કિશોર ગુપ્તા
કડી તાલુકાના ઝાલોરા ગામની મહિલા સહિત બે નાની બાળકીઓની રંગપુરડા મુખ્ય નર્મદા કેનાલમાંથી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્રણેયના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ કડી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મહેસાણા જીલ્લાના કડી તાલુકાની છે જ્યાં ઝાલોરા ગામે રહેતા શંભુજી ઠાકોર ધંધો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે શંભુજી ઠાકોરના લગ્ન શારદા ઠાકોર સાથે આજથી દસ વર્ષ પૂર્વે થયા હતા. દરમિયાન શંભુજી ઠાકોર ની પત્ની મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવા બાબતે ઠપકો આપતા પત્નીને માઠું લગતા આ આત્મઘાતી પગલું ભર્યાનું અનુમાન હાલ લગાડવામાં આવી રહ્યું છે. શંભુએ તેમની પત્નીને ઠપકો આપતા કહ્યું કે “રસોઈ કામમાં કે ઘરકામમાં કોઈ જ ધ્યાન નથી. મોબાઈલનો ઓછો ઉપયોગ કરવાનું મેં તને કીધું છે તો કેમ તું મોબાઈલ નો ઉપયોગ ઓછો કરતી નથી જો આવું જ કરવું હોય તો હું તારા પિતાને ફોન કરીને બધી જ વાત કહું છું અને આપણા ઘરે બોલાવું છું “
પતિ ધંધા અર્થે ગયા અને પત્ની દીકરીઓ સાથે ગાયબ
શંભુ ઠાકોર ધંધા અર્થે તેઓ ખાત્રજ મુકામે ગયા હતા અને ધંધાનું કામ પતાવીને તેઓ પાછા ઘરે આવ્યા હતા. જે દરમિયાન તેમના માતા પિતાએ તેઓને કહ્યું કે તારા સસરા આપણા ઘરે ચા પાણી કરીને ગયા. શંભુએ પત્ની અને બંને દીકરીઓની બાબતે તેમના માતા પિતાને પૂછ્યું ત્યારે માતા પિતાએ કહ્યું હતું કે, “ખબર નહીં ક્યાંક વાસમાં ઘરે બેસવા ગઈ હશે જ્યાં થોડો ટાઈમ થતા ત્રણેય જણા ઘરે ન આવતા શંભુએ આજુબાજુ તેમજ ગામની અંદર તપાસ શરૂ કરી હતી
સબંધીએ શંભુને ફોન કરીને જાણ કરેલી કે તેની પત્ની અને બંને પુત્રીઓની લાશ રંગપુરડા નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે. ત્યારે આ ઘટનાની જાણ થતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. જ્યાં ઘટનાની જાણ કડી પોલીસને કરાતા કડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી.