ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે. ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવી હતી કે, 2024 માં લેવાનારી બોર્ડની પરીક્ષાની ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ધોરણ 10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ફીમાં 10 ટકા સુધીનો વધારો કરાયો છે
ધોરણ 10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ફીમાં 10 ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તો સાથે જ પ્રેક્ટિકલ ફીમાં પણ વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા ફીમાં કરાયેલો 10 ટકાનો વધારો વાલીઓના ખિસ્સા માટે ભારે પડશે. પરંતું શિક્ષણ બોર્ડ માટે તો દિવાળી બોનસ બની રહેશે. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 35 રૂપિયાનો વધારો થતા હવે બોર્ડને 1,40,93,205 ની આવક થશે. આ જ રીતે રિપીટર અને ખાનગીમાં 20 રૂપિયાનો ફી વધારો ઝીંકાયો છે. જેની આવક 24,17,800 રૂપિયા રહેશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો, તેમાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેની આવક 1,27,62,350 રહેશે. આ સિવાય ખાનગી નિયમિત, ખાનગી પુનરાવર્તીત અને પૃથકમાં 30 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેમાં બોર્ડને રૂપિયા 15,94,320 રૂપિયા પ્રાપ્ત થશે. આમ, કુલ મળીને આંકડો ગણીએ આ ફી વધારાથી શિક્ષણ બોર્ડને સીધી રૂપિયા 3,45,43,815 રૂપિયાની આવક થવાની છે.