ભાજપે રાજકોટ પૂર્વ, રાજકોટ દક્ષિણ અને રાજકોટ ગ્રામ્ય બેઠક માટે જયારે કોંગ્રેસે રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણ બેઠક માટે ઉમેદવારોના નામો જાહેર કર્યા નથી: સાંજ સુધીમાં નામો જાહેર થવાની સંભાવના
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની ચાર વિધાનસભા બેઠક માટે ઉમેદવારોના નામો જાહેર કરવામાં ભાજપ અને કોંગ્રેસની ભેદી ઢીલથી લોકોમાં ભારે આશ્ર્ચર્ય ફેલાઈ જવા પામ્યું છે. સતાધારી પક્ષ ભાજપે રાજકોટ પૂર્વ, રાજકોટ દક્ષિણ અને રાજકોટ ગ્રામ્ય માટે જયારે કોંગ્રેસે રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણ માટે હજુ સુધી પોતાના ઉમેદવારોના નામ જાહેર ન કરતા અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. પ્રથમ તબકકાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય. ભાજપ અને કોંગ્રેસ બંને રાજકોટની બાકીની બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ આજ સાંજ સુધીમાં અથવા મોડામાં મોડુ કાલે સવારે જાહેર કરી દે તેવી શકયતા જણાઈ રહી છે.
રાજકોટની ચાર બેઠકો પૈકી ભાજપે એક માત્ર ૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નામની જાહેરાત કરી છે. બાકીની ત્રણેય બેઠકો માટે હજી સુધી ઉમેદવારોના નામની સતાવાર જાહેરાત કરવામાં આવી નથી તો બીજી તરફ કોંગ્રેસ પણ રવિવાર મોડીરાત્રે ૭૭ ઉમેદવારોની જે પ્રથમ યાદી જાહેર કરી છે તેમાં રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુ અને રાજકોટ ગ્રામ્ય બેઠક માટે મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાના નામની જાહેરાત કરી છે. જયારે રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણ બેઠક માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી.
રાજકોટ પૂર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર કશ્યપભાઈ શુકલ, રાજકોટ દક્ષિણ બેઠક માટે ધનસુખભાઈ ભંડેરી અને રાજકોટ ગ્રામ્ય બેઠક માટે લાખાભાઈ સાગઠિયાનું નામ હાલ ચર્ચામાં છે તો સામાપક્ષે કોંગ્રેસમાં હાલ રાજકોટ પૂર્વ બેઠક માટે મહેશ રાજપૂત અને રાજકોટ દક્ષિણ બેઠક માટે ડો.દિનેશ ચોવટીયાનું નામ ચર્ચામાં છે. ૭૦-રાજકોટ દક્ષિણ બેઠક માટે રઘુવંશી સમાજના ગોપાલભાઈ અનડકટની ટિકિટ કપાતી હોવાની વાતથી કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હોય. આ રોષને જોતા આ બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. બીજી તરફ ભાજપે પણ ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જ પોતાના ઉમેદવારોના નામ નકકી કરવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે.
જો રાજકોટ દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસ ડો.દિનેશ ચોવટીયાને ટિકિટ આપશે તો તેની સામે ભાજપ ધનસુખ ભંડેરી અથવા ગોવિંદભાઈ પટેલને મેદાનમાં ઉતારશે અને જો આ બેઠક પરથી ગોપાલ અનડકટને ટિકિટ આપવામાં આવશે તો ભાજપ રઘુવંશી અગ્રણી અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને પણ ટિકિટ આપવાનું મન બનાવી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.