ફોજદાર ગોસાઈ બાબુભૈયા સાથે જેલમાં ગયા બાદ અગમ્ય કારણોસર પાંચ મહિનામાં પાંચેક ફોજદારો મુળીથી પલાયન થઈ ગયા !
ફોજદાર જયદેવની રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ચાર વર્ષમાં સાત -આઠ બદલીઓ તો થઈ ચૂકી હતી. તે વખતે જીલ્લા બદલીની સત્તા રેન્જના ડી.આઈ.જી.ને હતી ખાસ કિસ્સામાં ધોરાજીના ફોજદાર રાણાની કચ્છમાં અને જયદેવની બદલી સુરેન્દ્રનગર જીલ્લામાં થઈ. પરંતુ રાજકોટ ગ્રામ્યના પોલીસ વડાની દ્રષ્ટીએ આ બંને કાર્યદક્ષ અદિકારીઓની બદલી શંકાસ્પદ હતી. ધોરાજીથી રાણાનો ફોન આવ્યો કે આપણા બંનેની જીલ્લા બદલી થયેલ છે હું હાઈકોર્ટમાં સ્ટે હુકમ માયે જાઉ છું તમારે હાઈકોર્ટમાં સાથે જોડાવું છે? જયદેવને તો બદલીથી કોઈ ફેર નહોતો પડતો છતા મીત્રતામાં સાથે રહેવા અને ફોન આવતા તે સીક રજા ઉપર ઉતરી ગયો.
જયદેવ રજા ઉપર ઉતરી ગયા પછી બંનેના બદલી હુકમો થયા. જસદણ અને આટકોટમાં આ જયદેવની બદલીના ખબર ફેલાતા બંને ટાઉનમાં હડતાલ પડી બે દિવસ બંધ રહ્યા. રાજકીય ગરમાવો આવ્યો ધારાસભ્ય રાષ્ટ્રીય પક્ષના હતા અને બદલી હુકમ રદ કરાવવાનો ઝંડો રાષ્ટ્રવાદી પક્ષના આગેવાનોએ લીધેલો પરંતુ બંને પક્ષના આગેવાનો એક મુદે સહમત હતા કે જયદેવની બદલી ખોટી અને સમય પહેલા થયેલા છે. ધારાસભ્ય ઓછુ ભણેલા પણ તેમની વિધાનસભામાં અને મુખ્યમંત્રી પાસે છાપ સારી હતી તેથી તેમણે મુખ્યમંત્રીને જ કહી ને ચાર પાંચ દિવસમાં જ બદલી હુકમ રદ કરાવ્યો હાઈકોર્ટે રાણાને બદલી હુકમ સામે સ્ટે આપ્યો.
ત્રણ મહિના પછી રેન્જ ડી.આઈ.જી.નું ઈન્સ્પેકશન આવ્યું. જયદેવનો તો બદલી સામે સ્ટે હતો નહિ. ડીઆઈજીએ રાણા સાથે સમજણ કરી સ્ટે વેકેન્ટ કરાવી તેની બદલી કચ્છને બદલે જામનગર જીલ્લામાં કરી અને જયદેવને ફરી સુરેન્દ્રનગર જીલ્લામાં મૂકયો.
સામાન્ય રીતે પોલીસ અધિકારીની બદલી થાય એટલે ‘ઉતર્યો અમલદાર કોડીનો’ જેવો માહોલ થાય. પરંતુ અહિં જસદણ તાલુકાની પ્રજા દુ:ખી થઈ ગઈ હતી. જયારે ઠાકુર, અભયસિહ અને ગુનેગારો ખુશ થઈ ગયા. જેવી રીતે રામ વનવાસ વખતે અવધની પ્રજાની સ્થિતિ હતી સામે કોપભુવનમાં કૈકય અને મંથરા રાજી અને ખુશી હતા! પરંતુ જયદેવ શાસ્ત્ર પ્રમાણ માનતો હતો કે ‘કાર્ય કારણ રૂપ સંબંધો હોય છે’!
