એલ.આર.ડી.ની પરીક્ષા આપતા ઉમેદવારોને લઈ જતી એસ.ટી બસના ડ્રાઇવરનું થશે ચેકીંગ

રાજકોટ સહિત રાજ્યભરમાં ૬ જાન્યુઆરીએ લોકરક્ષક દળની પરીક્ષા યોજાઇ રહી છે ત્યારે ઉમેદવારોને લઈ જતી એસટીના ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં તો નથી ને ? તેની તપાસ બ્રેથ એનલાઇઝરથી થશે અને તેમાં જો કોઈ ડ્રાઈવર પીધેલી હાલતમાં હશે તો તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને તેવા ડ્રાઈવરને બસ ચલાવવા નહીં દેવાય. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના ૯ ડેપો પર બસના ડ્રાઈવરની તપાસણી થશે. રાજકોટના એસ.ટી ડેપો પર ડ્રાઈવરનું બ્રેથ એનલાઇઝર દ્વારા ચેકિંગ શરૂ થઈ ગયું છે.

રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ભૂજ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના છ ડિવિઝન સહિત રાજ્યના કુલ ૧૬ ડિવિઝન હેઠળ ૫ અને ૬ જાન્યુઆરીના એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે. જેમાં રાજકોટ એસટી ડિવિઝનના રાજકોટ, ગોંડલ, મોરબી, જસદણ, ચોટીલા, વાંકાનેર, લીબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના ૯ ડેપોની ૨૦૦ જેટલી બસ મૂકવામાં આવશે. ડિવિઝનલ મેનેજર દિનેશ જેઠવા જણાવે છે કે, રાજકોટ ડિવિઝન હેઠળના તમામ ડેપો પર બ્રેથ એનલાઇઝર રાખવામાં આવ્યા છે. લોકરક્ષક દળના પરીક્ષાર્થીઓ તા.૫ અને ૬ જાન્યુઆરીમાં એસટીમાં સફર કરશે. રાજ્ય સરકારના આદેશ મુજબ તમામ પરીક્ષાર્થીઓને એસટીની ટિકિટ ફ્રી રાખવામાં આવી છે. આ પરીક્ષા દરમ્યાન ઉમેદવારોને લઈ જતી એસટી બસના ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં નથી ને ? તેનું ચેકિંગ કરવામાં આવશે અને જો એક પણ ડ્રાઈવર કે કંડક્ટર પીધેલી હાલતમાં હશે તો તેમને આકરો દંડ ફટકારવામાં આવશે.

રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એલઆરડીની પરીક્ષા દરમ્યાન ૨૦૦ એક્સ્ટ્રા બસ મુકાઇ છે તેવા સમયે અન્ય ૫૦ જેટલા લોકલ રુટ પણ રદ કરવાની ફરજ પડશે. જેથી રાજકોટથી ધ્રોલ, પડધરી, કુવાડવા, ગોંડલ અને આસપાસના ગામડા સુધી જતી બસ બે દિવસ રદ કરવી પડે તેવી નોબત આવશે. જેથી નજીકના લોકલ રુટ પર જતાં મુસાફરોને મુશ્કેલી ભોગવવાનો વખત આવશે અને એસટી ન મળતા ખાનગી વાહન મારફત લોકોને લોકોને લૂંટાવું પડે તેવી પણ નોબત આવશે. અગાઉ રદ થયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં હવે કોઈ ગેરરીતિ કે અવ્યવસ્થા ન સર્જાઈ તે માટે તંત્ર અત્યારથી સજાગ થઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.