મિલકતની ખરીદીમાં વપરાયેલા નાણાની તપાસ કરવામાં દલાલ ભુલ કરશે તો ૩ થી ૭ વર્ષની જેલથી લઈ મિલકત ટાંચમાં લઈ લેવાની જોગવાઈ

ભારતના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના લક્ષ્ય સાધવા માટે આર્થિક વૃદ્ધિ દરના વધારા અને વિવિધ ક્ષેત્રના વિકાસ માટેના રોડ મેપમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રને પણ આવરી લેવામાં આવ્યું છે. આંતર માળખાકીય સુવિધાઓનું સુદ્રઢીકરણ અને સ્થાનિક રોજગારીના મુખ્ય સ્ત્રોત રીયલ એસ્ટેટને વિકાસના ગ્રોથ એન્જીન તરીકે પ્રમોટ કરવાની સાથે સાથે મિલકત ખરીદીમાં કાળા નાણાના દુષણને અટકાવવા માટે સરકારે કવાયત હાથ ધરી છે. રોકાણ માટે આદર્શ ક્ષેત્ર તરીકે રીયલ એસ્ટેટ તરફ રોકાણકારો હંમેશા આકર્ષીત રહ્યાં છે. મિલકતની ખરીદી એક એવું રોકાણ છે કે તેમાં ક્યારેય ખોટની કોઈ ગુંજાઈસ રહેતી નથી. વળી મિલકતોના રોકાણમાં ગમે તેટલા કાળા-ધોળા હોય તે સચવાઈ જાય તેવી એક સામાન્ય પ્રણાલી છે. હવે રીયલ એસ્ટેટના રોકાણમાં પણ આવકના સ્ત્રોતની જાણકારી અનિવાર્ય બની છે. ભારતના રોકાણકારોમાં સોના પછી મિલકતનું રોકાણ સેફ હેવન માનવામાં આવે છે. સોનાની ખરીદી માટે નિશ્ર્ચિત મર્યાદા ઉપરની ખરીદીમાં પાનકાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હવે રીયલ એસ્ટેટમાં પણ કરવામાં આવતા રોકાણની મુડીનો સ્ત્રોત જાહેર કરવાનો કાયદો આવી રહ્યો છે. મિલકતની ખરીદીમાં હવે આવકના સ્ત્રોતો બતાવવા પડશે.

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર રીયલ એસ્ટેટ એજન્ટ એટલે કે, દલાલોને પણ હવે પીએમએલએના કાર્યક્ષેત્ર હેઠળ લાવી સરકાર તેમને મિલકત ખરીદનાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ભંડોળના આવકના સ્ત્રોત કાયદેસર છે કે નહીં તેની તપાસ કરવાની ફરજ સોંપી છે. રીયલ એસ્ટેટમાં વ્યાપક પ્રમાણમાં રોકાણની આવશ્યકતા સામે કરચોરી અને કાળા નાણા છુપાવવાના મુખ્ય સ્ત્રોત તરીકે તેનો દૂરઉપયોગ થવાની સંભાવનાને લઈ હવે મિલકતના ખરીદદારોના આવકના સ્ત્રોતની માહિતી અને તપાસની જવાબદારી દલાલોને સોંપવામાં આવતા ખરીદનાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ભંડોળના સ્ત્રોત કાયદેસર છે કે નહીં તેની ચોખવટ થઈ જશે. સરકારે ૨૮ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ જારી કરેલા બે અધિનિયમોમાં રીયલ એસ્ટેટ એજન્ટો એટલે કે દલાલોને પીએમએલએ હેઠળ આવરીને ૨૦ લાખથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા દલાલોને ખરીદદારોની આવકના સ્ત્રોતની જાણકારી મેળવવા જણાવાયું છે. દલાલોને ખરીદદારોની મુડી કાયદેસરના સ્ત્રોતોમાંથી આવી છે કે, અવેધ રીતે ઉભી કરવામાં આવી છે તેની ખરાઈ કરવાની રહેશે. દલાલોને કાયદેસરનું રજિસ્ટર મેન્ટેઈન કરવું પડશે.

