મુંબઇ-દિલ્હીની બજારો બંધ હોવાથી માલ મોકલવાનું સ્થગિત: અનેક કારખાનેદારોનો ઉત્પાદિત માલ વેચાણની રાહમાં: ઉદ્યોગ સાથે સંલગ્ન દુકાનો ચાલુ રાખવા દેવા માંગ
જામનગરની ધોરી નસ સમાન બ્રાસ ઉદ્યોગ કોરોનાની મહામારીને લીધે મુંબઇ અને દિલ્હીમાં લોકડાઉનના હિસાબે આર્થિક મંદીમાં સપડાયો છે. ઉત્પાદન ચાલુ છે પરંતુ તૈયાર માલની ખરીદ કરનાર માલની ડિલેવરી લઇ શકતા નથી.જામનગરમાં કોવિડ-19ના અનેક કેસો વચ્ચે ગુજરાત સરકાર દ્વારા ઔદ્યોગિક એકમોને કાર્યરત રાખવાનું પગલુ લીધુ હતું. જેના કારણે જામનગરમાં ગૃહઉદ્યોગ સમાન બ્રાસ ઉદ્યોગ ધમધમી રહ્યો છે પરંતુ બ્રાસ ઉદ્યોગમાં તૈયાર થયેલા પ્રોડકશનની ડીલેવરી અને મુખ્ય માર્કેટ દિલ્હી અને મુંબાઇ સાથે જોડાયેલ છે મોટા ભાગનું બ્રાસનું ઉત્પાદન ખરીદનાર મુંબઇના વેપારીઓ હોય છે કા તો દિલ્હીના વેપારીઓ છે.
હાલમાં કોરોનાને લઇ દિલ્હી અને મુંબઇમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેની સીધી અસર ત્યાંના બ્રાસ માર્કેટ ઉપર પડી છે. કારણ કે દિલ્હી-મુંબઇના વેપારીઓની દુકાનો અને ઓફિસો બંધ છે. તેમજ નિકાસ પણ હાલ બંધ હોય હોય જેને લીધે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો વિમાસણમાં મુકાયા છે. ઉત્પાદન પ્રક્રિયા ચાલુ છે. જેનાથી બ્રાસની વિવિધ પ્રોડકટનો સ્ટોક વધતો જાય છે. જેની સામે તૈયાર માલનું વેચાણ ડિલેવરી કેવી રીતે કરવી તે સમસ્યા ઉભી થઇ હોવાનું ઉદ્યોગકારે જણાવ્યું હતું. મુંબઇ અને દિલ્હીમાં હજુ પણ લોકડાઉન લંબાવવામાં આવશે તો જામનગરના બ્રાસ ઉદ્યોગકારો પણ ના છુટકે લોકડાઉન સ્વૈચ્છીક જાહેર કરવું પડશે. કારણ કે બ્રાસના કાચા માલની કિમત વધી છે મજુરોના ખર્ચ ચડી રહ્યા છે આમ જો બ્રાસની મુખ્ય માર્કેટ અને નિકાસ છુટ ન થાય ત્યાં સુધી જામનગરના બ્રાસના ઉદ્યોગને આર્થિક ભારણ સહન કરવુ પડશે તેવુ મંતવ્ય ઉદ્યોગકારો વ્યકત કર્યુ હતું. ખરેખર ઉદ્યોગકારોના હિતમાં ઉદ્યોગ સાથે સંલગ્ન દુકાનો પણ ચાલુ રાખવા દેવી જોઇએ તેવી માંગ ઉઠી રહી છે. આવી જ સ્થિતિના લીધે ધોરી નસ સમાન જામનગરનો બ્રાસ ઉદ્યોગ હાલમાં તો આર્થિક મંદીના વેવમાં સંપડાયો છે. આમ કોરોનાનું ગ્રહણ જામનગરના બ્રાસ ઉદ્યોગને લાગ્યું છે એમ કહેવુ અસ્થાને નહી ગણાય.એક તરફ લોકડાઉન અને કોરોના વચ્ચે પણ જયાં જામનગરનો બ્રાસઉદ્યોગ ધીમી ગતિ પકડી રહ્યો હતો. ત્યાં ફરી મુંબઇ અને દિલ્હીનું લોકડાઉન સ્પીડ બ્રેકર બનીને આડુ આવ્યું છે.