Abtak Media Google News

વૈશાખ સુદ ત્રીજ-અખા ત્રીજના દિને, ભૂદેવોના અધિષ્ઠાતા દેવવિદ્વાનોએ જેમને ભગવાન વાસુદેવના અંશરૂપ ગણ્યા છે તેવા ભૃગુકુલભૂષણ, કાલાગ્નિ સમાં દુ:સહ, કૈલાસ સમ દુર્ઘર્ષ, વેદજ્ઞ પરશુરામની જન્મોત્સવ છે.

જમદગ્નાય વિદ્મહે, મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ: પ્રચોદયાત્

એવા તેજોમય મંત્રથી મહાન ઋષિ વર્યને શ્રદ્ધાપૂર્વક વંદન કરીએ.બ્રહ્મતેજથી દૈદિપ્યમાન, ભભૂકતા અગ્નિ થઈ રોમેરોમ… નસેનસમાં વીરત્વભરી, એકલે હાથે સ્વપરાક્રમે અનીતિ – અન્યાય – અધર્મ, દુષ્ટતા આચરનાર તત્ત્વોનો ધ્વંસ કરનાર પરશુરામને, આધુનિક યુગમાં નવી પેઢી યાદ કરે છે. સાત ચિરંજીવીઓમાં પણ તેમને સ્થાન આપતા કહ્યું છે કે,

 અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાનશ્ચ, વિભીષણ, કૃપ, પરશુરામશ્ચ સપ્તેતિ ચિરંજીવી

પરશુરામના પિતા જમદગ્નિ, માતા રેણુકા. પરશુરામ સૌથી નાના પુત્ર હતા.પરશુરામનું દર્શન, તેજોમય છે.-બ્રહ્મત્વના તેજથી ઝળહળ, વીરત્વ અને પરાક્રમભર્યા તેજકિરણોથી શોભતું, ધર્મ-જ્ઞાન-કર્મથી સુગ્રથિત વિરલ દિવ્ય ધન્ય પ્રસંગોથી ધબકતું કૃતવીર્ય બનવું પણ હતવીર્ય નહિ એવો સંદેશ આપતું, દૃઢતાથી ધારણ કરેલ પરશુ તથા ધનુષ્યબાણથી શોભતું તેમનું દર્શન આપણને તપ, ત્યાગ, બલિદાન તથા શારીરિક શક્તિથી દિવ્ય બનવાપ્રેરણા આપે છે.શ્રીમદ્ ભાગવતના ૯મા સ્કંધના ૧૫-૧૬ અધ્યાયમાં પરશુરામના જીવનનો પરિચય અપાયો છે.

સહસ્ત્રાર્જુનનો વધ :

સહસ્ત્રાર્જુન હૈહયફળનો ક્ષત્રિયોનો રાજા હતો. ગુરુદત્તાત્રેયની કૃપાથી હજાર હાથ શત્રુઓમાં અજિતપણું, નાશ ન થાય તેવી ઇન્દ્રિયશક્તિ, લક્ષ્મી, બળ, યશ પ્રાપ્ત થયા હતા. આ સહસ્ત્રાર્જુન તપોધનમુનિ જમદગ્નિ (પરશુરામના પિતા) પાસે ગયો. જમદગ્નિએ કામધેનુના પ્રભાવથી રાજાઓથી ચઢિયાતો આદર સત્કાર કર્યો. સહસાર્જનની બુદ્ધિ બગડી. ઋષિની કામધેનુને (વાછરડા સાથે) બળજબરીથી લઈ પોતાની નગરીમાં જવા નીકળ્યો. પરશુરામને આ વાતની ખબર પડી એટલે અન્યાયી, અનીતિમાન, દુષ્ટ સહસ્ત્રાર્જુનની પાછળ વિકરાળ સિંહની માફક દોડ્યા સહસ્ત્રાર્જુને પરશુરામ સાથે ભયંકર યુદ્ધ કર્યું. પરશુરામે ફક્ત પોતાના ધનુષ બાણ પરશુ વડે અક્ષૌહિણી સેનાનો તથા સહસ્ત્રાર્જુનનો ધ્વંસ કર્યો. પરશુરામે કામધેનુને વાછરડા સાથે પાછી વાળી આશ્રમમાં પિતાજીને સોપી દીધી. રાજાની હત્યા કરવા બદલ પરશુરામે પિતાની આજ્ઞાથી ભગવાનમાં મન લગાડી, તીર્થસવન કરી પોતાના પાપનો નાશ કર્યો.

સહસ્ત્રાર્જુનના પુત્રોએ નિર્દોષ જમદગ્નિ ઋષિની કરેલી હત્યા :

સહસ્ત્રાર્જુનના પુત્રો પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા તત્પર હતા, પણ પરશુરામના તેજથી ધ્રુજતા હતા, વેર લેવા ઉતાવળા થયેલા સહસ્ત્રાર્જનના પુત્રોએ પરશુરામના પિતા જમદગ્નિ ધ્યાનસ્થ દશામાં બેઠેલા હતા ત્યારે તેમને મારી નાખ્યા. પરશુરામના માતાએ ઘણી વિનંતી કરીકાલાવાલા પણ કર્યા પણ પેલા પાપી માન્યા નહિ, પરશુરામે આશ્રમમાં આવીને પિતાને મરણ પામેલા દીઠા. ભભૂકતા અગ્નિ સમા બની પરશુરામે હાથમાં ફરસી લઇ સહસ્ત્રાર્જુનના પુત્રોને મારી નાખ્યા. સહસ્ત્રાર્જુનના દીકરાઓ નિર્દોષ ઋષિને મારી નાખ્યા તે અક્ષમ્ય અપરાધ હતો. પરશુરામે જોયું તો પૃથ્વી ઉપર બીજા ક્ષત્રિયો પણ પાપી અને અત્યાચારી બની ગયા હતા. નિર્દોષો ઉપર અત્યાચાર કરતા હતા તેથી પરશુરામે એકવીસ વખત પૃથ્વીને નક્ષત્રી કરી હતી એમ કહેવાય છે.

