહીં હોવાથી ઘણીવાર અનેક બાબતોમાં મતભેદ થતા હોય છે. જો કે, મોટાભાગના મામલા મધ્યસ્થી કરીને પૂર્ણ કરી લેવામાં આવતા હોય છે પણ હવે આ પ્રકારના મામલામાં સુપ્રીમનો ચુકાદો લેન્ડમાર્ક સાબિત થશે.