રાજકોટનાં સેંકડો બુઝુર્ગોની આંખોમાં હર્ષની લાગણી: શ્રવણ બની સીએમએ કરાવી જાત્રા
રાજકોટના જુદાજુદા વિસ્તારોમાંથી અનેક વૃદ્ધોને પવિત્ર તીર્થધામોના દર્શનનો લાભ અપાવી વિજયભાઈ વડીલો માટે બન્યા શ્રવણ: રાજુભાઈ ધ્રુવ
’કહેવાય છે કે, કળિયુગમાં શ્રવણને શોધવો મુશ્કેલ છે. પરંતુ અમને તો મુખ્યમંત્રીનાં રૂપમાં શ્રવણદર્શન થયા છે.’ આ શબ્દો છે રાજકોટનાં અનેક બુઝુર્ગોનાં જેમણે પવિત્ર તીર્થધામોની જાત્રા કરાવવામાં વિજયભાઈ રૂપાણી નિમિત્ત બન્યા છે. રાજ્યમાં શ્રવણતીર્થ યોજનાનાં અમલથી વરિષ્ઠ નાગિરકોને સમ્માન અને ગરિમા સાથે એસટીમાં મળતી રાહતદરની સુવિધાએ રાજ્યભરમાં લાખો બુઝુર્ગોની આંખમાં હર્ષનાં આંસુ લાવી દીધા છે.
વરિષ્ઠ નાગરિકો ગુજરાતમાં યાત્રાધામોની મુલાકાત લઇ શકે તે માટે ત્રણ રાત્રિ અને ચાર દિવસના યાત્રાધામ પેકેજના એસટીના ભાડાના પ૦%ના ધોરણે, સહાય પૂરી પાડવા શ્રવણ તીર્થ દર્શન યોજના ૧ મેથી અમલમાં મુકાઈ છે ત્યારે આ અંગેની માહિતી આપતા યાત્રાધામ વિકાસ બોર્ડનાં ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, જીવનની ઢળતી સંધ્યાએ તીર્થધામોની જાત્રા કરવી એ દરેક વરિષ્ઠોની તમન્ના હોય છે. રાજ્ય સરકારે આ ભાવનાને સમજીને રાજ્યમાં વસતા સિનિયર સીટીઝનોને ગૌરવપૂર્ણ ભેટ આપી પુણ્યશાળી પ્રકલ્પ ખુલ્લો મૂક્યો છે. આ યોજનામાં ગુજરાતમાં આવેલાં યાત્રાધામના દર્શનાર્થે ૬૦ કે તેથી વધુ વય ધરાવતાં આર્થિક રીતે સક્ષમ નથી તેવા સિનિયર સીટીઝનો માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વની સરકારે શ્રવણ તીર્થધામ યોજના અમલમાં મૂકી હજારો વડિલો-વૃદ્ધોનાં આશિર્વાદ મેળવી સામાજિક સેવાનો ઉત્તમ પરચો આપ્યો છે. આ સમગ્ર યોજનામાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ દાખવી અસરકારક નેતૃત્વશક્તિથી નિષ્ઠાપૂર્વક કરેલા ભગીરથ કાર્યનું નિમિત્ત ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બન્યું હોય આ પવિત્ર કાર્યમાં સહભાગી બનવાનો આનંદ છે.
શ્રવણ તીર્થ યોજના મુજબ ૪૫ કે તેથી વધુ સિનિયર સીટીઝનના સમૂહને યાત્રાધામના સ્થળે લઇ જવા પરત લાવવા સરકાર દ્વારા એસટી બસના નિર્ધારિત ભાડામાં ૫૦ ટકા આર્થિક રાહત આપવામાં આવશે. આ માટે ગુજરાતના સોમનાથ, અંબાજી, પાવાગઢ જેવા યાત્રાધામને ગુજરાત એસટી નિગમ અને ખાનગી ટ્રાન્સપોર્ટ સર્વિસ સાથે સાંકળવાનો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે. આ યોજના થકી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની પ્રજાવાત્સલ્યતાની પ્રતીતિ સાથે વડીલો અને વૃદ્ધો તરફ પોતાની સ્વૈચ્છિક જવાબદારી અદા કરી કૌટુંબિક ભાવના કેળવી છે. ગુજરાતના સિનિયર સીટીઝનોને યાત્રાધામની જાત્રા કરાવવાનું પુણ્યશાળી પગલું ભરી ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી આ યોજનાનાં અમલ સાથે જ હજારો માતા-પિતાનાં શ્રવણ પુત્ર પણ બન્યા છે.
માત્ર આટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનાં દેવસ્થાનોએ આવતા યાત્રાળુંઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે એ હેતુસર ગુજરાતમાં આવેલા ડાકોર, કુબેરભંડારી, દેવમોગરા, ચોટીલા, અંબાજી, દ્વારકા-બેટદ્વારકા, સોમનાથ, પાલિતાણાના લોકપ્રિય પ્રવાસન સ્થળોનું સ્માર્ટ હોલી ડેસ્ટીનેશન તરીકે રૂપાંતર કરવાના નિર્ણય સાથે પવિત્ર યાત્રાધામોમાં પીવાનું સ્વચ્છ પાણી, સ્વચ્છતા અને કચરાનો નિકાલ, વરસાદી પાણીનો રંગ સોલાર રૂકટોપ, વાઇ-ફાઇ અને દિવ્યાંગ પ્રવાસીઓ માટે બેટરીથી સંચાલિત વાહનો તેમજ અન્ય સુવિધાઓ તથા સલામતીમાં વધારો કરવા ઈઈઝટ જેવી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રોજેક્ટ પણ અમલમાં મૂક્યો છે છે. હાલનાં સમયમાં જ ગુજરાતનાં મુખ્ય આઠ યાત્રાધામો ૨૪ કલાક ગંદકીમુક્ત સ્વચ્છ રહે તે માટેનું કાર્ય પણ અમલમાં છે એવું રાજુભાઈ ધ્રુવે જણાવી શ્રવણ તીર્થ યોજનાનાં અમલ બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.