જય વિરાણી, કેશોદ:
સનાતન ધર્મમાં ભાઈ બહેનનાં અતુટ પ્રેમનાં સંખ્યાબંધ કિસ્સાઓનો ઉલ્લેખ જોવા મળ્યો છે. આ ભાઈ બહેનનાં અતુટ બંધનનો તહેવાર એટલે ‘રક્ષાબંધન’. આ પર્વ નિમિત્તે બહેનો ભાઈનાં કાંડા પર રાખડી બાંધી રક્ષા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન અને કોવીડ-૧૯ ગાઈડ લાઈન મુજબ તહેવારો ઉજવી શકાય નહોતાં પરંતુ આ વર્ષે સ્થિતિ સામાન્ય બનતાં બહેનોમાં પોતાના ભાઈ માટે સુંદર આકર્ષક રાખડી બાંધવા ખરીદી કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ અવસર પર બહેનો પોતાના ભાઈ માટે અલગ-અલગ રાખડીઓ ખરીદે છે ત્યારે કેશોદ શહેરમાં આવેલી મુખ્ય બજારમાં વેપારીઓ દ્વારા રાખડીઓનાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. વિવિધ પ્રકારની રાખડીઓ ઉપરાંત નાનાં નાનાં બાળકોને માટે કાર્ટુનનાં પાત્રોની આકર્ષક રાખડીની ખાસ માંગ જોવા મળી રહી છે.
શહેરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીઓનાં ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા સામુહિક નિર્ણય કરી ચાઈનીઝ રાખડીઓનો બહિષ્કાર કરી વેંચાણ કરતાં નથી. કોરોના મહામારી વચ્ચે ત્રીજી લહેર આવવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યારે પોતાનાં ભાઇને રાખડી બાંધી રક્ષા માટે બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.