યુવાનની હત્યા કરી લાશ કોથળામાં પૂરી કેનાલમાં ફેંકી હતી હત્યાનું કારણ જાણવા તપાસ
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી તા.13 ઓગસ્ટના રોજ કોથળામાં પુરેલી હાલતમાં યુવાનની કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. આ લાશની ઓળખ મળી આવ્યાના 10 દિવસ બાદ થઈ હતી. જેમાં મૃતક યુવાન હળવદનો સોમાભાઈ મેરૂભાઈ મકવાણા હોવાનું બહાર આવ્યુ હતુ. આ યુવાન તા.11થી ગુમ હતો અને મૃતકના પરીવારજનોએ તેને પહેરેલા કપડા અને તેના હાથ પર ત્રોફાવેલ જીથી તે સોમાભાઈ હોવાનું જણાવ્યુ હતુ. કેનાલમાંથી લાશ મળી આવવાના કેસમાં મૃતકની ઓળખ થયા બાદ તેની હત્યા કોણે અને શા માટે કરી તેનો ભેદ ઉકેલવો પોલીસ માટે જાણે કોયડો બની ગયો હતો.
જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની સુચના અને ડીવાયએસપી એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ વીવીધ ટીમો હત્યારાઓને ઝડપી લેવા છેલ્લા એક અઠવાડીયા કરતા વધુ સમયથી મહેનત કરી રહી હતી. આ દરમીયાન એ ડીવીઝન પોલીસને હત્યારાઓ ગુજરાત બહાર હોવાની માહીતી લોકેશનને આધારે મળી હતી. આથી પીઆઈ એમ.ડી.ચૌધરીની સુચનાથી ટીમ દિલ્હી રવાના થઈ હતી. દિલ્હી પહોંચતા પહેલા આરોપીઓનું લોકેશન બદલાયુ હતુ અને હરીદ્વાર આવતા પોલીસ હરીદ્વાર પહોંચી હતી. જેમાં હરીદ્વાર ગંગા નદીના કાંઠે આવેલા ઝુંપડામાંથી હત્યારી લત્તા ધનજીભાઈ અને તેના ભાઈ અશોક ગાંડાભાઈને ઝડપી લેવાયા છે. બન્નેને સુરેન્દ્રનગર લાવી હાલ તેમની અટક કરાઈ છે.
પોલીસે હરીદ્વારમાં 3 ટીમો બનાવી 400થી ઝુંપડા તપાસ્યા
સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના 6 પોલીસ કર્મચારીઓ હત્યાના આરોપીઓને ઝડપવા હરીદ્વાર પહોંચ્યા હતા. જેમાં ગંગા નદીના કીનારે વીવીધ ઘાટમાં જોતા 400થી વધુ ઝુંપડા હતા. ત્યારે પોલીસના 2 વ્યકતીઓની 1 એમ કુલ 3 ટીમ બનાવી પોલીસે 400થી વધુ ઝુંપડા તપાસ્યા હતા. જેમાં દોઢ કલાકની મહેનત બાદ હત્યારાઓ હાથ લાગ્યા હતા.
આરોપી લતાએ પાડોશમાં ફોન કરતા પકડાયો
તા. 22ના રોજ મૃતક યુવાન હળવદનો સોમાભાઈ છે તે બહાર આવતા જ પોલીસ લત્તા સહીતનાઓની તપાસમાં હતી. પરંતુ તેમના મોબાઈલ સ્વીચ ઓફ આવતા હતા. આ દરમીયાન હળવદના ધ્રાંગધ્રા રોડ પર આવેલ ઝુંપડામાં જયાં લત્તા રહેતી હતી તેની બાજુના ઝુંપડાવાળાને લત્તાએ ફોન કરી પોલીસ તપાસ કે પુછપરછ કરવા આવે છે કે કેમ ? તે પુછવા ફોન કર્યો હતો. આ વાત પોલીસને મળતા જ તુરંત લોકેશનના આધારે તપાસ કરતા લોકેશન દિલ્હીનું આવતુ હતુ. આથી પોલીસ સુરેન્દ્રનગરથી રવાના થઈ હતી. પરંતુ અડધા રસ્તે પહોંચતા લોકેશન દિલ્હીના બદલે હરીદ્વારનું થઈ ગયુ હતુ.