- બે યુવાનોને ઠોકરે ચડાવનાર બોલેરો ચાલક ને પોલીસે ઝડપી લીધો
- પંચકોષી બી. ડિવિઝન પોલીસે અશ્વિન પટેલની અટકાયત કરી
જામનગર ન્યૂઝ : જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર સાઈડમાં ઉભા રહેલા બે યુવાનોને પાછળથી ઠોકરે ચડાવી ગંભીર સ્વરૂપે ઘાયલ કરી દેનાર બોલેરો પીકપ વેન ના ચાલક ને પોલીસે ઝડપી લીધો છે, અને બોલેરો કબ્જે કરી છે. જ્યારે બે ઇજાગ્રસ્તો પૈકી એક યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો છે.
જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર થી પરમદીને સવારે ૪.૩૦ વાગ્યાના અરસામાં રોડની સાઈડમાં ઉભેલા જામનગરના વતની રવિભાઈ કાળુભાઈ રાઠોડ તેમજ કમલેશભાઈ નરેશભાઈ હકાણી ને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે.-૬ એ.ઝેડ. ૬૯૮૯ નંબરની બોલેરો પિકઅપ વેન ના ચાલકે ઠોકરે ચડાવતાં બન્નેને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી, અને તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જે પૈકી કમલેશ ને ફેફસા- કિડની મા પણ ઈજા થઈ હોવાથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત ના ભાઈ મયુરભાઈ કારાભાઈ રાઠોડે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં બોલેરો પીકઅપ વેન ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પંચકોષી બી. ડિવિઝન પોલીસે બોલેરો ના ચાલક વડોદરા ના અશ્વિન પટેલની અટકાયત કરી લીધી છે અને બોલેરો પીકપ વેન કબજે કરી લેવાયું છે.
સાગર સંઘાણી