- 12 ખૂન કરનાર ભુવા નવલસિંગે વઢવાણમાં નગ્મા નામની મહિલાને તાંત્રિક વિધિના નામે મોતને ઘાટ ઉતારી’તી
અમદાવાદની સરખેજ પોલીસે અનેક લોકોની હત્યાના ગુનામાં ગત તા. 03 ડિસેમ્બર રાત્રીના રોજ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના રહેવાસી નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી. પોલીસે વઢવાણ લઈ જઈ પૈસા ડબલ કરવાની લાલચ આપનાર ભુવાને કારખાનેદારની હત્યાના કેસ મામલે રિક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. આ બાદ તેને ફરીથી અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. જોકે, અમદાવાદમાં ભુવા નવલસિંહની પૂછપરછમાં ધડાકો થયો હતો, જેમાં ભુવા નવલસિંહ ચાવડાએ અત્યાર સુધીમાં આવી રીતે 12 લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, જે પૈકી એક યુવતી નગમાને વઢવાણ તેના ઘરે બોલાવી ત્યાં તેની હત્યા કરી હતી અને લાશના ટુકડા કરી વાંકાનેરનજીક તેના સબંધી શકિતસિહની મદદથી ફેકી દીધા હોવાનું જણાવ્યું હતું. જે બાદ આજે સરખેજ પોલીસની ટીમ વાંકાનેર પહોચી હતી અને વાંકાનેર સીટી પોલીસની મદદથી લાશની શોધખોળ કરી હતી. નવલસિહના સબંધી કે જે લાશ સગેવગે કરવામાં સાથે હતો તેવા શક્તિસિંહને સાથે રાખી ધમણકા ગામ પાસેથી રોડની સાઈડમાં 5 થી 7 ફૂટ જેટલા પણ ઊંડા ખાડામાંથી કાઢી હતી અને પીએમ માટે ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવી હતી
અમદાવાદના સરખેજ પોલીસ મથકે તાંત્રિક વિધિ કરી પૈસા પડાવતા 42 વર્ષીય તાંત્રિક ભુવા નવલસિંહ ચાવડાને પાંચ દિવસ પહેલાં પકડી લેવાયા બાદ પોલીસ સમક્ષ કબૂલાત દરમિયાન ભુવા નવલસિંહની તબિયત લથડી હતી. લોક-અપમાં તેને ઉલટી થયા બાદ તે ઢળી પડ્યો હતો, અને તેનું મોત થયું હતું. પોલીસે દાવો કરતા જણાવ્યું હતું કે આરોપી નવલસિંહ ભુવાએ પૂછપરછ દરમિયાન અત્યાર સુધીમાં 1 મર્ડર અસલાલીમાં, 3 સુરેન્દ્રનગરમાં, 3 રાજકોટના પડધરીમાં, 3 પોતાના પરિવારમાંથી, 1 વાંકાનેરમાં અને અંજારના એક પૂજારી સહિત 12 લોકોની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
પોલીસ દ્વારા અલગ અલગ જિલ્લામાં હત્યાને લઇ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે 12 લોકોની હત્યાના બનાવમાં ઝડપાયેલ સિરિયલ કિલર દ્વારા કરાયેલ એક હત્યાના બનાવના તાર વાંકાનેર સાથે જોડાયા છે, જેમાં આરોપીએ આવી જ રીતે એક મહિલાની હત્યા કરી તેની લાશના ટુકડા કરી વાંકાનેર નજીક દાટી દીધી હોવાની આરોપીની કેફિયતના આધારે અમદાવાદની સરખેજ પોલીસે વાંકાનેરમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં હાલ પોલીસ દ્વારા બનાવ સાથે જોડાયેલ એક મહિલા અને યુવાન સાથે રાખી તપાસ શરૂ કરી હોય, જેમાં પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર બનાવની વિગતો પ્રકાશમાં આવી શકે છે.
બનાવ અંગે ડી વાય એસપી સમીર સારડા એ જણાવ્યું હતું કે , અમદાવાદ જિલ્લા પોલીસ મથકમાં નોધાયેલા 12 જેટલી હત્યા પ્રકારણ ના આરોપી દ્વારા વઢવાણમાં હત્યા કરી લાશના ટુકડા કરી લાશ વાંકાનેરમાં ફેકી દીધી હતી જે બાદ આજે સરખેજ પોલીસની ટીમ તપાસ માટે આવતા વાંકાનેર પ્રાંત અધીકારીની હાજરીમાં આરોપી નવલસિંહના સગા શક્તિસિંહની કબુલાત આધારે બતાવેલ સ્થળ પર ખોદકામ કરતા માનવ અંગ હાથ પગ અને માથું મળી આવ્યું છે જેથી તેને વધુ તપાસ માટે ફોરેન્સિક મોકલવા તજવીજ હાથ ધરી છે.