દરબારગઢમાં અંતિમ દર્શન માટે લોકો ઉમટયા: અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા
અબતક,જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ
ગોંડલ ના સ્વપ્ન દ્રષ્ટા મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર નેકનામદાર મહારાજા જ્યોતેન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલની સોમવાર ના સવારે 9 કલાકે હજુર પેલેસ ખાતે તબિયત નાદુરસ્ત થવા પામી હતી દરમ્યાન જ તેઓને હૃદય નો તીવ્ર હુમલો આવતા 84 વર્ષની વયે તેમનું નિધન થયું હતું આ વેળા એ મહારાણી સાહેબ કુમુદકુમારીજી તેમજ યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી પણ હાજર હતા મહારાજ સાહેબના નિધનથી રાજવી પરિવાર સાથોસાથ ગોંડલ રાજ્યમાં પણ ઘેરો શોક ફેલાઈ જવા પામ્યો હતો, મહારાજા સાહેબના નિધનને લઈ નગરપાલિકા કચેરી , કોલેજો સહિતની સંસ્થાઓ માં રજા જાહેર કરી દેવામાં આવી હતી. નાનીમોટી બજાર સહિતની બજારોના વેપારીઓએ સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખી મહારાજા ને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજવી પરિવાર દ્વારા દરવાર ગઢ મોટી બજાર ખાતે મહારાજા સાહેબ જ્યોતેન્દ્રસિંહજી ના પાર્થિવ દેહને અંતિમ દર્શન રાખવામાં આવ્યો હતો જ્યાં હવામહેલ રાજવી પરિવાર, રાજકોટ રાજવી માંધાતાસિંહજી, પીઠડીયા સ્ટેટ, વીરપુર સ્ટેટ સહિતના રાજવીઓ સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો દર્શને આવ્યા હતા. ભૂદેવો ના મંત્રોચ્ચાર અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાજવી પરંપરા મુજબ મહારાજા સાહેબને લાકડાની પાલખીમાં કેશરી સાફો પહેરાવી બિરાજમાન કરાયા હતા બાદમાં પુષ્પ વર્ષા વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી.
મહારાજા સર ભગવતસિંહજીની ત્રીજી પેઢી એ જ્યોતીન્દ્રસિંહજી પ્રપૌત્ર હતા, ભગવતસિંહજીના પુત્ર ભોજરાજસિંહજી તેમના પુત્ર વિક્રમસિંહજી અને તેમના પુત્ર જ્યોતેન્દ્રસિંહજી હતા.
ગોંડલ રાજવી પરિવારનું વિન્ટેજ કાર કલેક્શન વિશ્વ વિખ્યાત છે અને ગુજરાતનું પ્રથમ કક્ષાનું ગણાય છે મહારાજા જ્યોતીન્દ્રસિંહકારના શોખીન હતા દેશ વિદેશમાં યોજાતી કાર રેસમાં ભાગ લઈ અનેક ટ્રોફીઓ મેળવી હતી.
જયોતિન્દ્રસિંહજી સાહેબે પોતે જે કાર ઉપયોગમાં લેતા હતા , તેને જ એમ્બ્યુલન્સ બનાવી ડેપ્યુટી કલેકટરને અર્પણ કરી હતી
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાજવી પરિવારે પોતાની કારને , કોરોનામાં એમ્બ્યુલન્સ તરીકે આરોગ્ય વિભાગને ભેટ અર્પણ કરી હતી. કારણકે કોરોના પ્રથમ લહેર દરમ્યાન ગોંડલમાં નગરપાલિકાની એક એમ્બ્યુલન્સ કેટલીક વાર હાજર ન મળતી હોય તેથી ગોંડલ રાજવી પરિવારે પોતાની કારને તેને જ એમ્બ્યુલન્સ બનાવી ડેપ્યુટી કલેકટરને અર્પણ કરી હતી. ગોંડલ પંથકમાં કોરોનાના કેસ ખુબજ વધી રહ્યાં હતો, તેવા સંજોગોમાં પોઝીટીવ દર્દીઓને ક્યારેક રાજકોટ લઈ જવા માટે , એમ્બ્યુલન્સ પણ ન મળતી હોય તે વાત , ગોંડલ મહારાજા જ્યોતેન્દ્રસિંહજી સાહેબ , તથા યુવરાજ હીમાંશુસિંહજી સાહેબને ધ્યાને આવતા , તેમણે ઉમદા હેતુથી નવી એમ્બ્યુલન્સ ગોંડલને ભેટ આપવાનું નક્કી કર્યું હતુ. પરંતુ એમ્બ્યુલન્સમાં દરેક કંપનીમાં વેઇટિંગ ચાલતું હોવાથી , જયોતેન્દ્રસિંહજી સાહેબે પોતે જે કાર ઉપયોગમાં લેતા હતા તેને જ એમ્બ્યુલન્સ બનાવી ડેપ્યુટી કલેકટરને અર્પણ કરી હતી.
રાજવી પરિવારમાં વર્ષો જૂની પરંપરા પહેલા રાજતિલક પછી અંતિમવિધિ:યુવરાજ હિમાંશુસિંહજીનું રાજતિલક કરાયું
રજવાડાના સમયની એક અનોખી પરંપરા આજે પણ ચાલી રહી છે.રજવાડાના સમયમાં રાજા મહારાજાનું અવસાન થતાં પહેલા જ સ્મશાન યાત્રાને બદલે રાજય ના યુવરાજનું પ્રથમ રાજતિલક કરવામાં આવતું હતું.અને સ્વર્ગસ્થ રાજવીની અંતિમ યાત્રા કાઢીને રાજવી પરંપરા મુજબ શાસ્ત્રોકત વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતાં.જેમની પાછળ નો ઉદેશ દુશ્મન રાજાઓ રાજગાદી ઉપર કબ્જો ન કરી બેસે એ હતો.
આજે ભલે રાજાશાહીયુગનો અસ્ત થયો હોય અને લોકશાહીમાં આજે પણ ગોંડલના મહારાજા સાહેબ જ્યોતિન્દ્રસિંહજીના અવસાન બાદ રાજવીકાળની પરંપરા જોવા મળી હતી જેમાં ગોંડલના મહારાજા જયોતિન્દ્રસિંહ સાહેબના અવસાન બાદ તેમની અંતિમયાત્રા ગોંડલના નવલખા પેલેસ ખાતેથી નિકળી હતી.મહારાજા સાહેબની અંતિમ યાત્રા નીકળે અને તેમની અગ્નિસંસ્કાર વિધિ કરવામાં આવે તે પહેલા જ ગોંડલના મહારાજા તરીકે યુવરાજ સાહેબ શ્રી હિમાંશુસિંહજીની રાજતિલક વિધિ કરવામાં આવી હતી.રજવાડાની પરંપરા મુજબ ગોંડલ મહારાજા હિમાંશુસિંહજી પોતાના પિતાની સ્મશાન યાત્રા અને અગ્નિસંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા ન હતા.પરંતું ગોંડલના મહારાજા સાહેબના અગ્નિસંસ્કાર કુમારશ્રી અશોકસિંહજી નાના દરબાર ગઢે કર્યા હતા.આ સાથે જ રાજવી કાળની પરંપરા જાળવી રાખી હતી..