- વર્ષ 2010થી વીજ કનેક્શન બંધ હોવાના કાગળો રજૂ કરાયા’તા: ખરેખર વીજ પુરવઠો આજે અવિરતપણે ચાલુ
રાજકોટ શહેરના દાણાપીઠમાં આવેલી ત્રણ દુકાનોના તાળા તોડી અંદર રહેલો સામાન બહાર ફેંકી દઈ ગેરકાયદે કબ્જો લઇ લેનાર નવાબ મસ્જિદના પ્રમુખ ફારૂક મુસાણી આણી ટોળકીએ કરેલા કારસ્તાનમાં એક બાદ એક ઘટસ્ફોટ થઇ રહ્યા છે. વકફ બોર્ડે કબ્જો લઇ લેવા આદેશ આપ્યો છે તેવો લેટર બતાવી કબ્જો પડાવી લેવા મામલે ખરેખર વકફ બોર્ડએ કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું એટલે કે નોટીસ ફટકારી પક્ષકારોના મંતવ્ય જાણી વકફને રિપોર્ટ આપવાનો હતો તેવી સ્પષ્ટતા વકફ બોર્ડએ કરી હતી પણ મિલ્કત પચાવી લેવા રઘવાયા થયેલા ફારૂક મુસાણીએ તાળા તોડી કબ્જો લઇ લીધો હતો. હવે આ મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે. વર્ષ 2010થી દુકાનોમાં વીજ કનેકશન નથી તેવા કાગળો વકફ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા હતા જયારે હાલની તારીખે આ ત્રણેય દુકાનોના વીજબીજ દર મહિને ભરવામાં આવતા હોય તેવું સામે આવ્યું છે ત્યારે ફારૂક મુસાણીએ બોગસ કાગળો ઉભા કરી વકફને ગેરમાર્ગે દોર્યાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ત્યારે હવે વકફ બોર્ડે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત 31મી ડિસેમ્બરના રોજ સાંજના અંદાજિત પાંચ વાગ્યાં આસપાસ ફારૂક મુસાણીએ ટોળાશાહી કરી દાણાપીઠમાં આવેલી મસ્જિદ ટ્રસ્ટની ત્રણ દુકાનો જેમાં 70 વર્ષથી ભાડુઆત તરીકે કબ્જો ધરાવતા વિરેન્દ્રભાઈ કલ્યાણજીભાઈ કોટેચા અને હસમુખભાઈ મહેતાની બે દુકાનના તાળા તોડી તમામ માલસામાન બહાર ફેંકી દીધો હતો જયારે અભિષેકભાઈ આડઠક્કરને તાળું ખોલી સામાન બહાર કાઢી લો નહીંતર તાળા તોડી સામાન બહાર ફેંકી દઈશું તેવી ધમકી આપી હતી. ત્યારે વૃદ્ધ વેપારી વીરેન્દ્રભાઈએ મસ્જિદના ટ્રસ્ટી ફારૂકભાઇ મુસાણીને પૂછ્યું હતું કે તમે અમને દુકાન ખાલી કરવાની કોઈ વાત કરેલ નથી અને તમે અમને આજે સીધા દુકાન કેમ ખાલી કરાવો છો? જેથી ફારૂકભાઇ મુસાણીએ કહેલ કે, તાત્કાલિક અસરથી આ દુકાનનો કબ્જો અમને સોંપી દયો અને બાકીનો દુકાનમાં રહેલ સામાન તમારી રીતે બહાર કાઢી લ્યો નહીતર અમે તમારી દુકાનનો બધો સામાન બહાર ફેંકી દઇશું તેવી ધમકી આપેલ હતી. બાદમાં ફારૂક મુસાણીએ એક કાગળ બતાવેલ હતો જે ગુજરાત રાજ્ય વફ્ફ બોર્ડ ગાંધીનગર તા.19/12/2024 વાળા લેટર પેડનો હોય જે અમોને વંચાવી અને કહેલ કે તમે દુકાનનો કબ્જો ખાલી કરી અને મસ્જીદને સોપી દેજો.
આ મામલે મહાજન વેપારીએ એ ડિવિઝન પોલીસમાં ફારૂક મુસાણી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ટોળાંશાહી કરી ગેરકાયદે પ્રવેશ, મિલ્કતને નુકસાન તેમજ ધમકી સહીતની ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ મામલે છેક ગાંધીનગર સુધી ફોન ધણધણતા ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
હવે બીજી બાજુ ફારૂક મુસાણીએ વકફ બોર્ડના જે ઓર્ડરના આધારે તાળા તોડ્યા હતા તેમાં ખરેખર કબ્જો લેવા આદેશ કરવામાં આવ્યો જ ન હતો. મામલામાં વકફ બોર્ડે નવો આદેશ જાહેર કરી સ્પષ્ટતા કરી હતી કે, નિયમનુસાર કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ હતું જે નિયમનુસારની કાર્યવાહી એટલે કે, જુના ભાડુઆતો પાસેથી કબજો લેતાં પહેલા ત્રણ જેટલી નોટીસ પાઠવવી, ભાડુઆત જોડે સંવાદ કરવો, નવા ભાડા કરાર બાબતે કાર્યવાહી કરવી, ત્યારબાદ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ નોટિસ અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરીએ આપેલ નોટીસની નકલ સાથે જાણ કરવી અને ત્યારબાદ કાનુની અને કાયદાકીય કાર્યવાહી કરવી. જેનો સીધો અર્થ થાય છે કે, વકફ બોર્ડે કબ્જો લેવા આદેશ આપ્યા ન હતા પણ ફારૂક મુસાણી આણી ટોળકીએ કાયદો હાથમા લઇ કબ્જો લઇ લીધો હતો.
