મહત્વાકાંક્ષી લોકોએ પોતાનું હિત સાધવા સંસ્થાના ખંભે બંદૂક મૂકવાના હીન પ્રયાસને વખોડતું ટ્રસ્ટી મંડળ: રોયલ લોકોને આવા વિવાદો છાજતા નથી તેવો ટ્રસ્ટી મંડળનો સૂર
અંગ્રેજોના સત્તાકાળ દરમ્યાન કાઠિયાવાડના દેશી રાજવી પુત્રોને અંગ્રેજી પ્રથાનું શિક્ષણ પીરસવા વર્ષ ૧૮૭૦માં રાજકોટ ખાતે રાજકુમાર કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. ૩૨ રજવાડાઓના સંયુકત ફંડથી બનેલી રાજકુમાર કોલેજ ઐતિહાસિક વારસો સાથે ભવ્ય વર્તમાન પણ ધરાવે છે ત્યારે ગૌરવશાળી રાજકુમાર કોલેજ તાજેતરનાં લોકડાઉન દરમ્યાન સરકારનાં પ્રતિબંધ છતાં વિદ્યાર્થીઓ પાસે ફી મંગાવવા ઉપરાંત ટ્રસ્ટી મંડળની ચુંટણી ન થતી હોવા સહિતના મુદ્દે વિવાદમાં આવી હતી જેથી આ વિવાદ અંગે ખુલાસા કરવા રાજકુમાર કોલેજના ટ્રસ્ટ પ્રમુખ મહિપાલ વાળા સહિતનાં ટ્રસ્ટીઓએ પત્રકાર પરીષદ સંબોધી હતી અને આ પત્રકાર પરીષદમાં રાજકુમાર કોલેજની પ્રતિષ્ઠાને અમુક રાજવી પરીવાર દ્વારા નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યાનું જણાવીને પોતાની મહત્વકાંક્ષા સંતોષવા માટે થતા આવા પ્રયાસોને દુ:ખદ ગણાવ્યા હતા અને રોયલ લોકોની રાજકુમાર કોલેજની ગરીમા જળવાય રહે તેવા તમામ પ્રયાસોનું ટ્રસ્ટી મંડળ દ્વારા વચન આપવામાં આવ્યું હતું.
આ મુદ્દે સ્કુલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જસદણ દરબાર સત્યજીતકુમાર ખાચરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક સંસ્થા છે. આ વર્ષે આપણે ૧૫૦ વર્ષ પૂર્ણ કરવાનું સેલીબ્રેરેશન કરવાના હતા ત્યારે કોઈ વાદ-વિવાદ કોઈના અંગત સ્વાર્થ માટે કરવા એ યોગ્ય નથી લાગતું. સૌના જુદા એજન્ડા હશે. ટ્રસ્ટના બધા ભાઈઓ જ છે. આગળ આવીને પેટ છુટી જો વાત કરે તો આપણે તેમની સાથે બેસી કોઈ નિર્ણય પર આવી શકીએ. સંસ્થા અને સંસ્થાના કર્મચારીઓને બદનામ કરવા તે રોયલ પરિવાર માટે સારું ન કહી શકાય. હું હંમેશા ગ્રુપવાદથી બહાર રહ્યો છું. મારા માટે રાજકુમાર કોલેજ અગ્રેસર રહી છે. હું અહીં ૮ વર્ષથી ટ્રસ્ટી રહ્યો છું. ટ્રસ્ટમાંથી છુટો થયો ત્યારે હું સમય નથી આપી શકતો એવું મને લાગે છે. અમારી છ પેઢીઓએ આરકેસીમાં જ અભ્યાસ કર્યો છે જે ગૌરવની વાત છે. માટે જ અમારી લાગણી દુભાય છે કે જે થાય છે તે યોગ્ય નથી. આજની પત્રકાર પરિષદમાં અમારા પ્રમુખે વાત કરી કે આ ૧૫૦ વર્ષની ઉજવણીની રાહ જોતા હતા પરંતુ કોરોનાની મહામારીને કારણે એ થઈ શકે તેમ નથી તો અમે રજુઆત કરીએ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ચુંટણી યોજવાથી કોઈ વાંધો નથી. કોઈ વાલીઓ પાસેથી બળજબરીથી કોઈપણ પ્રકારની ફી વસુલવામાં આવી નથી. આ પ્રકારનાં વાદવિવાદથી સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન થશે. અત્યારનો સમય પ્રતિયોગીતાનો છે. પહેલા આર.કે.સી.એ ગુજરાતમાં એકમાત્ર સંસ્થા હતી કે જયાં સારું ઈન્ફ્રાસ્ટ્રકચર અભ્યાસ હોય. અત્યારે આવી સંસ્થાઓ ઘણી થઈ ગઈ છે ત્યારે ટકી રહેવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરીશું તો જ ટકી શકીશું. હું નથી માનતો કે બદનામ કરવા માટે હોય મારું માનવું છે કે કદાચ સતા પર ઝડપથી બેસવા માટે આવું થતું હોય તેવું લાગે છે.
રાજકુમાર કોલેજ પોતાના પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપશે
રાજકુમાર કોલેજની સ્કુલ મેનેજમેન્ટ સમીતીના ચેરમેન સત્યજીતકુમાર ખાચરે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં પણ અમે માર્ચ મહીનાથી જ ઓનલાઈન અભ્યાસ પહોંચાડ્યો હતો. અત્યાર સુધી યાક અને ઝુમના માધ્યમથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાતું હતું જો કે હાલની સ્થિતિને જોતા આગામી વધુ માસ ઓનલાઈન અભ્યાસથી જ ગાડુ ચલાવવું પડશે. જેથી હવે રાજકુમાર કોલેજે પોતાનું ઓનલાઈન પોર્ટલ જ તૈયાર કરી દીધું છે જેના માધ્યમથી અમો વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવશું અને જયા સુધી રેગ્યુલર બેઈઝ સ્કૂલ ચાલું નહીં થાય ત્યાં સુધીની ફી પણ અમે માફ કરી દઈશું.