રાફુદળથી પરત આવતી વેળાએ સરપદડ પાસે કોઝવેમાં ત્રણ મિત્રો સાથે કાર પાણીમાં ગરક થઇ’તી
પડધરી તાલુકાના સરપદડ ગામ નજીક એક સપ્તાહ પૂર્વે કોઝ-વે પર ધસમસતા પુરમાં કાર સાથે તણાયેલા રાજકોટના ત્રણ મિત્રો પૈકી બાકી રહેલા ગરાસીયા યુવાનનો મૃતદેહ મળી આવતા ક્ષત્રિય પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા, બળવંતસિંહ ઉર્ફે બબુભા દિલુભા જાડેજા અને સંજયભાઇ ટાંક સહિત ત્રણેય મિત્રો એક સપ્તાહ પૂર્વે શદળ ગામે રાજેન્દ્રસિંહ ઝાલાના ફાર્મ હાઉસથી રાત્રે રાજકોટ પરત ફરી રહ્યા હતા. ત્યારે સરપદડ નજીક કોઝ-વે પર ધસમસતા પુરમાં ત્રણેય મિત્રો સહિત કાર તણાય હતી.
આ બનાવની જાણ પડધરી મામલતદાર ભાવનાબેન, પી.એસ.આઇ. કિરણબા જાડેજા, એન.ડી. આર. એફ. અને ફાયર બ્રિગેડના તરવૈયાની મદદથી પ્રથમ સંજયભાઇની અને બે દિવસ બાદ રાજભા ઝાલાનો મૃતદેહ મળ્યો હતો.બબુભાનો એક સપ્તાહ સુધી શોધખોળ બાદ મૃતદેહ મળ્યો ન હતો આજે આજી-૩ ડેમ નજીક અજાણ્યો યુવાનનો મૃતદેહ પડયો હોવાની પોલીસ અને પડધરી મામલતદાર ભાવનાબેન સહિતનો સ્ટાફ દોડી જઇ ફાયર બ્રિગેડના તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢી મૃતક બળવંતસિંહ જાડેજાનું હોવાનું પરિવાર જનોએ ઓળખી બતાવ્યા હતા. પોલીસે પી.એમ. કરાવી મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો. આ બનાવથી પરિવારમાં શોકનુ મોજુ ફેલાયું છે.