જામનગરના યુવાન સાથે લગ્નનું તરકટ રચી ત્રણ મહિલા સહિત છ શખ્સોએ રૂા.2.75 લાખની કરી છેતરપિંડી
જામનગરના લગ્ન ઇચ્છુક યુવાનને રાજકોટના શખ્સે સુરતની મહારાષ્ટ્રીયન યુવતી સાથે લગ્નનું તરકટ રચી રૂા.2.75 લાખની છેતરપિંડી કર્યાની ત્રમ મહિલા સહિત પાંચ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના બેડેશ્ર્વર કાપડમીલની ચાલીમાં રહેતા સાગરભાઇ સદાશિવભાઇ મહારનવર નામના 28 વર્ષના યુવાને અમદાવાદના વિષ્ણુભાઇ, અમદાવાદની સંગીતાબેન ઉર્ફે સુધાબેન જીતેન્દ્રભાઇ ભાટી, રાજકોટ પ્રકાશ ધરમશી મારૂ, મહારાષ્ટ્રના યવતહગાવના આશાબેન સુરેશભાઇ ભોરે, મનિષાબેન પ્રભાકર શીંદે અને શુભાંગી પ્રભાકર શીંદે સામે રૂા.2.75 લાખની છેતરપિંડી કર્યાની જામનગર સિટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બજરંગ ઢોસા નામની દુકાનમાં રસોયા તરીકે કામ કરતા સાગરના લગ્ન માટે તેના પિતા સદાશિવભાઇના રાજકોટના ગુરૂપ્રસાદ ચોકમાં દિક્ષિતા એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ ધરમશી મારૂને વાત કરી હતી. આથી પ્રકાશ મારૂએ પોતાના અમદાવાદ ખાતે રહેતા સંબંધી વિષ્ણુભાઇના ધ્યાનમાં સાગર માટે યુવતી હોવાનું જણાવ્યું હતુ. વિષ્ણુંભાઇના કહેવાથી ગત તા.27-1-22ના રોજ સુરતના નારાયણનગરમાં રહેતી સંગીતાબેન ઉર્ફે સુધાબેન ભાટીના ઘરે યુવતી જોવા માટે સાગર તેનો મિત્ર હામીદ ઇસ્માઇલ અને રાજકોટના પ્રકાશ મારૂ સુરત ગયા હતા.
સુરત સુધાબેન ઉફેઈ સંગીતાબેનના ઘરે શુભાંગી શીંદે નામની યુવતી બતાવી તેના લગ્ન માટે તૈયારી બતાવી હતી ત્યારે તેની માતા મનિષાબેન અને માસી આશાબેને પોતાની પરિસ્થિતી નબળી હોવાથી રૂા.1.80 લાખની મદદ કરવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તા.29 જાન્યુઆરીના રોજ વિષ્ણુભાઇ પોતાની સાથે શુભાંગી, તેની માતા મનિષાબેન અને માસી આશાબેનને લઇ જામનગર આવ્યા હતા. ત્યારે તેઓને રૂા.1.80 લાખ રોકડા આપ્યા હતા અને તા.14-2-22ના રોજ શુભાંગીના લગ્નનું નોટરી લખાણ કરાવ્યું હતું.
શુભાંગી શીંદે જામનગર ખાતે રહેવા આવી હતી બે દિવસ બાદ શુભાંગી એકાએક ગુમ થઇ જતાં તેની શોધખોળ કરી હતી પરંતુ તેની ભાળ મળી ન હતી અને ઘરમાંથી સોનાના ઘરેણા અને રૂા.40 હજાર રોકડા લઇ ભાગી ગયાનું જણાતા સાગરે પોતાની પત્ની શુભાંગીની માસી આશાબેનનો સંપર્ક કરતા તેની માતા બીમાર હોવાથી મહારાષ્ટ્રમાં આવી છે. માતાની તબીયત સારી થશે એટલે પરત મુકી જશુ કહી સમજાવ્યું હતું. લાંબો સમય થવા છતાં શુભાંગીને પરત ન મોકલતા બધાએ એક સંપ કરી છેતરપિંડી કર્યાનું જણાતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.