તમિલનાડુ અને પોંડીચેરીની લોકસભાની ૪૦ બેઠકો માટે ભાજપ અને એઆઈડીએમકે વચ્ચે ગઠ્ઠબંધનની જાહેરાત: ૨૫ પર એઆઈડીએમકે લડશે જયારે ૧૫ બેઠકો ભાજપ અને તેના સાથી પક્ષો માટે અનામત રખાય

લોકસભાની ચૂંટણી આડે ગણતરીનો સમય બાકી છે. ત્યારે શાસક પક્ષ ભાજપ તેના એનડીએ મોરચા માટે નવા સાથીઓની પસંદગી કરવાની તજવીજમાં લાગી ગઈ છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે લોકસભાની બેઠકોની સમજૂતી કર્યા બાદ દક્ષિણના રાજયોમાં મજબુત પગપેસારો કરવા તમિલનાડુમાં સતાધારી પ્રાદેશિક પક્ષ એઆઈડીએમકે સાથે ગઠ્ઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે. જે માટે લાંબા સમય એઆઈડીએમકેના નેતાઓ સાથે ભાજપના નેતાઓ ચર્ચા વિચારણા કરી રહ્યા હતા.

આજે બંને પક્ષો વચ્ચે ત્રણ કલાક કરતા વધારે સમય સુધી બેઠક યોજાઈ હતી જેમાં નકકી થયેલા ફોર્મ્યુલા મુજબ ૨૫ બેઠકો પર એઆઈડીએમકે ને લડવા દેવાનો જયારે બાકીની ૧૫ બેઠકો ભાજપ અને તેના સાથી પક્ષો માટે અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

તમિલનાડુમાં લોકસભાની ૩૯ બેઠકો છે અને પોંડીચેરીની એક એમ કુલ ૪૦ બેઠકો છે. જેમાંથી હાલ એઆઈડીએમકે પાસે ૩૭ બેઠકો છે. જયારે ભાજપ પાસે એક અને તેના એનડીએના સહયોગી પીએમકે પાસે એક બેઠક છે. જેથી આ સમજૂતી બાદ એઆઈડીએમકેએ ચૂંટણી પહેલા જ ૧૨ બેઠકો ગુમાવી દીધી છે. તેમ કહી શકાય પરંતુ હાલ એઆઈડીએમકે પાસે જયલલીતા જેવા કરિશ્માઈ નેતા નથી હાલમાં પાર્ટીને જયલલીતાએ કરેલા કામોના આધારે લડવાનું છે. જયારે તેનો મુખ્ય હરિફ પક્ષ ડીએમકે પાસે સ્ટાલીન, કનીમોજી જેવા ઉભરતા યુવા નેતાઓ છે. ઉપરાંત, તાજેતરમા ડીએમકેના સર્વેસર્વા એમ. કરૂણાનિધિનું અવસાન થતા તેની પ્રત્યેની સહાનૂભૂતિનો લાભ ડીએમકેને મળવાની સંભાવના છે. જેતી એઆઈડીએમકે એનડીએમાં જોડાવવા માટે નમતુ જોખ્યું છે.

ચૂંટણી પહેલા નબળા પડી રહેલા એનડીએને મજબુત કરવા માટે નવા સાથી પક્ષો શોધવા ભાજપે કમર કસી છે. જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તમિલનાડુ ભાજપના પ્રભારી પિયુષ ગોયલ ગઈકાલે ચેન્નઈ પહોચ્યા હતા જયાં આજે તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામી અને નાયબ મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ સાથે લાંબી ચર્ચા વિચારણા કરીને આ ગઠ્ઠબંધનની ઓપચારીક જાહેરાત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.