સંકલન સમિતિની બંધબારણે બેઠક યોજાઇ: ચૂટાયેલા જનપ્રતિનિધિઓએ ‘સંપ’થી કરી લીધી ચર્ચા
જૂનાગઢ મનપાના સત્તાધીશો અને ભાજપના મહાનગરના પદાધિકારીઓએ એક થઈને જૂનાગઢમાં સર્જાયેલી જીવલેણ દૂરઘટના માટેનો દોષનો ટોપલો જૂનાગઢ મનપાના અધિકારીઓ ઉપર ઢોળી દીધો છે. ગઈકાલે મનપા ખાતે મળેલી બેઠકમાં જૂનાગઢના ધારાસભ્ય, મેયર સહિતના મનપાના પદાધિકારીઓ અને ભાજપના હોદ્દેદારોએ મ્યુની. કમિશનર અને ટાઉન પ્લાનિંગ શાખા ઉપર તડાપીડ બોલાવી હોવાના પણ અંદરથી સમાચાર મળી રહ્યા છે. તે સાથે મનાપા ના અધિકારીઓની બેજવાબદારી અંગે સી.એમ. ને રિપોર્ટ મોકલી, ઇન્કવાયરી કમિટી નિમવા સી.એમ.સમક્ષ શાસકો માંગ કરશે તેવું પણ ડેપ્યુટી મેયર જણાવી રહ્યા છે. જો કે, સંકલન સમિતિની બંધ બારણે થયેલી બેઠકમાં બોલેલી તલાપીડ અંગે જુનાગઢ યુનિ કમિશનરે પત્રકારોને કોઈ જ જવાબ આપ્યો ન હતો અને ચાલતી પકડતા આ મામલો કંઈક વધુ ગરમાંય તેવું લાગી રહ્યું છે.
જુનાગઢ મનપા કચેરી ખાતે ગઈકાલે મનપાની એક સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજય કોરડીયા, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેનના હરેશ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટ ભીભા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મહામંત્રી સંજય મનવર, ભરત શિંગાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સોમવારે જૂનાગઢના દાતાર રોડ ઉપર સર્જાયેલી જીવલેણ દુર્ઘટના અંગે પોસ્ટ મોર્ટમ હાથ ધર્યું હતું. જોકે કોઈપણ કારણોસર આ બેઠકમાં પત્રકારોને હાજર રહેવાની મનપાના શાસકો દ્વારા અનુમતિ આપવામાં આવી ન હતી
આ બેઠક દરમિયાન અંદરથી મળતી વાતો મુજબ, જૂનાગઢના પદાધિકારીઓ એ મનપા કમિશનર અને મનપાના અધિકારીઓ ઉપર ભારે તળાપીડ બોલાવી હતી અને દોષનો ટોપલો મનપાના અધિકારીઓ ઉપર ઢોળી દઈ, તાત્કાલિક આ બાબતે અસરકારક શું પગલાં લઈ શકાય ? તે અંગે ચર્ચા કરી, જૂનાગઢની નોટિસ આપેલી જર્જરીત ઇમારતોને 24 કલાકમાં ઉતારી લેવા જણાવ્યું હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા એ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં જર્જરીત ઈમારત દુર્ઘટનામાં જે જવાબદારો છે તેની સામે પગલા ભરવાની અમારી પાસે સત્તા ન હોય, ત્યારે આ દુર્ઘટનાના જવાબદારો સામે પગલા લેવાય તે માટે અમે ઠરાવ કરીને મુખ્યમંત્રીને એક રિપોર્ટ મોકલશું અને એવું લાગશે તો અમે ગાંધીનગર રૂબરૂ પણ જશું,
જો કે સંકલન સમિતિની બંધ બારણાની બેઠકમાં શું થયું ? તે અંગે કમિશનરે કોઈપણ જાતની માહિતી આપી ન હતી અને ચાલતી પકડી હતી. ત્યારે ટીપી અધિકારીએ પણ આ બાબતે મૌન સેવી લીધું હતું અને મીડિયાને આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. માત્ર એટલું કહ્યું કે જવાબદારી નક્કી કરવાની મને કોઈ સતા નથી, આગળ જતાં જે નક્કી થશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે આ બેઠકમાં ઉપસ્થિત રહેલા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા એ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવી ઘટના જૂનાગઢમાં ન બને તે માટે જે બિલ્ડીંગો જર્જરીત છે તેમાં કોઈની પણ શેર શરમ રાખ્યા વિના આવી બિલ્ડીંગો ઉતારી લેવામાં આવે તેવી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.