ટપાલખાતાની બેદરકારી અને બીનજવાબદારી વર્તન સામે પગલા લેવા પોસ્ટ માસ્તર અને સુપ્રીટેન્ડન્ટને ઉગ્ર રજુઆત
પોસ્ટ વિભાગ દ્વારા ટપાલ વિતરણના કાર્યો બચત ખાતાના વ્યવહાર અંગેના કાર્યો તથા બેન્કીંગ કક્ષાના ડિપોઝીટ કે અન્ય વ્યવહારો બાબતે બેદરકારી તથા બેજવાબદારી પૂર્ણ વર્તન થતું હોવાની ઘણી ફરીયાદો ઉઠી છે જેને અનુસંધાને ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દવારા પોસ્ટ માસ્તર જનરલ તથા સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસને રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે પોસ્ટ વિભાગ દ્વારા સેવાઓ વધુ ઝડપી બનાવવા પ્રયાસો થવા જોઇએ હાલ કુરીયર સર્વિસ શરુ થતાં ખાનગી કંપનીઓ ને વધુ લાભ મળી રહ્યો છે તેમની સેવા પોસ્ટ વિભાગની સરખામણીએ વધુ ઝડપી હોવાના કારણે લોકો ખાનગી કંપનીઓની સર્વિસ તરફ વળ્યા છે. જેથી પોસ્ટ ડિપાર્ટમેન્ટને મોટો ધકકો લાગ્યો છે.
તેમાં પણ તહેવારોની સીઝનમાં પત્ર વ્યવહાર કે પાર્સલ સેવાની વધુ માંગ રહે છે. પરંતુ જયારે જથ્થબંધ ટપાલો મોકલવાની થતી હોય ત્યારે આવી ટપાલો પર પોસ્ટલ ચાર્જ ફેન્કીંગ મશીનથી લાગે તે જરુરી ગણાય કારણ કે આવી ફેન્કીંગ મશીનની છાપ પોસ્ટલ ટીકીટની જેમ ગેરવલ્લે થતી નથી. પણ રાજકોટમાં એકેય પોસ્ટ ઓફીસ પાસે ફેન્કીંગ મશીન ચાલુ કંડીશનમાં ન હોવાને કારણે જથ્થાબંધ ટીકીટો ખરીદ કરી દરેક પોસ્ટ પર પેસ્ટ કરી પોસ્ટ કરવાની કાર્યવાહી કરવી પડે છે. આ અંગે જનરલ પોસ્ટ ઓફીસમાં તપાસ કરતા છેલ્લા ઘણા સમયથી ફ્રેન્કીંગ મશીન રીપેરીંગ ના વાંકે બંધ પડયા હોવાનું ખુલ્યું છે તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું તેમણે વધુમાં કહ્યું હતું કે, ગ્રૅેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૧૨૫૦ કાર્ડ રાજકોટ સ્થાનીક વિસ્તાોરના સરનામે પોસ્ટ ઓફીસ મારફત તા. ૮ ઓગષ્ટના રોજ પોસ્ટ કરવામાં આવ્યા હતા.
જે દસ દિવસ બાદ પણ હજુ સુધી કેટલાક લોકોને મળ્યા નથી. તેથી સ્પષ્ટપણે જે તે વિસ્તારના ડીલીવરીમેન કે સંબંધ કર્તા સ્ટાફની બેદરકારી ખુલી છે તો આ સાથે પોસ્ટ ઓફીસ દ્વારા અપાતી પ્રોવીડન્ડ ફંડ, જુદા જુદા પ્રકારના પેન્શન, બચત ખાતા કે જુદી જુદી યોજના દ્વારા આવકવેરાની રાહત અંગેની સેવાઓનો લાભ મેળવવામાં પણ ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડે છે પોસ્ટ ઓફીસમાં સ્ટાફની અછતને કારણે તમામ કાઉન્ટર કાર્યરત રહેતા નથી. અને સ્ટાફની બેદરકારી અને બીન જવાબદારી પણાને કારણે ખાતેદારોને અવગણાના તેમજ જણાવી આ તમામ પ્રશ્ર્નો અંગે યોગ્ય કાર્યવાહી કરવા રાજકોટ ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં આવી છે અને જો સત્વરે યોગ્ય પગલા લેવામાં નહી આવે તો લોકજાગૃતિ જગાડી આકરા પગલા લેશું તેમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઇન્ચાર્જ મંત્રી ઇશ્રવરભાઇ બાંભોલીયાએ જણાવ્યું છે.