- જો આ પ્રકારના કિસ્સાને દુષ્કર્મ ગણવામાં આવે તો યુવક-યુવતીઓ વચ્ચેના સંબંધ સજાપાત્ર બની જશે: સુપ્રીમ કોર્ટ
લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી સ્ત્રી તેના લિવ-ઇન પાર્ટનર પર લગ્નનું ખોટુ વચન આપી શારીરિક સંબંધ બાંધવા મામલે બળાત્કારનો આરોપ લગાવી શકતી નથી તેવો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. અદાલતે બુધવારે લગ્નના ખોટા વચનનો ઉલ્લેખ કરીને બળાત્કારના કેસ દાખલ કરવાના વધતા વલણનો મુદ્દો ઉઠાવ્યો હતો.
એક પુરુષે સગાઈ કરેલી સ્ત્રી દ્વારા તેના પર લગાવવામાં આવેલા બળાત્કારના આરોપોને રદ કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ એમ એમ સુંદરેશ અને રાજેશ બિંદલની બેન્ચે આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું હતું કે, સંબંધ તોડવાથી બળાત્કારના કેસ ન થવા જોઈએ. મહિલાએ દલીલ કરી કે લગ્નના ખોટા બહાને તેણી સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો.
જો તમે એટલા ભોળા હોત, તો તમે અમારી સામે ન હોત. તમે પુખ્ત વયના હતા, એવું ન હોઈ શકે કે તમને એવું માનીને છેતરવામાં આવ્યા હોય કે તમે લગ્ન કરી શકશો. આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. વધુમાં બેંચે કહ્યું હતું કે, આજે નૈતિકતા, સદ્ગુણોનો ખ્યાલ યુવાન લોકો સાથે અલગ છે. જો અમે તમારી સાથે સંમત થઈએ તો કોલેજમાં છોકરા અને છોકરી વગેરે વચ્ચેનો કોઈપણ સંબંધ સજાપાત્ર બની જશે.
પીડિતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ માધવી દિવાને કહ્યું હતું કે, આ પ્રેમ સંબંધમાં ખટાશ આવવાનો કેસ નથી પરંતુ ગોઠવાયેલા લગ્નની સ્થિતિ છે. હાલના કેસમાં સંમતિને સ્વતંત્ર સંમતિ કહી શકાય નહીં. તેણીની સગાઈ તોડવી એ સામાજિક નિષેધ હશે. તેણી વિચારે છે કે જો તેણી તેને ખુશ ન કરે તો તે તેની સાથે લગ્ન ન પણ કરે. તેમની સગાઈ થઈ ગઈ હતી. તે તેના માટે કેઝ્યુઅલ સેક્સ હોઈ શકે છે પણ સ્ત્રી માટે નહીં તેમ દિવાને કહ્યું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કેસની વિગતવાર તપાસ કરવાનો નિર્ણય લીધો હતો.