બંને પક્ષના ઉમેદવારો લગભગ ફાઈનલ જેવા: હાઈકમાન્ડને લીલીઝંડી જોવાતી રાહ
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી પ્રથમ તબકકામાં ૯મી ડિસેમ્બરના રોજ યોજાનારી ૮૯ બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામે ફાઈનલ કરવાનું કાઉન્ટ ડાઉન શ‚ કરી દીધું છે જોકે બેઠક પરથી કોનુ નામ જાહેર કરવામાં આવશે તે અંગે હજી ભારે સસ્પેન્સ ચાલી રહ્યું છે. બંને મુખ્ય રાજકીય પક્ષોએ બેઠક વાઈઝ ઉમેદવારોના નામો ફાઈનલ કરી દીધા છે પરંતુ હાઈકમાન્ડની લીલીઝંડીની રાહ જોવાઈ રહી છે. ઉમેદવારોના નામોને મંજુરીની મહોર મારવા આજે સાંજે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. શુક્રવારે સાંજે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરી દે તેવી સંભાવના જણાઈ રહી છે.
પ્રથમ તબકકાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેના માટે ઉમેદવારોના નામ જાહેર કરવા ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો છેલ્લા ચારેક દિવસથી મથામણ કરી રહ્યા છે. જ્ઞાતિ-જાતિના સમીકરણો અને જીતી શકે તેવા જ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો બંને પક્ષનો વ્યુહ છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બંને એકાબીજાના ઉમેદવારોના નામની યાદી જાહેર થાય પછી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરવાનું વિચારી રહી છે. જેના કારણે નામ જાહેર કરવાનું સતત પાછુ ઠેલાઈ રહ્યું છે. પ્રથમ તબકકાના મતદાન માટે ૮૯ ઉમેદવાર ફાઈનલ કરવા માટે આજે સાંજે નવી દિલ્હી કેન્દ્રીય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજરી આપશે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તમામ ૧૮૨ બેઠકો માટે ઉમેદવારોના નામની પેનલ લઈ દિલ્હી ખાતે પહોંચી ગયા છે. આજે ભાજપ તમામ ૧૮૨ બેઠકો માટે ઉમેદવારોના નામો ફાઈનલ કરી લેશે પરંતુ આગામી શુક્રવારે માત્ર ૮૯ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવશે. બાકી ૯૩ બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા આવતા સપ્તાહે કરવામાં આવશે. જે બેઠક માટે માત્ર સિંગલ નામ છે તેની ઘોષણા આજે સાંજે પણ કરી દેવામાં આવે તેવી પણ શકયતા જણાઈ રહી છે.
બીજી તરફ ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી સતાવિહોણી કોંગ્રેસ વિધાનસભાની આગામી ચૂંટણીમાં સતાના સપના નિહાળી રહી છે. આવામાં કોંગ્રેસ પાટીદાર, ઓબીસી અને દલિત ઉમેદવારોને વધુ ટીકીટ આપે તેવી સંભાવના જણાઈ રહી છે. કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગીનું કાઉન્ટ ડાઉન અંતિમ તબકકામાં હોવાનું મનાઈ રહ્યું છે. તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઉમેદવારોના નામને મંજુરીની મહોર પણ મારી દીધી છે પરંતુ ઉમેદવારો જાહેર કર્યા બાદ જે સંભવિત અપાઈ અને તેવો વિરોધમાં ન ઉતરે તે માટે નામ જાહેર કરવાનું પાછુ ઠેલાઈ રહ્યું છે.
પ્રથમ તબકકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૧મી નવેમ્બર હોય. બંને પક્ષો આગામી ૨૪ કે ૪૮ કલાકમાં પોતાના ઉમેદવારોના નામની વિધિવત ઘોષણા કરી દેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના ભાજપના તમામ ઉમેદવારો ૨૦મી નવેમ્બરના રોજ બપોરે ૧૨ કલાકે અને ૩૯ મિનિટના શુભ વિજય મુહુર્તે ઉમેદવારી ફોર્મ ભરશે. રાજયમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની જનવિકલ્પ પાર્ટી પણ મેદાનમાં છે. તેવો પણ સક્ષમ ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. આવામાં અમુક બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામવાની પણ શકયતા જણાઈ રહી છે. ગઇકાલે પ્રથમ તબકકાની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતા ધારાસભ્ય બનવાના મીઠા સપના નિહારતા અનેક નેતાઓ ઉમેદવારી ફોર્મ ઉપાડી લીધા છે. જોકે હજુ સુધી ૮૯ પૈકી એક પણ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયને પરત આવ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે,
ઉમેદવારો ફાઈનલ કરવા આજે સાંજે મળનારી કેન્દ્રીય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ, પાટીદારો, ઓબીસી, દલિત સહિતના સમાજોનો રોષ સહિતના મુદાઓ અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ ઉમેદવારોની ફાઈનલ પસંદગી કરવામાં આવે તેવું જણાઈ રહ્યું છે.