જાતિગત સમીકરણો, ઉમેદવારની છબી, પીઠબળ અને ઈતિહાસ સહિતની બાબતોનું માઈક્રો પ્લાનીંગ કરી મુરતીયાઓની કરી જાહેરાત

વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. અટકળોથી વિરુધ્ધ ભારતીય જનતા પાર્ટીએ જૂના જોગીઓ ઉપર દાવ ખેલ્યો છે. ભાજપે જાતિગત સમીકરણો, જીતવા માટે જરૂરી લાયકાત ધરાવતા ૭૦ ઉમેદવારો જાહેર કર્યા છે. આ તમામ ઉમેદવારો ભાજપને જીત અપાવી શકે છે. એક રીતે ભાજપે પ્રથમ યાદીમાં સેફ ગેઈમ રમી છે.

ભારતીય જનતા પક્ષે ૬૦ ટકા જેટલા મંત્રીઓને રીપીટ કરીને સરકારની કામગીરી પર વિશ્ર્વાસ જાહેર કર્યો છે. કુલ ૭૦ ઉમેદવારોની યાદીમાંથી ૬૦ ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની પોરબંદર, અમરેલી, ગીર-સોમનાથ, મોરબી, વાંકાનેર, જામનગર, કાલાવડ સહિતની બે ડઝન બેઠકો પર હજુ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આંતરીક ખેંચતાણ, જાતિવાદી સમીકરણો, ઉમેદવારોની છબી, પીઠબળ અને ઈતિહાસ સહિતની બાબતોને ધ્યાને રાખવામાં આવી છે. તમામ ગણતરીઓ બાદ માત્ર જીતી શકે તેવા ઉમેદવારોને પ્રથમ તબક્કામાં જાહેર કરાયા છે. આ તમામ મુરતીયાઓ ભાજપને જીત અપાવશે તેવો મોવડી મંડળને વિશ્ર્વાસ છે.

ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જે પ્રકારે યાદી જાહેર કરવામાં નિવેદનો કર્યા હતા. તેમાં બન્ને પક્ષે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવાઈ હતી. પરંતુ ગઈકાલે જે રીતે ભારતીય જનતા પક્ષે યાદી જાહેર કરીને રણનીતિમાં કોંગ્રેસથી આગળ નીકળવાનો પ્રયત્ન કર્યો છે અને આત્મવિશ્ર્વાસનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. ભાજપ તેના હાલના મંત્રીઓમાંથી ઘણાને પડતા મુકશે કે તેમનો મત વિસ્તાર બદલશે તેવી અટકળો પર પણ હાલ પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. જે ધારાસભ્યોને રીપીટ કર્યા છે તેમાં ૪૯ ધારાસભ્યો મુળ ભાજપના મેન્ડેટ પર ચૂંટાયા છે. બાકીનામાંથી ૨૦ પૈકી પાંચ ઉમેદવારો રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી આવેલા છે.

ભાજપે જાહેર કરેલી યાદીમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ સરકારના ૧૭ મંત્રીઓને રીપીટેશન મળ્યું છે જે સરકારની કામગીરી પરનો વિશ્ર્વાસ વ્યકત કરાયો હોવાની છાપ ઉભી કરે છે. જે મંત્રીઓને ટિકિટ આપવામાં આવી નથી તેમની બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે ત્યાં સુધી રાહ જોવામાં આવશે. અને પ્રતિસ્પર્ધી ઉમેદવારો કોણ છે તે જોઈને આ બેઠક પર મંત્રીઓને ટિકિટ આપવા અંતિમ નિર્ણય લેવામાં આવશે. એકંદરે ભાજપ જીતી શકે તેવી બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે વેઈટ એન્ડ વોચ રાખી સેફ ગેઈમને આગળ ધપાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.