વર્ષ 2018-19ના બજેટ સત્રની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. 29 જાન્યુઆરી 2018થી બજેટ સત્ર શરૂ થશે, જે 9 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે. બજેટનો બીજો તબક્કો 5 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. જ્યારે સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે. સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે આ અંગે માહિતી આપી છે. મહત્વનું છે કે, જીએસટી લાગુ થયા બાદ દેશનું સૌપ્રથમ બજેટ હશે.
સંસદના બજેટ સત્રની તારીખોની જાહેરાત
29 જાન્યુઆરી 2018થી બજેટ સત્ર શરૂ થશે. 9 ફેબ્રુઆરી સુધી બજેટનો પ્રથમ તબક્કો કાર્યરત રહેશે. 29મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વક્તવ્ય આપશે. 1લી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે. બજેટનો બીજો તબક્કો 5 માર્ચથી શરૂ થશે જે 6 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
કૃષિ, સામાજિક અને આર્થિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલી હવે રાજ્યના નાણાંપ્રધાનો સાથે આગામી નાણાંકીય વર્ષ 2018-19ના સામાન્ય બજેટ અંગે ચર્ચા કરશે. મનાઈ રહ્યું છે કે, આ બેઠકમાં સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટેની ફાળવણી અને રાજ્યમાં રહેલા પડકારો પર ચર્ચા કરાશે. સુત્રોએ જણાવ્યું કે, 18 જાન્યુઆરીએ નાણાંપ્રધાન રાજ્યના નાણાંપ્રધાન સાથે બજેટ પહેલાની બેઠકમાં ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, અંદાજે 6 મહિના પહેલા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે ત્યારે આવા સમયે આ બેઠકો યોજાઈ રહીં છે. મનાઈ રહ્યું છે કે, આ બેઠકમાં જીએસટી લાગુ થયા બાદ રાજ્યના અનુભવની સાથે-સાથે રાજ્યો સમક્ષ આવેલા પડકરોની પણ ચર્ચા થઈ શકે છે.