બિલ્ડર પર ફાયરીંગ કરનારા ત્રણેયની ચાલતી શોધખોળ
જામનગરના છેવાડે આવેલા લાલપુર બાયપાસ નજીકની એક સોસાયટીની બાંધકામની સાઈટ પર ગઈકાલે તેના બિલ્ડર પર બે બાઈકમાં આવેલા ત્રણ શખ્સ પૈકીના એકએ બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. તે બનાવની તપાસમાં એલસીબી આગળ ધપી રહી છે. ત્રણેય હુમલાખોરો બહુ ઝડપી પોલીસની પકડમાં આવી જશે.
જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલી ક્રિષ્ના પાર્ક નામની સોસાયટીની સાઈટ પર ગઈકાલે સવારે હાજર બિલ્ડર ગિરીશભાઈ હમીરભાઈ ડેર પર બે મોટર સાયકલમાં આવેલા ત્રણ શખ્સ પૈકીના એક શખ્સે બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જ્યારે તેની સાથે રહેલાં અન્ય બે શખ્સે હોડી તથા પાઈપના ટુકડાથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમય સુચકતા વાપરી ગિરીશભાઈએ પ્રતીકાર કરતાં હુમલાખોરોના ફાયર નિષ્ફળ ગયા હતાં. જ્યારે ગિરીશભાઈએ પોતાની રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યું હતું. તે બનાવની જાણ થતાં એસ.પી. શરદ સિંઘલ તથા ડિવાયએસપી એ.પી. જાડેજા, કુણાલ દેશાઈ તેમજ એલસીબીના પી.આઈ. એમ.જે. ઝલુ, એસઓજી પી.આઈ. કે.એલ. ગાધે સહિતનો પોલીસ કાફલો ધસી ગયો હતો.
બપોરે ગિરીશભાઈએ નોંધાવેલી ફરીયાદમાં તેઓએ કુખ્યાત ભૂ-માફીયા જયેશ પટેલના ઈશારાથી તેના ભાડુતી માણસોએ હુમલો કર્યાનું જણાવતાં એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પી.આઈ. ઝલુએ જણાવ્યા મુજબ લાલપુર તરફ નાસી ગયેલા હુમલાખોરોને પકડવા માટે ટુકડીઓ બનાવવામાં આવી છે. એલસીબીએ કેટલાક સી.સી. ટિવીના ફુટેજ કબ્જે કરી ફરીયાદીને બતાવ્યા પછી તેમાંથી હુમલાખોરોની ઓળખ પોલીસ પાસે પહોંચી ગઈ છે.
બહુ ઝડપથી ત્રણેય હુમલાખોરો પોલીસના સંકજામાં આવી જશે. ક્રિષ્ના પાર્ક વાળી જમીનના પ્લોટ ન ખરીદવા માટે ભૂ-માફીયા જયેશ પટેલે બિલ્ડર ગિરીશભાઈનો અગાઉ ધાક-ધમકી આપી હતી. પરંતુ તે તેની ધમકીથી ડર્યા વગર તે પ્લોટ ખરીદી ગીરીશભાઈએ બાંધકામ શરૂ કરાવતાં જયેશ છંછેડાયો હોવાનું અને તેને બિલ્ડરને ડરાવવા માટે ભાડૂતી માણસો પાસે ફાયરીંગ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે.