જેન્ટલમેન ગેમને જેન્ટલવુમન ગેમ બનાવવી પાડશે: 2028 સુધીમાં મહિલા પ્લેયરનો નવો ફાલ આપવા માટે મહિલા આઇપીએલ, કેમ્પ અને પ્રેક્ટિસ માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવી પડશે
ભારતમાં સ્ત્રીને શક્તિ ગણવામાં આવે છે. પરંતુ પુરૂષ પ્રધાન સમાજમાં મહિલાઓને સામાજિક મર્યાદાઓ રૂઢિઓના નામે દબાણમાં રાખવા અનેક પેંતરા થયા છે. મહિલાઓને ઘરની બહાર નીકળવા માટે પરિવારને મનાવવાથી લઈ બહાર નીકળ્યા બાદ પણ શોષણનો શિકાર ન થઇ જાય તેનું ધ્યાન રાખવું પડે છે. લોકો શું વિચારશે ?એવા કાલ્પનિક ભયના ઓથાર હેઠળ જીવતો પરિવાર દીકરીના ઉજળા ભવિષ્ય માટે પણ તેને બહાર જવા દેવામાં ખચકાય છે.
વર્તમાન સમયે વિકાસના પાયામાં મહિલાઓનો ફાળો બહુ મોટો છે. આ ફાળો હજુ અનેક ગણો વધી શકે, જો સમાજ મહિલાઓને વિકાસની પૂરતી તક આપે. જો કે પુરૂષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓ સામે અનેક પડકારો છે. આવી સ્થિતિમાં રમતગમત ક્ષેત્ર તો એક એવું પાસું બની રહ્યું છે જ્યાં મહિલાઓને કારકિર્દી બનાવતા પહેલા અભિમન્યુની જેમ 7 કોઠા વીંધવા પડે તેવી સ્થિતિ છે.
રમત ગમત ક્ષેત્રે તો અવારનવાર દેશ-વિદેશના પ્રવાસ કરવા પડે છે. આ ઉપરાંત મોટા ભાગની રમતોમાં જ પુરુષ કોચ હોય છે. આવી સ્થિતિમાં જો રૂઢિચુસ્ત પરિવારની કોઈ દીકરી રમત-ગમતમાં પોતાનું સ્થાન બનાવવા માંગે તો તેના માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.
જોકે, ઓલમ્પિક જેવા આયોજનો સમાજને પ્રોત્સાહન આપે છે તાજેતરમાં જ મહિલા ક્રિકેટ ટીમને પણ ઓલિમ્પિકમાં સ્થાન મળશે તેવી જાહેરાત થઇ છે. જે રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવા મહિલાઓ માટે પ્રોત્સાહન પૂરુ પાડશે. બીસીસીઆઈ દ્વારા આગામી 2028ના લોસ એન્જેલસ ઓલિમ્પિકમાં પુરુષોની સાથે મહિલા ક્રિકેટ ટીમ પણ ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે જેનાથી વૈશ્વિક કક્ષાએ ક્રિકેટને છાતી મળશે.
અહીં ઉલ્લેખનીય છે કે, ઓલમ્પિકમાં છેલ્લે ક્રિકેટ 1900માં રમાઈ હતી. હવે 2028ના ઓલમ્પિકમાં મહિલા ક્રિકેટરોને સ્થાન મળશે. ઉપરાંત 2022માં બર્મીઘમ કોમનવેલ્થ ગેમમાં પણ મહિલાઓ ક્રિકેટ ટીમને સ્થાન આપવામાં આવ્યું છે
જોકે માત્ર ઓલમ્પિક કે કોમનવેલ્થમાં મહિલા ક્રિકેટરોને સ્થાન આપવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઇ શકશે નહીં. ક્રિકેટને જેન્ટલમેન ગેમ ગણવામાં આવે છે જોકે જેન્ટલવુમન ગેમ બનાવવી પડશે. આ માટે મહિલા આઇપીએલના આયોજનો પણ કરવા પડશે જેના થકી મહિલા ક્રિકેટરોનો નવો ફાલ મળી શકે. અલગ અલગ કેમ્પ કરવા અને પ્રેક્ટિસ માટે સુવિધાઓ ઉભી કરવી સહિતના પ્રશ્નોને ધ્યાને રાખવા પડશે. વર્તમાન સમયે ક્રિકેટે બિન સત્તાવાર રીતે રાષ્ટ્રીય રમત હોકીની જગ્યા લઈ લીધી છે. હવે ઓલમ્પિકમાં પણ બંને ટીમ ભાગ લેવા જઈ રહી છે. ભારતીય મહિલાઓ માટે ઓલિમ્પિકમાં મહિલા ક્રિકેટ ટીમનો ભાગ લેવો મોટી વાત છે.
ગયા વર્ષની જેમ જ ત્રણ ટીમોની મહિલા ટી 20 ચેલેન્જ પણ રમવામાં આવશે. ટૂંક સમયમાં જ ટીમ ઇંગ્લેન્ડ રવાના થશે. ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે શ્રેણી રમાશે.