- શિક્ષણ બોર્ડ સમક્ષ નવા પરીક્ષા કેન્દ્રો અંગેની રજૂઆતો મળ્યા બાદ યોગ્ય ચકાસણીના અંતે કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા
- 2023માં રાજ્યના 1580 કેન્દ્રો પરથી બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જોકે, આ વખતે કેન્દ્રોની સંખ્યામાં 95નો વધારો થયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થવાની છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને કેન્દ્રો નક્કી કરી દેવાયા હોવાનું જાણવા મળે છે. આ વખતે ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે રાજ્યમાં કુલ 1675 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાં નવા 54 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. શિક્ષણ બોર્ડ સમક્ષ નવા પરીક્ષા કેન્દ્રો અંગેની રજૂઆતો મળ્યા બાદ યોગ્ય ચકાસણીના અંતે કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
2023માં રાજ્યના 1580 કેન્દ્રો પરથી બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, આ વખતે કેન્દ્રોની સંખ્યામાં 95નો વધારો થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરીક્ષા માટે સૌથી મહત્ત્વના ગણાતા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાની કાર્યવાહી પણ પૂરી કરી દેવાઈ છે. બોર્ડની પરીક્ષામાં દર વર્ષે નવા પરીક્ષા કેન્દ્રો ઉમેરાતા હોય છે અને હયાત પરીક્ષા કેન્દ્રોમાંથી કેટલાક કેન્દ્રો રદ પણ થયા હોય છે. જ્યારે અમુક કેન્દ્રો એવા પણ હોય છે કે જે અગાઉ પરીક્ષા કેન્દ્ર હતા અને ત્યારબાદ રદ કરાયા પછી ફરી પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
આમ, પરીક્ષા કેન્દ્રોની પસંદગીની કાર્યવાહી બોર્ડ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે ધોરણ-10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 981 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 26 નવા પરીક્ષા કેન્દ્રોનો સમાવેશ થાય છે. ગત પરીક્ષા વખતે ધોરણ-10માં 958 પરીક્ષા કેન્દ્રોમાંથી બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. આમ, ગત પરીક્ષા કરતા આ વખતે 23 પરીક્ષા કેન્દ્રો વધ્યા છે. આમ, ધોરણ-10માં નવા કેન્દ્રો ઉમેરાવા સાથે જૂના કેન્દ્રો રદ થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો, સામાન્ય પ્રવાહમાં નવા 21 પરીક્ષા કેન્દ્રો સાથે કુલ 547 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
2023માં સામાન્ય પ્રવાહના 482 કેન્દ્રો હતા. આમ, આ વખતે કેન્દ્રોની સંખ્યામાં 65નો વધારો જોવા મળ્યો છે. જ્યારે ધોરણ-12 સાયન્સના કેન્દ્રોની વાત કરીએ તો, ધોરણ-12 સાયન્સમાં આ વખતે 7 નવા પરીક્ષા કેન્દ્રો ઉમેરાયા છે. આ સાથે ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 147 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. ગતવર્ષેની બોર્ડની પરીક્ષા વખતે ધોરણ-12 સાયન્સમાં 140 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હતા. આમ, ગતવર્ષ કરતા આ વખતે 7 પરીક્ષા કેન્દ્રોનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. ધોરણ-10 અને 12ના મળી આ વખતે કુલ 1675 પરીક્ષા કેન્દ્રોમાંથી પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.
71 નવા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ઉમેરાયા
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવ્યા બાદ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર તૈયાર કરી ત્યાં કામગીરી કરવામાં આવતી હોય છે. આ વખતે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં નવા 71 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. ધોરણ-10માં આ વખતે 24 નવા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર સાથે કુલ 186 મૂલ્યાંકન કેન્દ્રો હશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નવા 39 મૂલ્યાંકન કેન્દ્રો સાથે કુલ 183 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ધોરણ-12 સામાન્યમાં નવા 8 મૂલ્યાંકન કેન્દ્રો ઉમેરાયા છે.