બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન બિલ 2023, જે માહિતી અને પ્રસારણ મંત્રાલય (એમઆઈબી) દ્વારા જાહેર પરામર્શ માટે મૂકવામાં આવ્યું છે, તેમાં પ્રસારણ ક્ષેત્ર માટે મુખ્ય અસર છે કારણ કે સરકાર એક જ નિયમનકારી માળખા હેઠળ વિવિધ પ્લેટફોર્મ્સ અને તકનીકોને લાવવાનું વિચારી રહી છે.
કેબલ નેટવર્ક, ડીટીએચ, ઓટીટી, આઈપીટીવી સહિતના તમામ પ્લેટફોર્મને એક જ માળખા હેઠળ આવરી લેવાશે
ભારતને વૈશ્વિક કન્ટેન્ટ પ્રોડક્શન હબ બનાવવાના સરકારના ધ્યેય સાથે નિષ્ણાતો નિર્દેશ કરે છે કે સૂચિત કાયદો કન્ટેન્ટ બનાવવાની પ્રક્રિયાને અસર કરી શકે છે કારણ કે ટીવી ચેનલો જેવા ઓટીટી પ્લેટફોર્મ, પ્રોગ્રામ કોડ દ્વારા બંધાયેલા હશે. અત્યાર સુધી ઓટીટી પ્લેટફોર્મને તેઓ ઈચ્છે તે પ્રકારનું કન્ટેન્ટ બનાવવાની સ્વતંત્રતા હતી. જેના લીધે અમુક પ્લેટફોર્મ દ્વારા બેફામ અને આડેધડ કન્ટેન્ટ બતાવવામાં આવતું હતું.
બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન બિલ, 2023ની જો વાટ કરવામાં આવે તો જે ત્રણ દાયકા જૂના કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ રેગ્યુલેશન એક્ટ ઓફ 1995 (સીટીએન એક્ટ)ને બદલવા માંગે છે, ઓવર-ધ-ટોપ (ઓટીટી) અને ડિજિટલ સમાચારનો સમાવેશ કરીને એમઆઈબીના નિયમનકારી માળખાને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરે છે. કેબલ ટીવી, ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ), ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન (આઈપીટીવી) અને હેડએન્ડ ઇન ધ સ્કાય જેવા પ્લેટફોર્મ ઉપરાંત ટીવી ચેનલો અને એફએમ રેડિયો સાથેના પ્લેટફોર્મનો પણ એક જ માળખા નીચે સમાવેશ કરી લેવામાં આવશે.
હાલમાં એમઆઈબી સીટીએન એક્ટ દ્વારા કેબલ ટીવી ઓપરેટર્સ અને ટીવી ચેનલોનું નિયમન કરે છે. વધુમાં તે માહિતી ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ)નિયમો, 2021ના ભાગ ત્રણનું સંચાલન કરે છે, જે ઓટીટી અને ડિજિટલ સમાચાર સામગ્રીનું નિયમન કરે છે. જો કે, સૂચિત કાયદો 2000ના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ઉલ્લેખિત સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને આવરી શકતો નથી.
નવું બિલ રજૂ કરવા પાછળ માહિતી પ્રસારણ મંત્રાલનો તર્ક શું?
એમઆઈબીએ જણાવ્યું છે કે નવી તકનીકો અને ડીટીએચ, આઈપીટીવી અને ઓટીટી જેવા પ્લેટફોર્મના આગમનને કારણે પ્રસારણ ક્ષેત્રમાં મોટો ફેરફાર થયો છે અને તેથી નિયમનને ઇકોસિસ્ટમમાં થતા ફેરફારો સાથે સંતુલિત કરવી જરૂરી છે. મંત્રાલયે દલીલ કરી છે કે સૂચિત કાયદો સમગ્ર પ્રસારણ ક્ષેત્ર માટે એક સંકલિત કાનૂની માળખું પ્રદાન કરશે અને ખાસ કરીને વિવિધ સેવાઓ અને પ્લેટફોર્મ માટે વિવિધ નિયમોની જટિલ પ્રક્રિયાને દૂર કરી સરળ પ્રક્રિયા બનાવશે.
મીડિયા અને મનોરંજન ક્ષેત્રને બિલની અસરો શું ?
એમઆઈબી માને છે કે સૂચિત કાયદો પ્રોગ્રામ અને જાહેરાત કોડ્સનું પાલન સુનિશ્ચિત કરવા માટે સ્વ-નિયમનકારી મિકેનિઝમને મજબૂત બનાવશે. પ્રસારણ ઉદ્યોગ સામગ્રી મૂલ્યાંકન સમિતિ (સીઈસી) દ્વારા સામગ્રીના સ્વ-પ્રમાણીકરણ જેવી કલમો દાખલ કરવા અંગે ચિંતિત છે. જે તેઓ માને છે કે ટીવી બ્રોડકાસ્ટર્સ અને ઓટીટી પ્લેયર્સની સર્જનાત્મક સ્વતંત્રતામાં અવરોધ આવશે.હિસ્સેદારોએ એવો પણ દાવો કર્યો છે કે સામગ્રીનો પ્રસાર કરતા પહેલા સીઈસીની મંજૂરીની આવશ્યકતા દ્વારા એમઆઈબી એક આંતરિક સેન્સર બોર્ડ સમાન સંસ્થાની સ્થાપના કરી રહી છે જેમાં મહિલાઓ, બાળ કલ્યાણ વકીલો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતીઓ જેવા વિવિધ ક્ષેત્રોના બાહ્ય સભ્યોનો સમાવેશ થાય છે.
શું સૂચિત કાયદો સ્વતંત્ર પત્રકારો અને સામાન્ય નાગરિકોને અસર કરશે?
આ કાયદો માત્ર સ્વતંત્ર પત્રકારોને જ નહીં પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર સમાચાર અને માહિતી શેર કરતી વ્યક્તિઓને પણ નિયમનકારી માળખા હેઠળ લાવવાનો પ્રસ્તાવ મૂકે છે કે જે વ્યક્તિઓ સમાચાર અને વર્તમાન બાબતોના કાર્યક્રમો ડિજિટલ માધ્યમથી પ્રસારિત કરે છે. અખબારોના પ્રકાશકો અને ઈ-પેપર્સની પ્રતિકૃતિને બાદ કરતાં તમામને અસરકર્તા રહેશે. જો કે, અખબારો, કાર્યક્રમ અને જાહેરાત કોડનું પાલન કરવું આવશ્યક છે.