ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળના આદેશને પગલે રાજકોટ જીલ્લાના પર નાયબ મામલતદારો કામગીરીથી અળગા રહેશે
ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે થઈ રહેલી મગફળી ખરીદીમાં નાયબ મામલતદારોને મહત્વની જવાબદારી સોપતા ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઉભી થાય તો જવાબદારીમાં ફિક્સ થઈ શકે તેમ હોવાની દહેશત વ્યક્ત કરી ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તમામ જિલ્લાના કર્મચારીઓને એમએસપી કામગીરીનો બહિષ્કાર કરવા આદેશ કરતા રાજકોટ જિલ્લાના ૫૨ નાયબ મામલતદારો ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયાથી અળગા રહેશે.
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ દેવેશ પટેલે મહેસુલ મંત્રી અને મહેસુલ સચિવને લેખિત પત્ર પાઠવી ખરીફ માર્કેટીંગ સીઝન-૨૦૧૮-૧૯ અન્વયે એમએસપી મુજબ મગફળીની ખરીદ પ્રક્રિયાની કામગીરીનો બહિષ્કાર કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. ગાંધીનગરના આદેશ મુજબ રાજયમાં ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૧૮-૧૯ માટે મગફળીની ખરીદી માટે ખરીદ કેન્દ્ર ખાતે જરૂરી વ્યવસ્થા મુકરર કરવા સુચના થઈ આવેલ છે જેમાં માર્કેટીંગ સીઝન ૨૦૧૮-૧૯ અન્વયે એમએસપી મુજબ મગફળીની ખરીદ પ્રક્રિયા તા. ૧૫૧૧-૨૦૧૮થી શરૂ કરવા સૂચન છે. ખરીદ પ્રક્રિયા રાજયના તમામ જીલ્લામાં આવેલ તમામ તાલુકામાં એ.પી.એમ.સી, ખાતે શરૂ કરવા બાબતે મહેસુલી કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે, જે ખરેખર ઘણી જ ગંભીર બાબત ગણાવી હતી.
વધુમાં હાલમાં મહેસુલ વિભાગના નાયબ મામલતદારો પાસે વિશાળ પ્રમાણમાં કામગીરી હોવાની સાથે નાયબ મામલતદારોની મોટા
પ્રમાણમાં ઘટ હોય તેમજ વિશેષમાં આવી કોઈ કામગીરીનો અનુભવ મહેસુલ વિભાગ હસ્તકના નાયબ મામલતદાર પાસે ન હોય ભવિષ્યમાં કોઈ જવાબદારીના પ્રશ્નો ઉપસ્થિત થયે કર્મચારીઓનો બિનજરૂરી રીતે માત્ર અને માત્ર અન્ય ખાતા કચેરીની બિનઅનુભવવાળી કામગીરીને લીધે ભોગ લેવાય તેવી સંભવના જોતા હાલ મહેસુલ વિભાગ હસ્તકની સમયમર્યાદાવાળી અને ચોકકસાઈ પૂર્વકની મહેસુલ વિભાગની તેમજ આનુષંગિક કામગીરીઓને ધ્યાને લેતા ખરીફ માર્કેટીંગ સીઝન-૨૦૧૮-૧૯ એમએસપી મુજબ મગફળીની ખરીદ પ્રક્રિયા કામગીરીનો રાજય મહામંડળ દ્વારા બહિષ્કાર કરવા માટે કરવામાં આવે છે.
વધુમાં ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા તમામ જિલ્લાને આ બાબતની કડક સૂચના આપી ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયાનો બહિષ્કાર કરવા સૂચના આપતા રાજકોટ જિલ્લા૫૨ નાયબ મામલતદારો સહિત ૫૬૨ કર્મચારીઓ આજથી ટેકાના ભાવની મગફળી ખરીદી પ્રક્રિયાથી દૂર રહેનાર હોવાનું રાજકોટ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું હતું.ગઇ કાલનું થોડું પેન્ડિંગ કામ પડ્યું હોય આ કામ પુરુ કરીને નાયબ મામલતદારો ટેકાના ભાવની મગફળી ખરીદીમાં કામગીરીનો બહિષ્કાર કરવાના હોવાથી ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા ઘોચમાં પડે તેવી શક્યતા જોવાઇ રહી છે.