વઢવાણના બે શખ્સોએ રૂ. 20.50 લાખની રોકડ સાથેનો થેલો ઝુંટવી બાઇક પર ફરાર: બંને સામે લૂંટનો નોંધાતો ગુનો

ભેસાણ માકેર્ટીગ યાર્ડના વેપારી રૂા.20.50 લાખ બ્લેકના વ્હાઇટ કરવા વઢવાણ ગયા ત્યારે બે શખ્સોએ પિસ્તોલ જેવું લાઇટર લમણે તાકી ઝપાઝપી કરી રૂા.20.50 લાખની રોકડ સાથેનો થેલો ઝુંટવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા વઢવાણ પોલીસે બંને શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે રહેતા અને ભેસાણ માકેર્ટીંગ યાર્ડમાં હિન્દુસ્તાન ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા ચેતનભાઇ ઘનશ્યામભાઇ નળીયાધરા નામના 31 વર્ષના પટેલ યુવાને વઢવાણના લાખુપોળ વિસ્તારમાં રહેતા ભવાનીસિંહ ઉર્ફે ભોટુ નરેન્દ્રસિંહ મોરી અને કરણ ઉર્ફે બુધી ખુશાલ મોરી સામે રૂા.20.50 લાખની લૂંટ ચલાવી બાઇક પર ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચેતનભાઇ પટેલના જસદણ ખાતે રહેતા મિત્ર કેયુર ઉર્ફે રાજ અરવિંદભાઇ રબારાએ ગત તા.1 જુલાઇના રોજ મોબાઇલમાં વાત કરી મોટી રકમ બ્લેક હોય તો સુરેન્દ્રનગરની એક પાર્ટી વ્હાઇટ કરી આપતી હોવાનું જણાવ્યું હતું આથી બે દિવસ બાદ ચેતનભાઇ પટેલ પોતાના ભાગીદાર કાર્તિકભાઇ અને ભેસાણના મિત્ર જયરાજભાઇ ભાયાણી સાથે કાર લઇને રાજકોટ આવ્યા હતા. રાજકોટથી જસદણના કેયુરભાઇ ઉર્ફે રાજને સાથે લઇ સુરેન્દ્રનગરની પાર્ટીને મળવા માટે ગયા હતા.

સુરેન્દ્રનગર પહોચ્યા બાદ ચારેયને વઢવાણ હવા મહેલ પાસે મળવા બોલાવી ભવાનીસિંહ અને ભગીરથભાઇ નામની બે વ્યક્તિ મળ્યા હતા. તેઓએ એક ટકા કમિશનથી બ્લેક નાણા વ્હાઇટ કરી આપી બેન્ક એકાઉન્ટમાં આરટીજીએસ કરી આપવાની ખાતરી આપી રૂા.25 લાખ લઇને આવવાનું કહ્યું હતું.

આથી ગત તા.6 જુલાઇએ ફરી ચેતનભાઇ, તેના ભાગીદાર કાર્તિક, જસદણના મિત્ર કેયુર ઉર્ફે રાજ અને જયરાજભાઇ રાજકોટના વેપારી સંજયભાઇ પટેલ પાસેથી ધંધાના લેવાના રૂા.20.50 લાખનું સુરેન્દ્રનગર આંગડીયું કરવાનું કહી વઢવાણ ગયા હતા. ચારેય સુરેન્દ્રનગરથી આંગડીયામાંથી રૂા.20.50 લાખ સ્કૂલ બેગમાં લઇ વઢવાણ રાંદલ માતાજીના મંદિર પાસે ભવાનીસિંહને મળવા ગયા હતા.

ભવાનીસિંહ અને કરણ ઉર્ફે બુધી મળ્યા ત્યારે ભવાનીસિંહ કેટલા રૂપિયા લાવ્યા અંગે પૂછી થેલામાં ચેક કરી નજીકમાં પોતાની ઓફિસે બેસી ચર્ચા કરી તે દરમિયાન તમારા બેન્ક એકાઉન્ટમાં આરટીજીએસ થઇ જશે તેમ કહી કારમાંથી નીચે ઉતરતાની સાથે જ ભવાનીસિંહે પોતાની પાસે રહેલી પિસ્તોલ જેવા લાઇટરને જયરાજના લમણે રાખી ધમકી દઇ ઝપાઝપી કરી કરણ ઉર્ફે બુધીને તલવાર લાવવાનું કહેતા ચારેય ડરી ગયા હતા. ભવાનીસિંહ મોરી રોકડ સાથેનો થેલો ઝુંટવી કરણ ઉર્ફે બુધી સાથે જી.જે.13એકયુ. 2007 નંબરના બાઇક પર ભાગી ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. વઢવાણ પી.એસ.આઇ. ડી.ડી.ચુડાસમા સહિતના સ્ટાફે બંને શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.