અબતક, જામનગર
જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલ સામેની દુકાનોની લીઝ મામલે તેમજ અન્ય એક બાંધકામ પ્રકરણમાં જામ્યુકોના સત્તાપક્ષે લાખોનો વહીવટ કર્યો હોવાના વિપક્ષી સભ્યોના આક્ષેપથી જામ્યુકોની સામાન્ય સભામાં ભારે હોબાળો મચી ગયો હતો.
સામસામે થયેલી ઉગ્ર દલીલ અને આક્ષેપબાજી બાદ મેયરે આખરે બોર્ડની કાર્યવાહી આટોપી લીધી હતી. જો કે, આ દરમિયાન જામનગર શહેરની પાર્કિંગ પોલીસીને બહુમતિથી મંજૂરી આપી દેવામાં આવી હતી. જ્યારે વિપક્ષોએ પાર્કિંગ પોલીસી અંગે વિરોધ દર્શાવ્યો હતો.
જીજી હોસ્પિટલ સામેની દુકાનોની લીઝમાં સત્તાપક્ષે લાખોનો ’વહીવટ’ કર્યાનો આક્ષેપ કર્યો, હોબાળો થતા મેયરે બોર્ડની કાર્યવાહી આટોપી લીધી
મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને આજે સવારે ટાઉનહોલમાં જામ્યુકોની સામાન્સ સભા યોજાઇ હતી. આ બેઠકમાં એજન્ડા અનુસાર જામનગર શહેરની પાર્કિંગ પોલિસી મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. જે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષ કટારીયાએ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, હાલ કોઇપણ પ્રકારના પાર્કિંગ ચાર્જનું ભારણ પ્રજા ઉપર આવશે નહીં. જો કે, વિપક્ષી સભ્યોએ ચાર્જેબલ પાર્કિંગનો વિરોધ યથાવત્ રાખ્યો હતો. આખરે પાર્કિંગ પોલીસીને વિરોધપક્ષના વિરોધ વચ્ચે બહુમતિથી મંજૂર કરી દેવામાં આવી હતી. પોલીસીને આખરી મંજૂરી માટે હવે રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
સત્તાપક્ષ સાથે વિપક્ષના સભ્યએ મળી ’વહીવટ’ કર્યાનો આક્ષેપએજન્ડાની કાર્યવાહી બાદ શરુ થયેલી પ્રશ્નોતરીમાં વિપક્ષી નેતા અલ્તાફ ખફી સહિત ના કોર્પોરેટરોએ જી.જી. હોસ્પિટલ સામે આવેલી દુકાનોની લીઝ મામલે ભાજપના કેટલાંક નેતાઓએ 70 લાખ જેવી માત્તબર રકમનો વહીવટ કર્યાનો આક્ષેપ કર્યો હતો. તો બીજીતરફ વિપક્ષી કોર્પોરેટર આનંદ રાઠોડે પણ શહેરના અન્ય એક બાંધકામના પ્રકરણમાં રૂા. 50 લાખનો જંગી વહીવટ થયાનો આક્ષેપ કર્યો હતો. જેમાં રૂા. 40 લાખ સત્તાપક્ષ અને 10 લાખ વિપક્ષના એક સભ્યને મળ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
વહીવટ અને ભ્રષ્ટાચારના આ બંને આક્ષેપોને મેયર સહિતના સત્તાધિશો તેમજ ભાજપના કોર્પોરેટરોએ બંને સામે આક્ષેપો સાબિત કરી આપવાની ચેલેન્જ કરી ઉગ્ર દલીલબાજી કરી હતી. આ મુદ્દે સામાન્ય સભામાં મામલો બિચકતો જોઇને મેયરે સામાન્ય સભા તત્કાળ આટોપી લીધી હતી. જે સામે વિપક્ષી સભ્યો ભારે નારાજ થયા હતાં. ચર્ચા વગર જ સામાન્ય સભા આટોપી લેવાના નિર્ણય સામે વિપક્ષી સભ્યોએ સભાગૃહમાં જ મેયર ભાગેડુ હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતાં.
તો વિપક્ષી કોર્પોરેટર જેનબ ખફીએ જ્યાં સુધી આ મુદ્દે ચર્ચા ન થાય ત્યાં સુધી ટાઉનહોલમાં જ ધરણા પર બેસી રહેવાની ઘોષણા કરી હતી.
વિપક્ષના નેતા અલ્તાફ ખફીએ કહ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની પોલીસીમાંથી કોપી કરી પાર્કિંગ પોલીસી બનાવામાં આવી છે. શહેરમાં સ્ટેડીયમ, સાયકલ ટ્રેક, બીઆરટીએસ નથી છતાં તેનો ઉલ્લેખ કરાયો છે. કોઇ રિસર્ચ કરાયું નથી.કોંગી નગરસેવક અસલમ ખીલજીએ કહ્યું હતું કે, રાજય સરકારમાંથી મંજૂરી બાદ શહેરીજનો પર પાર્કિંગના ચાર્જ ઠોકી બેસાડવામાં નહીં આવે તેનો ઠરાવ કરો તેમ જણાવી સતાપક્ષની નિયતમાં ખોટ હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
કોંગી નગરસેવિકા જેનબબેન ખફીએ કહ્યું હતું કે પોલીસી સામે આવેલા 38 વાંધા સૂચનો ધ્યાને લઇ પોલીસીમાં સુધારા કરાયા છે કે નહીં. રાજય સરકારમાં મંજૂરી માટે જાય ત્યારે નકકી કરેલા મુખ્ય 14 રોડ પર પાર્કિંગમાં થયેલા બાંધકામનો ઉલ્લેખ પણ કરવા જણાવ્યું હતું.
મેયર બીનાબેન કોઠારીએ શહેરીન ભૌગોલિક સ્થિતિને ધ્યાને લઇ પાર્કિંગ પોલીસી બનાવામાં આવી હોવાનું જણાવી હાલ વાહન પાર્કિંગના કોઇ ચાર્જ રાખવામાં ન આવ્યાનું જણાવ્યું હતું. મનપાના ટાઉન પ્લાનીંગ ઓફીસર ઉર્મિલ દેસાઇએ 14 મુખ્ય રોડ પર કોઇ ચાર્જ નથી. મનપાની જગ્યામાં ફકત ચાર્જ રહેશે. સૂચનો ધ્યાને લેવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું.
મહાપાલિકાની સામાન્ય સભામાં આક્ષેપો બાદ મેયરે ચાલતી
પકડતા વિપક્ષે ભાજપ હાય હાય, ભાગેડુ મેયરના સૂત્રોચ્ચાર કર્યા
જામ્યુકોની સામાન્ય સભામાં વિપક્ષે ભાજપના સભ્યો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા ભાજપના નગરસેવકોએ બોર્ડમાંથી વોકઆઉટની જાહેરાત કરતા મેયરે બોર્ડ પૂર્ણ થયાનું જણાવી સ્ટેજ પરથી ચાલતી પકડી હતી. આથી વિપક્ષના નગરસેવકોએ ભાજપ હાય હાય, મેયર ભાગેડુના સૂત્રોચ્ચાર કર્યા હતાં.