ઉનાના ખારા વિસ્તારમાં રહેતી એક મહિલા છ મહિનામાં બે વ્યક્તિઓ સાથે લગ્ન કરી બંને ના ઘરેથી રોકડ અને દાગીનાની લૂંટ કરી નાસી ગયેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાના ખારા વિસ્તારમાં રહેતી રેખાબેન તુલસી દાસ ગોંડલીયા નામની મહિલાએ લગ્નને જાણે પોતાનો ધંધો બનાવી લીધો હોય એ રીતે માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં ઊનાનાં આજુબાજુના વિસ્તારમાં બે અલગ અલગ વ્યક્તિઓ સાથે લગ્ન કરી અને બંને ના ઘરેથી દર દાગીના અને રોકડ રકમ લઇ નાસી ગયેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાસોજ ગામના રહેવાસી રાજેંદ્રગીરી મનછાગીરી ગૌસ્વામી ને તેમના ગામના ખોડિયાર મંદિરના પૂજારી ભરતબાપુ હરિયાણી એ રેખાબેન તુલસી દાસ ગોંડલીયા નામની મહિલા સાથે લગ્ન માટે વાત કરેલ અને એક જ દિવસના ટૂંકાગાળામાં બધાની સહમતી થી લગ્ન કરવાનો નિર્ણય કરેલ.
લોકડાઉંન ને કારણે સાદગીપૂર્વક ગામમાં જ મહાદેવના મંદિરમાં ગામના લોકોની સમક્ષ શાસ્ત્રોક્ત ધર્મ વિધિથી લગ્ન કર્યા હતા. લગ્ન કર્યાના થોડા જ દિવસોમાં આ મહિલાએ પોતાનો અસલી રંગ બતાવવાનું ચાલુ કર્યું. મહિલાએ તેના પતિ પાસે પોતાની ઉપર એક લાખ રૂપિયાનું દેવું છે એવું કહી અને રોકડની માંગણી કરી હતી. પરંતુ રાજેંદ્રગીરી પાસે આટલી રોકડ રકમ ના હોવાને કારણે તેને આ વાત પોતાના પરિવારને કરી. ત્યારે પરિવારજનો એ સમજાવ્યું કે હજુ લગ્ન ને થોડા જ દિવસ થયા હોય તો આવો ભરોસો ન કરવો આમ છતાં રાજેંદ્રગીરી એ લાગણી અને વિશ્વાસ માં આવી ને પોતાના ભત્રીજા ધર્મેન્દ્રગીરી પાસેથી રૂપિયા એક લાખ ઉછીના લઈ અને આ લુટેરી દુલ્હન ના હાથમાં સોંપ્યા હતા. આ ઉપરાંત રાજેંદ્ર ગીરી એ લગ્નમાં ચાર તોલા જેટલું સોનું પણ ચડાવ્યું હતું. ૨૭/ ૬ ના રોજ આ મહિલા રોકડ એક લાખ અને સોનુ બન્ને લઈ અને રાત્રીના જ ઘરેથી નાસી છુટી હતી અને પોતાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધેલો હતો.. અંતે રાજેંદ્રગીરી પોતાના પરિવારના સભ્યો સાથે ઉનામાં તે મહિલાના ઘરે પહોંચ્યો તો ત્યાં પણ તાળા મારેલા જોવા મળ્યા. અને આજુબાજુના વિસ્તારમાં વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મહિલાએ ચાર મહિના પહેલાં ૨૭/૨ ના રોજ સુત્રાપાડા ના એક વ્યક્તિ સાથે લગ્ન કરી અને આ જ રીતે સોનુ અને રોકડ રકમ લઇ અને ત્યાંથી પણ નાસી ગઈ હતી. અને ત્યારે સમગ્ર બનાવને જોતા રાજેંદ્રગીરી અને તેના પરિવારને સમજમાં આવ્યું હતું કે આ મહિલા માટે લગ્ન એ માત્ર પૈસા પડાવવા માટે નો ધંધો છે. અગાઉ પણ આ મહિલાએ આ રીતે લગ્ન કરી અને લોકોને લૂંટ્યા છે.