હવે જસદણમાં આ ચંડાળ ચોકડીને નિર્ભય બની મહેફીલો અને ડાયરા કરવાના કરવાના હતા હવે તેમને સ્વતંત્રતાનો મનમાં અહેસાસ થયો. અગાઉ ખટપટો કરી ગુનેગારો પાસે જયદેવ વિરૂધ્ધ અરજીઓ કરાવેલ હતી તેની તપાસ જયદેવની હાજરીમાં તો કરી શકયા નહિ પરંતુ જયદેવ સુરેન્દ્રનગર હાજર થઈ ગયા પછી અભયસિંહને સાથે રાખી ઠાકુરે ગેંગસ્ટરો અને ગુનેગારો કે જેમણે તેમની ભાષામાં સહન કરેલુ, ગુંડાગીરી અને બે નંબરી ધંધામાં ખોટ ખાધેલી તેઓની નામરજી છતા જયદેવ વિરૂધ્ધ તપાસો ચાલુ કરી આ લોકોની નામરજી એટલે હતી કે તેમના ધંધા તો બે નંબરી અને ગેરકાયદેસરના હતા જો જયદેવ ભવિષ્યમાં પાછો આવે તો લાદ કાઢી નાખે. તે સિવાય કોઈ નિતિમતા વાળો ફોજદાર આવે તો પણ આવા પોલીસ વિરૂધ્ધના ગુનેગારોની નોંધ લઈ તેમના મુળીયા જ ઉખેડી નાખે, પરંતુ કપટ પૂર્વક ગુનેગારોને સમજાવ્યા હવે જયદેવ બદલાઈ ગયો હવે દુશ્મની નહોય અરજી ફાઈલે કરવાની હોય તેમ કહી જયદેવ વિરૂધ્ધના નિવેદનો ભરમાવીને લખી લેવા માંડયા ! જે જયદેવે ઠાકુરને ફોજદાર રાણાના કહેવાથી ડગલે ને પગલે બચાવેલો તે હવે સૂર્ય સામે ધૂળ ઉડાડતો હતો. પણ તેથી સૂર્યને કોઈ ફેર ન પડે.
જયદેવ તો બીજે જ દિવસે સુરેન્દ્રનગર હાજર થઈ ગયો જીલ્લાના પોલીસ વડા નવા અધિકારીની નિમણુંક કરતા પહેલા તેની અગાઉની કાર્યદક્ષતા કારકીર્દીને લક્ષમાં લેતા હોય છે. જે અંગે જીલ્લામાંજ ફરજ બજાવતા સક્ષમ અધિકારીઓથી પણ અભિપ્રાય જાણતા હોય છે. જયદેવના તમામ સ્ત્રોતોમાંથી અભિપ્રાય ખુબ સારા આવ્યા. પોલીસ વડાની કચેરીમાં જયદેવનો ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન માટે હુકમ પણ ટાઈપ થઈ ગયો હતો ફકત પોલીસ વડાની સહી બાકી હતી.
જયદેવને સાંજે પોસ્ટીંગ હુકમ મળ્યો પણ તે મૂળી પોલીસ સ્ટેશનનો હતો ! તમામને નવાઈ લાગી કે આમ કેમ થયું. વાત એમ બનેલી કે જીલ્લા પોલીસ વડાને તે દિવસે રેન્જ ડી.આઈ.જી. સાથે ટેલીફોનીક વાત થયેલી તેમાં રેન્જ વડાએ કહેલ કે જયદેવને ખાસ મૂળી પોલીસ સ્ટેશન માટે જ મોકલ્યા છે! મૂળી તે સમયે સજાનું થાણું ગણાતુ કેમકે મુળી તાલુકાનો મોટા ભાગનો ગ્રામ્ય વિસ્તાર પંચાળ અને પછાત હતો. તથા મુળીમાં રાજકારણીઓની દાદાગીરી અને આખા તાલુકા ઉપર રાજકીય પકકડ મુળીના થાનગઢ અને તરણેતરની સરહદ ઉપરના ગામડાઓ સુધી દાદાગીરી અને વર્ચસ્વ હતુ. થાનગઢની તે વખતે હાલત ખરાબ અને મથરાવટી મેલી કરનાર દાદાઓનું રહેણાકનું ગામ રામપરડા મુળી તાલુકાનું હતુ રામપરડા ગામે કાયમી ધોરણે એસ.આર.પી.નું એક સેકશન બંદોબસ્તમાં રહેતુ. થાનગઢમાં ગુન્હો કરી ગુનેગારો રામપરડા ભાગી આવતા. રામપરડાનું નામ તે વખતે જીલ્લામાં ચંબલ ઘાટી જેવું કુખ્યાત હતુ અને પ્રજા તથા પોલીસ બંને માટે માથાનો દુ:ખાવો હતુ.
