પરિક્ષા પાછી ઠેલાવવાના કારણે વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો સમય વધુ મળશે

એક તરફ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તેના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શાળાઓમાં પણ અત્યાર સુધી 30થી વધુ કેસ નોંધાયા છે. જેની અસર હવે બાળકોના શિક્ષણ પર પણ પડી રહી છે. રાજ્ય સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.તેવામાં હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ની પરીક્ષા પાછી ઠેલી છે. ધોરણ 9 અને 11ની પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી છે. હવે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચના બદલે 28 માર્ચે શરૂ થશે. જ્યારે 9 અને 11ની પરીક્ષા 30 માર્ચના બદલે 12 એપ્રિલે શરૂ થશે. આ ઉપરાંત ઉનાળુ વેકેશનની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે બુધવારે જાહેર કર્યું હતું કે, રાજ્યની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં હવે પછી લેવાનારી ધોરણ 9થી 12ની બીજી પ્રિલીમ પરીક્ષા તથા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.9થી 12 ધોરણની પરીક્ષા લંબાઈ હોવાના કારણે 32 લાખ જેટલા વિદ્યાર્થીઓને લાભ થશે. વધુ સમય મળતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કરવા માટે પણ સમય મળી રહેશે. હવે તેમને તૈયારીઓ માટે બે સપ્તાહ જેટલો વધારાનો સમય મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.