સંત શિરોમણી: દુખીયાના બેલી અને ‘માનવ સેવા એજ પ્રભુસેવા’ના મંત્રદાતા પૂ. જગાબાપા, પૂ. રણછોડદાસજી મહારાજએ કહ્યું છે કે, ગરીબો કો મત સતાના, અગર પરમાત્માને દેખ લિયા તો તુમ્હારી ખેર નહિ… આપણી સરકારો ગરીબોની ઉપેક્ષા બંધ નહિ કરે તો દેશનું પતન નકકી !
આપણા દેશમાં ઘણો બધો વિકાસ થયો છે એવી ડંફાશો આપણા રાજનેતાઓ અને રાજકર્તાઓ છાસવારે હાંકયા કરે છે. પરંતુ આપણા દેશની સવા કરોડ જેટલી વસ્તીમાં ૬૫ ટકા જેટલા લોકો ગરીબાઈમાં જીવન જીવે છે.
આપણા દેશમાં બે ભારત છે. એક ગરીબોનું છે અને બીજું શ્રીમંતોનું છે એવી રાજીવ ગાંધીની ટકોરમાં સારી પેઠે દમ છે.
અહી શ્રીમંતો જૂજ છે, લઘુમતિમાં છે તેમ છતા સત્તામાં તેમનુંજ વર્ચસ્વ રહેતું આવ્યું છે.
આઝાદી સાંપડયા પછી પણ શ્રીમંતાઈની સામે ગરીબાઈ બેસુમાર વધતી રહી છે.
‘માનવ સેવા એજ પ્રભુસેવા છે’ અને માનવ સેવા એજ ‘ધર્મનો પ્રાણ’ છે. એવો મહામંત્ર માનવ સમાજને અર્પણ કરનાર સદગુરૂદેવ પૂ. જગાબાપા, પૂ. રણછોડદાસજી મહારાજશ્રીએ આ અંગે સ્પષ્ટ પણે કહ્યું છે કે, ‘યાદ રાખો, ગરીબોનો અવાજ એ પરમાત્માનો અવાજ છે.’
તેમણે એમ પણ કહ્યું કે, ‘કયારેય ગરીબોને સત્તાવશો નહિ. જો એમનો માલિક (પરમાત્મા) જોઈ જશે તો તમારી ખેર નથી!
આપણા દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. અને બેરોજગારીની સમસ્યા ચરમસીમાએ પહોચી છે. માણસ માત્ર માટે જીવન જરૂરી ચીજો પણ ગરીબો માટે મોંઘવારીને કારણે અપ્રાપ્ય સમી બની છે.
રોટલો મોંધો છે.
પાણી જેવી ધર્માદાની છાસ પણ દુર્લભ બનતી રહી છે.
ઓછામાં પૂરૂ, હમણા હમણા ગરીબોની કસ્તુરી સમી ડુંગણીની કિંમત આસમાને પહોચી છે.
કાંદાના નામે પણ ઓળખાતી ડુંગરી અતિ મોંઘી થતાં તે પણ મળી શકતી નથી.
ગરીબો માટે તો ડુંગરી સ્વાદની એક માત્ર ચીજ લેખાય છે. શાકભાજી ખરીદે તો તેમાં પણ મોંઘવારી નડે છે. અને તેલનો છાંટો (શાક વઘારવા જેટલું) તેલ મળી શકતું નથી!
સમગ્ર દેશમાં ડુંગળીની વધતી કિમંતોને લઈને જોરદાર હોબાળો મચેલો છે. ત્યારે કેન્દ્ર સરકારમાં બેઠકોનો દોર યથાવત રીતે ચાલી રહ્યો છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મોરચો સંભાળીલીધો છે. સમગ્ર દેશમાં ડુંગળીની વધતી કિમંતોએ લોકોને રડાવી દીધા છે. વિપક્ષના આક્ષેપો જારી છે. તમામ પ્રયાસો છતા કિંમતો કાબૂમાં આવી રહી નથી ત્યારે બેઠકોના દોર વચ્ચે હવે અમિત શાહે મોરચા સંભાળી લીધા છે. બીજી બાજુ ખાધાન્નમંત્રી રામવિલાસ પાસવાને ટિવટ કરીને કહ્યું છે કે, ડુંગળી અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓની કિંમતોને કાબુમાં લેવા બનતા તમામ પ્રયાસો થઈ રહ્યા છે.ડુંગળી મોંઘી થવા માટે અનકે કારણો રહેલા છે.
આ બધુ દર્શાવે છેકે, આપણા દેશમાં કરોડો ગરીબોનાં જીવતરની અને તેમની ગરીબીને તેમજ બેરોજગારીની સ્થિતિને દૂર કરવા માટે પ્રમાણિકપણે કશીજ ખેવના રખાતી નથી.
શિક્ષિત બેકારોની પણ દયાજનક હાલત છે.
આર્થિક બેહાલી વકરતી રહી છે. એને કારણે જીડીપી વિકાસ દર ઘટાડીને છેક ૫ ટકા સુધી તળિયે પહોચાડી દેવાયો હોવાનું રિઝર્વ બેંકે દર્શાવી દીધું છે.
નાણામંત્રી અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાતાં રહેલા પગલાં કામિયાબ નીવડતાં નથી, જે એવો જ ખ્યાલ આપે છેકે, આર્થિક કટોકટીના મુદ્દે કેન્દ્ર સરકાર ગોટે ચઢી છે.
પ્રતિષ્ઠાની બાબતને બાજુએ મૂકીને અને દેશના હિતોને જ સર્વોપરિ ગણીને સરકારે ડો. મનમોહનસિંઘ અને અન્ય ટોચના નાણાશાસ્ત્રીઓની સાથે સલાહ સૂચના કરીને સમયસર જરૂરી પગલાં લેવા ઘટે… પરદેશ ઉપર આધારિત રહેવાને બદલે આપણા જ પગ ઉપર ઉભાં રહેવા જેવાં પગલા લેવા જોઈએ અમે કહ્યા વિના છૂટકો નથી!
ડુંગરીની કિમંત આસમાને પહોચી છે. એના માટે પણ સરકારી તંત્ર દોષિત ગણાય. હવે વિદેશોમાંથી ડુંગરીની આયાત કરવાનો એકમાત્ર ઉપાય સરકાર પાસે રહ્યો છે અને તે ‘કાકા મટીને ભત્રીજા’ બનવા સમો છે. જો હવે પછીના પગલાંમાં વિલંબ થશે તો જબરો હાહાકાર સર્જાશે એ ભૂલવા જેવું નથી.