રાજકોટના રેલવે સ્ટેશનના ગ્રાઉન્ડમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. ઝાડ પરથી બોર્ડ પર ચડી ત્યાં ગળાફાંસો ખાઈ આપઘાત કરતા યુવાનના મૃતદેહને ઉતારવા માટે ફાયર બ્રિગેડના સ્ટાફે નીચે ઉતારી યુપી રહેતા તેના ભાઈને જાણ કરી વધુ તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજે સવારના સમયે રેલવે સાઇન બોર્ડ પર વૃક્ષ અને બોર્ડ વચ્ચે લટકતી યુવકની લાશ જોવા મળતા સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતાની સાથે જી.આર.પી. સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને યુવકની લાશને નીચે ઉતારવા રાજકોટ મનપાના ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. બાદમાં યુવકના ખિસ્સામાંથી તેનું આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમાં તે ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાનું અને તેનું નામ ભાગી રામશરણ પાસવાલ હોવાનું અને તેની ઉમર અંદાજિત 20 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.
હાલ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી તરફ રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં ભાગી પાસવાલ નામના યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પરંતુ તેની સાથે અન્ય કોઇ વ્યક્તિ હતા કે તે એકલો હતો. તેમજ ક્યાં સમયે આત્મહત્યા કરી છે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસ દ્વારા રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસવા સહિત કામગીરી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભાગી પાસવાલ નામનો યુવાન રેલવે સ્ટેશનમાં આવી પોતાની સાથે પોતાનો થેલો રાખી ઝાડ પરથી સ્ટેશન પ્રાગણમાં આવેલા “ધન્યવાદ” લખેલા બોર્ડ પર ચડી ગયો હતો. ત્યાંથી પોતાની પાસે રહેલી ચાદર વડે જ બોર્ડ પર લટકાઈ જઈ આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતકના ખિસ્સામાંથી આધાર કાર્ડ, બેંકની પાસબુક અને તેના ભાઈના કોન્ટેકટ નંબર મેળવી ઉત્તરપ્રદેશમાં રહેતા તેના ભાઈને પણ જાણ કરવામાં આવી હતી.