- પ્રથમ યાદીમાં સલામત ગણાતી બેઠકો માટે ઉમેદવારોના નામોની ઘોષણા કરાય તેવી સંભાવના
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના દિલ્હીમાં ધામા
સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત ક્યારે કરવામાં આવશે તેવી ચર્ચાઓ હાલ ઠેર-ઠેર થઇ રહી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં 43 બેઠકો માટે નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં અલગ-અલગ 11 યાદીમાં 151 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરી દેવામાં આવ્યા છે ત્યારે ભાજપ દ્વારા આગામી ગુરૂવારે રાત્રે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે. સલામત મનાતી અને જ્યાં ઉમેદવારોના નામની જાહેર કરાયા બાદ વિરોધ થવાની દુર-દુર સુધી કોઇ જ સંભાવના નથી તેવી બેઠકો માટે ઉમેદવારો પ્રથમ યાદીમાં જાહેર કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી પહોંચી ગયા છે. ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને આજે ઔપચારિક બેઠક મળશે ત્યાર બાદ કાલથી બે દિવસ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ભાજપના પ્રતિક પરથી ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકરો, અપેક્ષિતો અને આગેવાનોને સાંભળવા અને દાવેદારી લેવા માટે પ્રદેશ ભાજપ દ્વારા દિવાળી બાદ તુરંત નિરિક્ષકોને જિલ્લા તથા મહાનગરોમાં રૂબરૂ મોકલવામાં આવ્યા હતા. 182 બેઠકો પરથી ચૂંટણી લડવા 4140 દાવેદારોએ ઇચ્છા વ્યક્ત કરી હતી. દરમિયાન ગત 3 થી 5 નવેમ્બર એમ ત્રણ દિવસ સુધી પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં બેઠક વાઇઝ 3 થી 5 નામોની પેનલ બનાવવામાં આવી હતી.
પેનલોનું લીસ્ટ લઇ અમિતભાઇ શાહ દિલ્હી ખાતે પહોંચી ગયા છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચી ગયા છે. આવતીકાલથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના અધ્યક્ષસ્થાને ભાજપની સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામો નક્કી કરવા માટે મહામનોમંથન કરવામાં આવશે.
ખૂદ અમિતભાઇ શાહે બેઠક વાઇઝ પેનલો બનાવવામાં ઉંડો રસ દાખવ્યો હોવાના કારણે હાઇકમાન્ડ દ્વારા પેનલ મૂકવામાં આવેલા દાવેદારોના નામો પર વધુ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા ખૂબ જ નહીવત છે. ઉમેદવારોના નામો નક્કી કરવા માટે દિલ્હી દરબારમાં સતત બે દિવસ સુધી મનોમંથન કરાયા બાદ ગુરૂવારે રાત્રે ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવશે.
ભાજપની પ્રથમ યાદીમાં સૌથી સલામત બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર થશે. જે બેઠક માટે નામો જાહેર કરાયા બાદ વિરોધ ઉઠવાની રતિભાર પણ સંભાવના નથી તેવી બેઠકો માટે ઉમેદવારો જાહેર થાય તેવી શક્યતા હાલ નકારી શકાતી નથી. ભાજપ દ્વારા અલગ-અલગ પાંચ યાદીમાં 182 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. ભાજપના ઉમેદવારોના નામોને લઇ કાર્યકરો, આગેવાનો, સિનિયર નેતાઓ, સિટીંગ ધારાસભ્યો, મંત્રીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. શનિવાર તથા રવિવારે જાહેર રજા હોવાના કારણે ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. આવામાં ભાજપ ગુરૂવારે ઉમેદવારોના નામની જાહેર કરશે અને પ્રથમ યાદીમાં જાહેર કરવામાં આવેલા ઉમેદવારો શુક્રવારે ફોર્મ ભરશે.