એનઆઈએ અને એટીએસનું સંયુકત ઓપરેશનમાં ૧૭ વિસ્તારોમાં દરોડા: રોકેટ લોન્ચર, ગ્રેનેડ લોન્ચર સહિત ૧૦ આતંકીઓની ધરપકડ
આઈએસ મોડયુલ હરકત અલ હર્બએ ઈસ્લામના ટાર્ગેટમાં પ્રયાગરાજ ખાતે યોજવામાં આવેલો કુંભ ૨૦૧૯નો મેળો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. નેશનલ ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા આ બાબતે કોઈપણ નિવેદન આપવામાં આવ્યું નથી. જયારે એનઆઈએના અધિકારીઓએ આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ગીચ વિસ્તારો અને ભીડભાળવાળા વિસ્તારો આતંકી સંગઠનોના ટાર્ગેટમાં હતા. અને આવનારા દિવસોમાં પ્રયાગરાજ ખાતે યોજવામાં આવેલા કુંભ મુખ્ય ટાર્ગેટ હતો.
એટીએસના વિનોદકુમારસિંહ આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, આતંકી હુમલાની પુછપરછ કરવામાં આવી રહી છે. એટીએસના આઈજી અસીમ અરૂણે જણાવ્યું હતું કે, એનઆઈએ સાથે યુપી એટીએસએ આમરો તથા હાપુડમાં તજવીજ હાથ ધરી હતી. પરંતુ કુંભ મામલે કોઈપણ ગતિવિધિઓ સામે આવી ન હતી. પરંતુ એસએસપી એટીએસ વિનોદકુમારસિંહ અને ડેપ્યુટી એસ.પી.અતુલ કુમાર યાદવે પકડાય ગયેલા આરોપીઓની પુછપરછ કરી હતી. જયારે નેશનલ ઈન્ટેલીઝન્સ એજન્સી અને ઉત્તરપ્રદેશની એન્ટી ટેરર સ્કવોડે દિલ્હી અને ઉત્તરપ્રદેશની ૧૭ જેટલી શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડી આતંકી મોડયુલનો પર્દાફાશ કર્યો છે.
આ સંગઠન શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો કરવાનું કાવતરુ રચી રહ્યાં હતા. જેમાં ઈસ્લામીક સ્ટેટનું આ મોડયુલ મુફતી સોહેલ નામનો આતંકી ચલાવી રહ્યો હતો તે ઉત્તરપ્રદેશના આમરોહાની એક મસ્જિદમાં મોલવી તરીકે ફરજ બજાવી રહ્યો હતો અને આ આતંકી જુથ કોઈ અજ્ઞાત વિદેશી માસ્ટર માઈન્ડના સંપર્કમાં હતું અને તેની શોધ હાલ એનઆઈએ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
આ સંગઠન વીઆઈપી અને રાજકીય નેતાઓને લક્ષ્યાંક બનાવવા દિલ્હી અને યુપીના મહત્વના સ્થળોએ વિસ્ફોટની યોજના બનાવી રહ્યું હતું. જેમાં દરોડા દરમિયાન એમોનીયમ નાઈટ્રેડ, ૭ ગ્રેનેડ લોન્ચર સાથો સાથ રોકેટ લોન્ચર, ૧૨ પીસ્તોલ, ૧૦૦ ઘડીયાળો, ૧૦૦ મોબાઈલ ફોન સાથો સાથ ૧૩૫ સીમકાર્ડ અને લેપટોપ પકડી પાડવામાં આવ્યા છે. એજન્સીના અધિકારીઓએ ઉત્તરપ્રદેશના ગાજીયાબાદના આમરોહા અને લખનૌ તથા દિલ્હીના સીલમપુરમાં દરોડા પાડી ૧૦ વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં ૨૯ વર્ષીય માસ્ટર માઈન્ડ મોહમદ સોહેલનું પણ નામ સામે આવી રહ્યું છે.
દરોડા દરમિયાન નેશનલ ઈન્ટેલીઝન્સ એજન્સીએ ૭.૫૦ લાખ કરોડ તથા બોમ્બ બનાવવા માટે ૨૫ કિલો પોટેશીયમ નાઈટ્રાઈડ, પોટેશીયમ કલોરેટ તથા સલફરના જથ્થાને પણ પકડી પાડયો છે. છેલ્લા ઘણા વર્ષથી ગુપ્તચર અધિકારીઓ દ્વારા ભારતમાં ઈસ્લામીક સ્ટેટના વધતા પ્રભાવ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ત્યારે ૨૦૧૭ના ડિસેમ્બર માસમાં ઈસ્લામીક સ્ટેટના ૧૦૩ લોકોની ધરપકડ કરાઈ હતી. જેમાં સૌથી વધુ સંખ્યા ઉત્તરપ્રદેશના લોકોની માનવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓએ કાશ્મીરમાં ઈસ્લામીક સ્ટેટના નાના જૂથો, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ પર આતંકી સંગઠનનો પર્દાફાશ કર્યો હતો.