રાજ્યના 125 સેન્ટર પર 10 હજાર શિક્ષકો દ્વારા 5.52 લાખ વિદ્યાર્થીઓની ઉતરવહી મુલ્યાંકનનું કામ હાથ ધર્યુ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની ઉત્તરવહીની મુલ્યાંકનની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. સમગ્ર રાજ્યમાં 125 જેટલા કેન્દ્રો પરથી 10 હજાર જેટલા શિક્ષકો દ્વારા ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. 5.52 લાખ જેટલા વિદ્યાર્થીઓની ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી ઝડપથી પુર્ણ કરી પરિણામ તૈયાર કરવાની કામગીરી ઝડપથી હાથ ધરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા 15 જુલાઈથી લેવામાં આવી હતી. જેમાં ધોરણ-10ના 3.78 લાખ રિપીટર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 1.41 લાખ અને ધોરણ-12 સાયન્સમાં 32 હજાર જેટલા રિપીટર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 15 જુલાઈથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષા 28 જુલાઈના રોજ પુર્ણ થઈ છે.
બોર્ડ દ્વારા પરીક્ષામાં શરૂઆતમાં અમુક પેપરો પુર્ણ થયા બાદ તરત જ ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મુલ્યાંકનની કામગીરી ઝડપથી પુર્ણ થયા તે માટે પરીક્ષા પુર્ણ થાય તે પહેલાથી જ ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં હાલમાં સમગ્ર રાજ્યમાં 10 હજાર જેટલા શિક્ષકો જોડાયા છે અને મુલ્યાંકનની કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
ધોરણ-12 સાયન્સની પરીક્ષા પુર્ણ થાય તે પહેલા તેની પણ ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ધોરણ-12 સાયન્સની ઉત્તરવહી ચકાસણી માટે સમગ્ર રાજ્યમાં 15 જેટલા સેન્ટરો બનાવવામાં આવ્યા છે અને એક સેન્ટર પર સરેરાશ 150 જેટલા શિક્ષકોને મુલ્યાંકનની કામગીરીમાં જોડવામાં આવ્યા છે. આમ, ધોરણ-12 સાયન્સની ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરીમાં 2200 જેટલા શિક્ષકો જોડાયા હોવાનું જાણવા મળે છે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ સમગ્ર રાજ્યમાં 25 જેટલા સેન્ટરો બનાવી ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોરોનાના પગલે શિક્ષકોની બહુ ભીડ ન થાય તે માટે સામાન્ય પ્રવાહમાં એક સેન્ટર પર સરેરાશ 100 કરતા પણ ઓછા શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. આમ, 2 હજાર જેટલા શિક્ષકો દ્વારા સામાન્ય પ્રવાહની ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
આ જ રીતે ધોરણ-10માં પણ મુલ્યાંકનની કામગીરી પુરજોશમાં ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ધોરણ-10માં સમગ્ર રાજ્યમાં 85 સેન્ટરો પરથી મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આમ, એક સેન્ટર પર સરેરાશ 70 જેટલા શિક્ષકોને મુલ્યાંકનની કામગીરીમાં લગાવવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ધોરણ-10ની ઉત્તરવહી મુલ્યાંકન માટે 6150 જેટલા શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. આમ, ધોરણ-10થી 12ના 125 જેટલા સેન્ટરો પર 10 હજાર કરતા વધુ શિક્ષકો મુલ્યાંકન કામગીરી કરી રહ્યા છે.