હવે આ મામલે અન્ય એક ઘટસ્ફોટ થવા પામ્યો છે કે, ફારૂક મુસાણીએ વકફ બોર્ડ સમક્ષ એવા કાગળો રજૂ કર્યા હતા કે વર્ષ 2010થી આ દુકાનોમાં વીજ કનેક્શન નથી અને બંધ હાલતમાં પડેલી છે જેથી કબ્જો મસ્જિદ ટ્રસ્ટને આપી દેવો જોઈએ. ખરેખર આ ત્રણેય દુકાનોમાં વીજ કનેક્શન હોય અને વીજ બિલની ચુકવણી પણ આજદિન સુધી કરવામાં આવે છે તેવો ઘટસ્ફોટ થતાં વકફ બોર્ડએ આ મામલે ખાનગી રહે તપાસના આદેશ આપ્યા છે. ફારૂક મુસાણીએ બોગસ કાગળો રજૂ કર્યાની આશંકાએ શરૂ કરવામાં આવેલી તપાસમાં પુરાવા મળી આવશે તો વકફ બોર્ડ પોતે જ ફરિયાદી બની બોર્ડને ગેરમાર્ગે દોરવા બોગસ કાગળો બનાવ્યાનો ગુનો દાખલ કરાવશે તેવું જાણવા મળી રહ્યું છે.
વેપારીઓને બાઈજ્જત માલ સામાન દુકાનમાં મુકાવી કબ્જો પરત અપાવતી રાજકોટ પોલીસ
ફારૂક મુસાણી આણી ટોળકીએ દુકાન મણા તાળા તોડી વેપારીઓના કિંમતી કાગળો સહિતનો માલ સામાન બહાર ફેંકી દઈ કબ્જો પડાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, ડીસીપી જગદીશ બંગરવા સહિતના ઉચ્ચ અધિકારીઓએ આદેશ આપતાં પોલીસે ત્રણેય વેપારીઓનો સામાન દુકાનમાં મુકાવી કબ્જો પરત અપાવ્યો હતો.
પરાબજાર વિસ્તારમાં ઘણા સમયથી પડ્યા-પાથરેલા રહી ધંધાની આડમાં ગેરકાનૂની કૃત્યો પર પોલીસ ત્રાટકશે?
એકસમયે સૌરાષ્ટ્રની મુખ્ય બજાર ગણાતી પરાબજારમાં હાલ ટુ વ્હીલર લઈને જવામાં પણ ખુબ સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અધૂરામાં પૂરું ફ્રૂટ, શાકભાજી સહિતના વેપારની આડમાં પરાબજારમાં અનેક ગેરકાનૂની કૃત્યો આચરવામાં આવતા હોય તેવું જગજાહેર હોય હવે આ ગેરકાનૂની કૃત્યો પર પોલીસ ત્રાટકશે કે કેમ? તેવો પણ સવાલ છે.
મહાજનની પડખે રાજકીય-સામાજિક આગેવાનો નહીં આવે તો મહાજનપ્રથા લુપ્ત થઇ જશે
દાણાપીઠમાં ત્રણ મહાજનોની દુકાનનો કબ્જો પડાવી લેનાર વિધાર્મીઓને સહેજ પણ કાયદા કે રાજકીય-સામાજિક આગેવાનોનો ભય ન હોય તેમ તાળા તોડી નાખવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે રાજકીય અને સામાજિક આગેવાનોએ મેદાનમાં આવી ફારૂક મુસાણી જેવા તત્વો વિરુદ્ધ મોરચો માંડવાની તાતી જરૂરિયાત છે. વેપારમાં અગ્રેસર મહાજનો ફારૂક મુસાણી જેવા તત્વો સામે બાયો ચડાવી શકતા ન હોય ત્યારે આવા તત્વો ફાવી જતાં હોય જો આ મામલે રાજકીય-સામાજિક મેદાનો પડખે નહિ આવે તો મહાજનપ્રથા લુપ્ત થવાનો ભય ઉભો થયો છે.
દાણાપીઠની ઘટના બાદ ગૃહમંત્રી સતત રાજકોટના સંપર્કમાં
દાણાપીઠની ચકચારી ઘટના સામે આવ્યા બાદ છેક ગાંધીનગર સુધી આ મામલે રજુઆતો થતાં ગૃહમંત્રીએ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશ્નર, ધારાસભ્યો તેમજ ફરિયાદી પક્ષ સહિતનો સંપર્ક કર્યો હતો. ગૃહમંત્રી ઘટના બન્યા બાદ સતત રાજકોટના સંપર્કમાં હોય અને પળેપળની અપડેટ લઇ રહ્યા છે. આગામી શનિવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સંભવત: આ મામલે હર્ષ સંઘવી તંત્ર સાથે સમીક્ષા કરે તેવી શક્યતા છે.