ગાંધારી’ના પેટથી ૧૦૦ પુત્રોનો જન્મ કોઇ પ્રાકૃતિક ગર્ભ ઘટના નથી; જે પ્રાચીન ભારતના રહસ્યમયી વિજ્ઞાનનું ઉદાહરણ છે!!
આજે કોરોના મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ટીવી શ્રેણી રામાયણ-મહાભારત જેવી સિરિયલો ફરી ટેલીકાસ્ટ થવાને કારણે તેના પાત્રો પાંડવો, કૌરવો, ભીમ, કૃષ્ણ, ભીષ્મ જેવા વિવિધ પાત્રોની ચર્ચા બાળથી મોટેરા કરી રહ્યા છે.
મહાભારતમાં આપણને સૌથી વધુ આશ્ર્ચર્ય ૧૦૦ કૌરવોની વાતથી થાય છે. શું એક માતા ૧૦૦ બાળકોને જન્મ આપી શકે, આવા વિવિધ પ્રશ્ર્નો અત્યારના વૈજ્ઞાનિક યુગમાં ર૧મી સદીમાં થાય તે સ્વભાવિક છે. કૌરવો પાંડવોની ધર્મ યુઘ્ધની લડાઇથી જોડાયેલા આપણા પૌરાણીક ગ્રંથ મહાભારતમાં એવા ઘણા પ્રસંગો છે જેનું રહસ્ય આપણે કયારેય સમય શકવાના નથી. હવામાં ઉડવું, શસ્ત્રકલા, દુર થતી લડાઇનું વર્ણન જેવા ઘણા પ્રસંગો આપણને યાદ છે.
૧૦૦ કૌરવોના જન્મની વાત પણ જાણવા જેવી છે અત્યારનાં અફઘાનિસ્તાનનો નાનકડો ભાગ ગાંધાર દેશ તરીકે હતો જે આજે પણ એ જ નામે ઓળખાય છે. કૌરવ પુત્રોને જન્મ આપનારી ‘ગાંધારી’ આ પ્રાંતની હતી તેથી તેનું નામ પડયું, તેમનો એક ભાઇ હતો, શકુની જે બેન ગાંધારીના લગ્ન પછી તેમની સાથે જ રહેવા લાગ્યો હતો. ગાંધાર દેશનાં રાજાની પુત્રી ગાંધારી હતી.
આ ગાંધારીના લગ્ન હસ્તિનાપુરના મહારાજ ધૃતરાષ્ટ્ર સાથે થયા હતા. તે અંધ હતા. મહાભારતના એક પ્રસંગ બાદ પત્ની ગાંધારીએ પણ આંખે પટ્ટી બાંધીને આજીવન અંધ વ્યકિત તરીકે વ્યતીત કરી હતી. સૌથી વિચિત્ર વાત એ હતી કે તેને ૧૦૦ પુત્રોનો જન્મ આપ્યો હતો. તેમના સંતાનોમાં ૯૯ પુત્રોને એક પુત્રી હતી જેનું નામ દુ:ખાલા હતું.
એવું પણ કહેવાય છે કે દૂર્યોધનનો જન્મ થયો ત્યારે તરત જ ગઘેડા જેવા અવાજથી બોલવા લાગ્યો હતો. આ ઘટના નિહાળીને રાજ જયોતિષે આગાહી કરી હતી કે આ બાળક કુળનો નાશ કરી નાખશે. ભવિષ્ય ભાખનારે તો ધૃતરાષ્ટ્રને તેનો ત્યાગ કરવા જણાવેલ પણ પુત્ર મોહમાં તે કશું કરી શકયા નહીં. જેને કારણે કેવડી મોટી ‘મહાભારત’ રચાય એ આપણને ખબર જ છે.
ગાંધારી ખુબ જ ધર્મ પરાયણ સ્ત્રી હતી. તેમની ભકિતથી પસંદ થઇને મહર્ષિ વેદ વ્યાસ ઋષીએ તેમને ૧૦૦ પુત્રો થવાનું વરદાન આપેલ હતું. બાદમાં પ્રસંગો જણાવે છે કે તે ગર્ભવતી થાય છે. પરંતુ થોડા દિવસ બાદ વૈદો- હકિમોના જણાવ્યાનું સાર તેમના પેટમાં ૧૦૦ બાળકોનો ગર્ભ છે. એક વાયકા એવી પણ છે કે સામાન્ય સ્ત્રીનું ગર્ભ ૯ મહિનાનું હોય છે. પણ ગાંધારી તો પૂરા ર૪ મહિના ગર્ભવતી રહી હતી આ કારણે પ્રસુતિ જ ન થતાં તેણે ગર્ભ પાડવાનો નિર્ણય લીધો. જયારે આ વિધી કરાય ત્યારે લોખંડ જેવું કઠણ માંસનું એક પિંડ નીકળ્યું ત્યારે બધા જોઇને ગભરાય ગયા હતા.
પછી તો ગાંધારીને વરદાન આપનાર મુનિ વ્યાસ ખબર પડે છે. ને તુરંત જ હસ્તિનાપુર આવીને તે લોખંડ જેવા ગર્ભ ઉપર મંત્રોચ્ચાર કરેલ જળનો છંટકાવ કરે છે, તરત જ તેના ૧૦૧ કટકા થઇ જાય છે. મુનિ વ્યાસે આ તમામ ગર્ભપિંડને ઘીથી ભરેલા ઘડામાં બે વર્ષથી મુકવાની વાત કરી હતી. એ પ્રમાણે નો તરતના અમલ કર્યો હતો.
બે વર્ષે નિયત સમયે ઘીના કુંડો ખોલવાની ક્રમિક શરુઆત કરતાં પ્રથમ ઘડામાંથી દૂર્યોધન અવતરીયો હતો. બાદમાં બધા ઘડામાંથી ક્રમશ: સંતાનો જન્મયા હતા જેમાં ૯૯ પુત્રોને એક પુત્રી હતી. આપણા પૌરાણિક ગ્રંથ મહાભારતમાં આવી ઘણી બધી ઘટનાઓના રહસ્યો વિશે અનેક માન્યતાઓ લોકવાયકા પ્રચલિત છે. કોઇ સ્ત્રી ૧૦૦ પુત્રોને જન્મ આપી શકે? આજ રહસ્ય ભરી વાત છે. ગાંધારીનો પેટથી ૧૦૦ પુત્રોનો જન્મ કોઇ પ્રાકૃતિક ગર્ભ ઘટના નહીં પરંતુ એક એવી ઘટના છે કે જે ભારતનાં પ્રાચીન ઇતિહાસનું રહસ્યમયી વિજ્ઞાન છે.
મહાભારત ધર્મયુઘ્ધનો ગ્રંથ છે અર્જુન અને કૃષ્ણ વચ્ચેના કુક્ષેત્રમાં સંવાદનો ગ્રંથ છે. ભાઇ-ભાઇ વચ્ચેની લડાઇ સાથેના પ્રસંગો સાથે ઘણી બધી વાતો આ મહાભારતમાંથી જાણવા શિખવા મળે છે.
અધ…. શ્રી… મહાભારત કથા…