પરંતુ જયદેવને મુળી થાણામાં મૂકવાનો પ્રશ્ર્ન બીજો જ હતો. પાંચ છ મહિના પહેલા અમદાવાદ શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં યુ.પી.ગેંગના બાબુભૈયા અને પંજાબી શીખ સરદારો સંતોકસિંઘ વિ‚ધ્ધ ખૂબજ વૈમનસ્ય થઈ ગયેલ ગેંગવોર ચરમ સીમાએ હતી ત્યારે મુળી થાણામાં ફોજદાર તરીકે અગાઉ અમરાઈવાડીમાં ફરજ બજાવી ગયેલ અને બાબુભૈયાના સંપર્ક વાળા ગોસાઈ હતા. આ બાબુભૈયા એ ફોજદાર ગોંસાઈનો સંપર્ક કરી ભયંકર ષડયંત્ર રચ્યું બાબુભૈયાને તેના વિરોધીઓ સંતોકસિંઘ વિગેરેનો કાયમી ધોરણે કાંટો કાઢી નાખવો હતો. ગોસાઈ એ બાબુભૈયાને સલાહ આપી કે ‘તારે જે કામ ઉતારવું હોય તે ઉતારી ને સીધો જ મુળી આવી જજે તારો આમીત્ર તારા માટે મુળીની સ્ટેશન ડાયરી કોરી જ રાખશે. હું તને અમદાવાદમાં જે ગુના દાખલ થાય તેના ચાર પાંચ કલાક પહેલા અહી મુળી થાણામાં દા‚ના કેસમાં એરેસ્ટ બતાવીને મૂળી લોકઅપમાં હતો તેવો ગેરહાજરીનો પૂરાવો (એલીબી) ઉભો કરી દઈશ.
આમ નકકી થતા બાબુભૈયાની ગેંગે આખા અમદાવાદ અને ગુજરાતને હચમચાવી નાખનારો ભયંકર ખૂની ખેલ ખેલી નાખ્યો. અમરાઈવાડી વિસ્તારમાં સરાજાહેર અને ખૂલ્લે આમ કત્લેઆમ ચલાવી શીખ સંતોકસિંઘ સહિત ત્રણ જણાની લાશો ઢાળી દીધી અને ત્યાંથીક છટકીને કાવત્રા મુજબ મુળી આવી ગયા. મુળી ફોજદાર ગોસાઈએ બાબુભૈયા તથા તેના સાગ્રીત ગુનેગારોની વિરૂધ્ધ દારૂબંધીનો પીધેલનો ગુન્હો નોંધવા પોતે જ શ્રી સરકાર તરફે એફઆઈઆર આપી તેનુંજે પંચનામું કર્યું તેમાંગુન્હાનો સમય અમદાવાદની ખૂની હોળી ખેલવા પહેલાનો ચાર પાંચ કલાકનો સમય દર્શાવતું પંચનામું તૈયાર કર્યું અને એફઆઈઆર પણ તે રીતે બનાવી. સ્ટેશન ડાયરી તો પોતે કોરી જ રાખી હતી. લોકઅપ રજીસ્ટરમાં પણ તે રીતે સમય લખ્યો. મુળીના જે જમાદાર સ્ટેશન ડાયરીના ચાર્જમાં હતા તેઓ ને અમદાવાદનાં બનાવની કોઈ ખબર નહી ફોજદાર ગોસાઈના ભરોસે ગુન્હો પણ દાખલ કરી દીધો આરોપીઓએ લોકઅપને બદલે પોલીસ કવાર્ટરમાં તેમની સફળતાની દારૂ મટનની મહેફીલ માણી.