ખેતાન એન્ડ કંપનીના હર્ષ પરીખે જણાવ્યું હતું કે, સરકારે ૧૫ નવેમ્બર ૨૦૧૭ના રોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરીને દલાલોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ ૨૦૦૨ અંતર્ગત આવરીને દલાલોને પોતાના કારોબારની વિગતોનું રજિસ્ટર મેન્ટેઈન કરવા સુચના આપી છે. ખરીદ-વેંચાણ વ્યવહારમાં ૨૦ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા દલાલોને પીએમએલએ મની લોન્ડરીંગ પ્રતિબંધ ધારા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. અગાઉના જાહેરનામાના રેરા અને પીએમએલએના સંયુક્ત અમલીકરણથી હવે રીયલ એસ્ટેટ ક્ષેત્રનું રોકાણ પણ વધુને વધુ પારદર્શક બને તે માટે સરકારે કવાયત હાથ ધરી છે. બે કાયદાઓ વચ્ચેના તફાવતમાં હવે મિલકત  ખરીદવા માટે ઉપયોગમાં લેવાનારી મુડીના સ્ત્રોત કાયદેસર છે કે કેમ તેની ખરાઈ કરવાની જવાબદારી એજન્ટ એટલે કે દલાલ પર મુકવામાં આવી છે. જેનાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચાલતી ગેરરીતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવશે અને રીયલ એસ્ટેટ ક્ષેત્રના તમામ વ્યવહારોમાંથી બે નંબરી વ્યવહારનો છેદ ઉડી જશે.

જો તમારે મકાન ખરીદવાની ઈચ્છા હોય તો તમારે સ્થાવર મિલકતના દલાલ મારફત રોકાણના પૈસા કાયદેસરના છે કે કેમ, તેની માહિતી આપવાની રહેશે. સરકાર દ્વારા મિલકતમાં રોકાણમાં પારદર્શકતા આવે તે માટે લાવવામાં આવેલા આ નિયમથી હવે મિલકતના કારોબારમાં બે નંબરી વ્યવહારો અંકુશમાં આવશે. આ નવી પ્રથાથી જમીન મકાનના ધંધાર્થીઓ, બિલ્ડરો માટે હવે મિલકતની ખરીદીના આવકના સ્ત્રોતોની ખરીદી કરવી અનિવાર્ય બની છે. તે માટે પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ, આવકના સ્ત્રોત, બેંક સ્ટેટમેન્ટ, આવકવેરાની યાદીના પુરાવાઓ ખરીદનાર અને વેંચનારને આપવા પડશે. મની લોન્ડરીંગ એકટ અન્વયે દલાલોને આવરી લેવાના મુખ્ય આશ્રય મિલકતોમાં વાપરવામાં આવતા કાળા નાણાને નાથવા માટેનો હેતુ છે. હવે દલાલોને જ મિલકતની ખરીદીના નાણા કાળા છે કે ધોળા તેની ખરાઈની જવાબદારી સોંપવામાં આવી છે. જો આ નિયમનું પાલન કરવામાં દલાલ નિષ્ફળ નિવડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મિલકતની ખરીદી માટે વાપરવામાં આવેલી રકમના સ્ત્રોત કાયદેસરના છે કે કેમ તેની ખરાઈ કર્યા વગર જો સોદા કે વ્યવહાર થયાનું પાછળથી ખુલશે તો તેની જવાબદારી દલાલ ઉપર રહેશે અને દંડ સહિત ૩ થી ૭ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે અને આ સંપૂર્ણ વ્યવહારને ગુનાહિત કૃત્ય ગણવામાં આવશે. જો કોઈપણ મિલકતની ખરીદી વેંચાણમાં અવેધ સ્ત્રોતના નાણાનો ઉપયોગ કરવામાં આવ્યા હોવાનું ખુલશે તો તે મિલકત ટાંચમાં લઈ લેવાની સત્તા પણ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને આપવામાં આવી છે.

મિલકતની ખરીદીમાં કાળા નાણાનો ઉપયોગ થયો હશે તો તેની જવાબદારી દલાલ ઉપર આવશે અને તે સોદો રદ્દ કરવાથી લઈને મિલકત ટાંચમાં લઈ દલાલને દંડ સાથે ૩ થી ૭ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.