• વર્ષ દરમિયાન 237 દિવસનો અભ્યાસ કરાવાશે: પ્રથમ શૈક્ષણિક સત્ર 27 ઓક્ટોબર સુધી ચાલશે ત્યારબાદ 28 ઓક્ટોબરથી 21 દિવસના દિવાળી વેકેશન મળશે

શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2024-25નું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે. કેલેન્ડર અનુસાર 2025ની બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં શરૂ કરવાનું નક્કી કરાયું છે. બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે. આ ઉપરાંત વર્ષ દરમિયાન 237 દિવસનો અભ્યાસ કરાવાશે. પ્રથમ શૈક્ષણિક સત્ર 27 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ 28 ઓક્ટોબરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. પ્રથમ સત્રમાં ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 14 ઓક્ટોબરથી લેવામાં આવશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25નું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર પ્રથમ શૈક્ષણિક સત્રનો 13 જૂનથી પ્રારંભ થયો છે અને 27 ઓક્ટોબર સુધી ચાલનારા પ્રથમ સત્રમાં 108 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 18 નવેમ્બરથી દ્વિતીય સત્રનો પ્રારંભ થશે, જે 4 મે સુધી ચાલશે. દ્વિતીય સત્રમાં 135 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. ત્યારબાદ 5 મેથી 8 જૂન સુધી ઉનાળું વેકેશન જાહેર કરાયું છે અને 9 જૂન, 2025થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે. આમ, ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર મળીને કુલ 243 દિવસ અભ્યાસના નક્કી કરવામાં આવ્યા છે. જેમાંથી 6 સ્થાનિક રજા બાદ કરતા 237 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ સત્રમાં હાલમાં ધો.10 અને 12ની પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે. આ પૂરક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ધો.9થી 12ની તમામ પ્રવાહની પ્રથમ પરીક્ષા 14 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. ત્યારબાદ પ્રિલિમ- દ્વિતીય પરીક્ષા 20 જાન્યુઆરી, 2025થી 28 જાન્યુઆરી, 2025 દરમિયાન લેવામાં આવશે. પ્રખરતા શોધ કસોટી 30 જાન્યુઆરીના રોજ લેવાશે.

ધો.10 અને 12ની બોર્ડના વિષયોની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 4 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ કરી દેવામાં આવશે. જ્યારે ધો.12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 6 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને 14 ફેબ્રુઆરી સુધી પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા 2025માં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા વહેલી યોજવાનો નિર્ણય કરાયો છે.

અત્યાર સુધી બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા માર્ચ માસમાં શરૂ કરવામાં આવતી હતી અને માર્ચમાં પરીક્ષા પૂર્ણ થતી હતી. પરંતુ આ વખતે બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી જ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. જે 13 માર્ચના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ ધો.9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે.

વર્ષ દરમિયાન 80 દિવસની રજા

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર વર્ષ દરમિયાન 80 દિવસની રજા નક્કી કરવામાં આવી છે. જેમાં દિવાળી વેકેશનના 21 દિવસ, ઉનાળું વેકેશનના 35 દિવસ ઉપરાંત જાહેર રજાઓ 18 દિવસ અને સ્થાનિક રજાઓ 6 દિવસનો સમાવેશ થાય છે. આમ, સમગ્ર વર્ષ દરમિયાન મહત્તમ 80 રજાઓ વિદ્યાર્થીઓને મળશે. આ સિવાય રવિવારની રજાઓ અલગ રહેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.