કુદરતી નિયમ મુજબ પાપ પીપળે ચડીને પોકારે છે કુદરત તો સદેહે ન્યાય કરવા આવતા નથી કાંઈક અને કોઈક ને બહાના રૂપ બનાવે છે કે તેવી બુધ્ધી આપે છે. ગોસાઈની તો બુધ્ધી બગડેલી જ હતી તેને ગુન્હો જામીન લાયક હોવા છતા બધુ પાકા પાયે કરવા આરોપીઓને બીજે દિવસે કોર્ટમાં રજૂ કર્યા જજ સાહેબ સવારનું સમાચાર પત્ર વાંચીને આવેલા તેમાં બાબુભૈયાનું નામ હેડ લાઈનના સમાચારમાં જ હતુ. મુળી પોલીસ જયારે આ દારૂ બંધીના ગુન્હાનાં આરોપીઓને જજ સમક્ષ રજૂ કર્યા તે રજૂ રીપોર્ટમાં પણ બાબુભૈયાનું નામ હતુ જે વાંચીને જજ ચોકી ગયા અને પોલીસને કહ્યું આરોપીઓ ને કસ્ટડીમાં રાખો અને તમારા ફોજદારને બોલાવો, તેમને સાંભળ્યા બાદ જામીન હુકમ થશે. પોલીસે જઈ ગોસાઈને કહ્યું જજ સાહેબ તમને સાંભળવા માગે છે. ગોસાઈએ કહ્યું જજ સાહેબને કહો જામીન લાયક ગુનો છે મારે આવવાની જરૂરત નથી આથી જજે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડાને જાહેરહીતમાં ટેલીફોન કરી સઘળી હકિકતની જાણ કરી અને આરોપીના જામીનનો હુકમ પણ જાહેરહીતમાં જ પોલીસ અધિકારીને સાંભળવા ઉપર બાકી રાખ્યો.
આમ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો તે સમયે અમદાવાદ શહેર માટે બુટલેગરોની આ બહુ મોટી ગેંગવોર હતી. સરકારે પણ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી દીધેલી ભાંડો ફૂટી જતા જ ગોસાઈ રફુચકકર થઈ ગયેલા પરંતુ તેઓ મુળી વિસ્તારમાં જ હતા. લાંબા સમયે ગોસાઈ સીઆઈડી ક્રાઈમને શરણે ગયેલા.
ગોસાઈ જેલમાં ગયા પછી મુળીમાં જે ફોજદારની નીમણુંક થઈ તે એક મહિનામાં જ સીક રજા ઉપર ઉતરી ગયા પાંચ મહિનામાં મુળી થાણામાં પાંચ ફોજદારો બદલાયા, કોઈ ફોજદાર મુળી થાણામાં રહેવા તૈયાર નહતા. તેના પણ ઘણા કારણો હતા. અગાઉ જણાવ્યા પ્રમાણે સજાનું થાણુ તો હતુ તેમાં આ ગોસાઈના કૌભાંડ પછી મુળી પોલીસનો કોઈ વિશ્ર્વાસ કરતુ નહતુ સંબંધીત તમામ તંત્રો મુળીની પોલીસ ને શંકાની દ્રષ્ટીએ જ જોવા લાગ્યા હતા. એક સામાન્ય તુમાર કે પત્રની પણ અનેક ખાત્રી કરે ! બીજુ સજાનું થાણુ એટલે મુળીમાં જે કર્મચારીઓની નિમણુંક થાય તે પણ આખા જીલ્લામા કોઈ કૌભાંડમાં સંડોવાયેલા કે સસ્પેન્ડ થયેલા કે ગુન્હાઈત માનસ ધરાવતા અને જે તે થાણાના ફોજદારે જેમની વિરૂધ્ધ ગુપ્ત રીપોર્ટ કર્યો હોય તેવા જ હોય તે સહજ બાબત હતી તેથી મુળી વિસ્તારનું આકરૂ કામ આકરા ગુનેગારો અને નબળા માનસ વાળી પોલીસ તેવો તાલ થયેલો ! જો કે ૧૫ થી ૨૦% સારા પણ કર્મચારીઓ હોય જ, પણ બહુમતી એવાની કે જે કર્મચારીઓને સાચવવા પણ થાણા ના ફોજદારને નાકેદમ આવી જાય ! ટુંકમાં કોઈ ફોજદાર મૂળી થાણામાં રહેવા તૈયાર ન હોતા આથી મુળી થાણાની પસંદગીક નો કળશ જયદેવ ઉપર ઢોળાયો.
