દસેક દિવસ પહેલાં ફોન કરીને નામચીન શખ્સે બોલાવેલી ત્યકતાનો કંટોલીયા રોડ પર સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો: એકની ધરપકડ, ત્રણની શોધખોળ
ગોંડલના સરકારી હોસ્પિટલ પાસે રહેતી વિવાદાસ્પદ મહિલા દસેક દિવસ પહેલાં ભેદી રીતે લાપતા બન્યાની અને તેની હત્યા થયાની છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલી ચર્ચા અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ તપાસ કરાવતા ગતરાતે કંટોલીયા રોડ પર બાવળની ઝાળીમાંથી લાશ મળી આવતા પોલીસે મોબાઇલ લોકેશનના આધારે ભગવતપરાના શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા તેણી સાથે આડો સંબંધ હોવાની અને ગોળી મારી હત્યા કર્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ સરકારી હોસ્પિટલ પાસે ખાડામાં રહેતા પરેશ ઉર્ફે પરીયો રાજુ ગૌસ્વામીએ પોતાની બહેન આરતી ગત તા.૧૨મીએ ગુમ થયાની અને તેણીનો મોબાઇલ નદીના પુલ નીચેથી મળી આવ્યાની ગુમ નોંધ પોલીસમાં કરાવ્યા બાદ પોતાની બહેન પર ભગવતપરાના ઇમરાન ઉર્ફે ઇમલા સહિતના શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજારી હત્યા કર્યાની ચોકાવનારી શંકા વ્યક્ત કરી હતી.
જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને અજાણી મહિલાએ ટેલિફોની કરેલી જાણ અને પરેશ ઉર્ફે પરીયાએ પોલીસ સમક્ષ કરેલી ચોકાવનારી રજૂઆત અંગે એલ.સી.બી. અને એસ.ઓ.જી. સ્ટાફને તપાસ સોપતા પી.આઇ. એમ.એન.રાણા સહિતના સ્ટાફે આરતીના મળી આવેલા મોબાઇલના આધારે તપાસ કરતા તેણીને ભગવતપરામાં રહેતા ઇમરાન ઉર્ફે ઇમલા સાથે છેલ્લે વાત થયાનું બહાર આવ્યું હતું. પોલીસે ઇમરાન ઉર્ફે ઇમલાને ઝડપી કરેલી પૂછપરછ દરમિયાન તેને આરતી સાથે ચારેક માસથી આડો સંબંધ હોવાનું અને ગત તા.૭ ફેબ્રુઆરીએ અજમેર આવી હતી અને તા.૧૧મીએ પરત ગોંડલ આવ્યા બાદ તા.૧૨મીએ ફરી જુણેજ મેમણ, નુરમામદ અને સવુ બાપુ સૈયદ આરતીને ભગવતપરામાં તેડી આવ્યા હતા ત્યારે ઘરમાં બેસવા બાબતે ઝઘડો થતા તેણી પર ફાયરિંગ કરી હત્યા કર્યા બાદ લાશને કંટોલીયા રોડ પર લઇ જઇ સળગાવી દીધી હોવાની કબુલાત આપી છે.
આરતીના પ્રથમ લગ્ન દસેક વર્ષ પહેલાં જુનાગઢના ભુરા બારોટ સાથે થયા હતા તેનું એઇડઝના કારણે મોત થયું હતું. તેથી આરતીને એક સાતેક વર્ષનો પુત્ર છે. ભુરા બારોટના મોત બાદ જૂનાગઢના જ કાના ભરવાડ સાથે પુન: લગ્ન કર્યા હતા. આરતીને ગોંડલના ઇમરાન ઉર્ફે ઇમલા સાથે આડો સંબંધ હોવાની જાણ થતા તેને મુકી દેવાનું કહી ચારેક માસ પહેલાં ગોંડલ રહેતા આરતીના ભાઇ પરેશ ઉર્ફે પરીયાને ત્યાં મુકી ગયો હતો. દરરોજ જુગાર રમવાની ટેવ ધરાવતી આરતી ગૌસ્વામીને ઇમરાન ઉર્ફે ઇમલા સાથેના સંબંધ પરેશ ઉર્ફે પરીયાને પણ પસંદ ન હોવાથી સંબંધ તોડી નાખવાનું કહેતો હોવાનું પરેશ ઉર્ફે પરીયાએ જણાવ્યું હતું.
ચોરી સહિતના અનેક ગુનામાં સંડોવાયેપલા પરેશ ઉર્ફે પરીયાએ પોતાની બહેન આરતીની હત્યા ઇમરાન ઉર્ફે ઇમલા અને તેના સાગરીતોએ કરી લાશને સળગાવી નાખ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇમરાનની ધરપકડ કરી તેના સાગરીતોની શોધખોળ હાથધરી છે.