સમગ્ર દેશમાં ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થા સૌથી ખરાબ: રેશનકાર્ડ ધારકોનાં હિસ્સાનો ૭૨% હિસ્સાનો કાળાબજાર
રાજયમાં ફોટા-ફિંગર પ્રિન્ટવાળા બારકોડેડ રેશનકાર્ડ અમલી બનાવી કાળાબજારી બંધ કર્યાના ગુજરાત સરકારનાં દાવાને કેન્દ્ર સરકારનાં રીપોર્ટ બોદો સાબિત કર્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ સમગ્ર દેશમાં ભ્રષ્ટમાં ભ્રષ્ટ જાહેર વિતરણ વ્યવસ્થા ગુજરાતમાં છે અને અહીં રેશનકાર્ડ ધારકોનાં હિસ્સાનો ૭૨% જથ્થો કાળાબજારમાં ધકેલાય છે અને છેલ્લા પાંચ વર્ષમાં ૧.૬ લાખથી વધુ બોગસ રેશનકાર્ડ સિસ્ટમમાંથી રદ કરાયા છે.
કેન્દ્ર સરકારનાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ફેબ્રુઆરી માસમાં લોકસભામાં રજુ કરેલા રીપોર્ટ મુજબ ગુજરાતમાં વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૭ સુધીમાં ૧.૬ લાખ બોગસ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યો છે. ખાસ કરીને રેશનકાર્ડ સાથે આધારકાર્ડમાં જોડાણ બાદ ભૂતિયા રેશનકાર્ડનો મોટો આંકડો બહાર આવ્યો છે. જોકે, આશ્ચર્યની વાત તો એ છેકે વર્ષોથી જાહેર વિતરણ વ્યવસ્થામાં ઘર કરી ગયેલા બોગસ રેશનકાર્ડ મામલે તંત્ર ગંભીરતાથી પગલા લઈ રહ્યું ન હોવાથી ૨૦૧૨ થી ૨૦૧૪ દરમિયાન માત્ર ૪૦૭ બોગસ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું રીપોર્ટમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે એક સર્વેક્ષણમાં એવું પણ બહાર આવ્યું છે કે સમગ્ર દેશમાં ગુજરાત રાજયમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં થતા કાળા કારોબારમાં ચોથા ક્રમે છે. ૨૦૧૨માં ૧૫.૭ લાખ મેટ્રીક ટન ચોખા અને ઘઉંનો જથ્થો જાહેર વિતરણ વ્યવસ્થામાં ફાળવવામાં આવ્યો હતો જે પૈકી ૧૧.૩ લાખ મેટ્રીક ટન જથ્થો ખુલ્લી બજારમાં વેંચી નાખી કૌભાંડીયા તત્વોએ કમાણી કરી અને અંદાજે ગુજરાતમાં ૭૨ ટકા ગરીબોનું અનાજ કાળા બજાર કરાતું હોવાનું જણાવાયું હતું.
દેશમાં સૌથી વધુ અનાજ-કેરોસીનનો જથ્થો કાળાબજાર થતો રાજયોમાં મણીપુર-નાગાલેન્ડ અને ઝારખંડ બાદ ગુજરાત ચોથા ક્રમે છે. જોકે આશ્ચર્ય તો એ વાતનું છેકે તેલંગાણા, છતીસગઢ જેવા રાજયોમાં કાળાબજારી થતી નથી પરંતુ વેસ્ટ બેંગોલ અને ગુજરાત જાહેર વિતરણ વ્યવસ્થામાં પછાત છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે બારકોડેડ રેશનકાર્ડ અમલી બનવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોમ્પ્યુટર ઓપરેટરોની મદદથી આધારકાર્ડ સીડીંગ થવા છતાં હજુ પણ ભુતિયા રેશનકાર્ડનાં ભુત ધુણી રહ્યા છે અને જેમાં તાજેતરમાં જ સુરતમાં સોફટવેર એન્જીનીયર અને પાંચ કૌભાંડીયા તત્વો દ્વારા બોગસ રેશનકાર્ડ બનાવવા મુદ્દે પોલીસે ધરપકડ કરી હતી.
આ સંજોગોમાં રાજય સરકાર આધારકાર્ડ આધારીત વિતરણ વ્યવસ્થા અમલીકરણ બાદ પરિસ્થિતિમાં સુધારો થવાનો આશાવાદ વ્યકત કરી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com