જયદેવ માટે આ નિમણુંક હુકમ ‘સાંબેલુ વગાડે તો જાણું કે તુ શાણો’ ઉકતી પ્રમાણે પડકાર (ચેલેન્જ)રૂપ હતો જોકે જયદેવ પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહતો. મુળી હાજર થતા જ જયદેવે જોયું કે અહી ફોજદાર સાથે કોઈ પોલીસ કર્મચારી કામ કરવા જ રાજી નથી. કારણ હજુ ગોસાઈના ઘણા કારસ્તાનો, તેમાં આ બાબુભૈયા વાળા કેસની તપાસમાં સીઆઈડી ક્રાઈમના તપાસ કરનાર અધિકારીઓએ પ્રથમ દ્રષ્ટીએ જ ફોજદાર ગોસાઈ સીવાય મુળી પોલીસ કર્મચારી ગણ આ કેસનાં કાવત્રામાં સામેલ ન હતો છતા તેમને નિવેદનો અને પૂછપરછ માટે સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ ધકકા ખવરાવી પધરાવી માનસીક બીમાર કરી દીધેલા ખાસ તો ફોજદારનો રાયટર એફઆઈઆર દાખલ કરનાર જમાદાર, ફીંગરપ્રિન્ટ લેનાર કોન્સ્ટેબલ અને લોકઅપ ગાર્ડના જવાનો તો પોતાના ઉપર લટકતી તલવાર જ સમજતા હતા બીજુ મુળી પોલીસ ફોજદાર ગોસાઈના બીજા ઘણા ભયંકર કરતુ તો જાણતી હતી અને કમને ફરજ ની રૂએ તેની સાથે રહેવું પડેલુ તેથી પોલીસનું મોરલ સાવ શુન્ય (ઝીરો) થઈ ગયેલું
સી.આઈ.ડી. ક્રાઈમે હજુ આ અમરાઈવાડી ટ્રીપલ મર્ડર કેસના ગુન્હાનાં કાવત્રામાં સામેલ આરોપીઓ કે જે ફોજદાર ગોસાઈના ઉભા કરેલા ખોટા દારૂબંધીના ગુન્હાનાં પંચનામાના પંચો જે પણ મુળી તાલુકાના જ માથાભારે શખ્સો હતા તે હજુ પકડાવાના બાકી હતા. જેને મુળી પોલીસ કે સુરેન્દ્રનગર જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ કે ટ્રાસ્કફોર્સ પણ હજૂ સુધી પકડી શકી ન હતી. તે પકડવાનું પણ પડકારરૂપ કામ ઉભુ જ હતુ.
સ્ટાફ જાણતો હતો ગોસાઈની પેન્ડીંગ તપાસોમાં પણ કેટલાય હાડપીંજરો ઢંકાયેલા પડયા હતા ! ફોજદારો આ કારણે જ સીકમાં ભાગી જતા હતા. પરતુ સામે આવેલુ યુધ્ધ શુરવિરે લડીજ લેવું પડે નહિતર તે કાયર ગણાય. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના ‘વિષાદ યોગ’માં અર્જુનને કહ્યું હતુ કે તું ડાહી ડાહી વાતો કરે છે. પણ યુધ્ધ નહિ કરે તો ઈતિહાસ પણ તારી કાયર તરીકે નોંધ લેશે.
પરંતુ યુધ્ધ કરવા મુળીનું સૈન્ય તૈયાર થવું જોઈએને? જયદેવે તમામ પાસાઓનો વિચાર કરી કર્મચારી ગણને શામ દામ અને ભેદની નીતિથી વિશ્ર્વાસમાં લઈ યુધ્ધ કરવા તૈયાર કરવા આયોજનો કરવા માંડયા!