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અંશાવતાર : પરશુરામ

વૈશાખ સુદ ત્રીજની પાવન તિથિએ વિષ્ણુ આવ્યા. ’ભગવાનના છઠ્ઠા અંશાવતાર ગણાતા ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. તેમના પ્રચંડ અને વિરાટ વ્યક્તિત્વનો પરિચય ભગવદ્ ગોમંડળમાંથી મળે છે તદ્અનુસાર વિશ્વામિત્રના જુહુ કુળના ઋષિ જમદગ્નિ અને ઇક્વાકુ વંશની રાજક્ધયા રેણુકાના પુત્રોમાં સૌથી નાના પુત્ર રામ ( પરશુરામ ) હતા.

એક દિવસ રેણુકા સ્નાન કરવા નદીએ ગઈ  હતી. ત્યાં તેણે રાજા ચિત્રરથને પોતાની સ્ત્રી સાથે જલક્રીડા કરતો જોયો અને કામવાસનાથી ઉદ્વિગ્ન થઈ ઘેર આવી. તેની આ દશા જોઈને જમદગ્નિ બહુ જ ગુસ્સે થયા અને પોતાના પુત્રોને રેણુકાનો વધ કરવા આજ્ઞા કરી, પરંતુ સ્નેહવશને લીધે કોઈનાથી તેમ થઈ શક્યું નહીં. એવામાં પરશુરામ આવ્યા. પરશુરામે આજ્ઞા મળતાં જ માતાનું મસ્તક કાપી નાખ્યું તેથી જમદગ્નિએ પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહ્યું. પરશુરામે કહ્યું કે, પહેલાં તો મારી માતાને સજીવન કરો, પછી એ વરદાનો આપો કે, હું પરમાયુ પ્રાપ્ત કરું અને યુદ્ધમાં મારી સામે કોઈ ટકી શકે નહીં. જમદગ્નિએ તેમ જ કર્યું.

બાળપણમાં રેણુકા માતાના હાથ નીચે તેણે શિક્ષણ લીધું હતું. ભીષ્મ અને દ્રોણાચાર્ય અને સૂર્યપુત્ર કર્ણએ પણ પરશુરામ પાસેથી ધનુર્વિદ્યાનું શિક્ષણ લીધું હતું. ભગવાન શિવે પરશુરામને પોતાનું ત્રયંબક નામનું ધનુષ આપીને કહ્યું હતું કે, જયારે એ ધનુષ ભાંગશે ત્યારે તારું તેજ જશે અને રામાવતાર થશે. આ શિવવાણી ત્રેતાયુગને અંતે સિદ્ધ થઇ હતી.

સ્પષ્ટ અને સત્યવાદી ભગવાન : પરશુરામ

પરશુરામ પશુપતિ નાથના પરમ શિષ્ય, ભગવાન મહેશને પોતાના શિષ્યોની મનોભૂમિનો માપ કાઢવા એક અક્ષમ્ય ભૂલ કરી. પોતાના શિષ્યોની પરીક્ષા કરી. પોતાના ગુરૂનો મહિમા ઝંખવાય કે, નંદવાય નહિ એ માટે ગુરૂની અક્ષમ્ય ભૂલ હોવા છતાં અન્ય શિષ્યો ચૂપ રહ્યા, પરંતુ સ્પષ્ટ વાદી અને સત્યાદી પરશુરામથી રહેવાયું નહી. તેઓ ઉકળી ઉક્યાં અત્યાચાર સામે આક્રોશ વ્યક્ત કરી, પરશુ ઉપાડી,શિવજીના મસ્તકે ફટકાર્યું, ભગવાન શંકર ઝખમી થયાં, પરંતુ અંદરથી પ્રસન્ન થયાઅને કહ્યું , તમારી પરીક્ષા અર્થે મે આ અન્યાયકારી પ્રયોગ કર્યો હતો. તમે આ કાર્ય ખોટુ હોવા છતાં સહી લીધુંવાસ્તવમાં અધર્મ આચરનાર ગમે તેટલા ઉચ્ચ પદે હોય પણ તેની સામે અવાજ ન ઉઠાવનાર અધર્મી છે.આ રીતે પરશુરામે પોતાની ઓજસ્વીતા-તેજસ્વીતા તથા અધ્યાત્મિક્તા ખરા અર્થમાં પ્રગટ કરી છે,એનો આનંદ છે. અને આ અવસરની અમર યાદ રૂપે ભગવાન આશુતોષે ખડગ પરશુનામ ધારણ કરી પરાક્રમી, સત્યવાદી, પરશુરામને સન્માનિત કર્યા.

વાલ્મીકી રામાયણનાં બાલકાંડમાં ભગવાન શ્રીરામ પોતાના શ્રીમુખે કહે છે હે ભૃગુનન્દના આપ પિતાના ઋણમાંથી મુક્ત થવા ક્ષત્રિય સંહારની જે કામના કરી, અને અમો સર્વે અનુમોદન આપીએ છીએ. આમ ભગવાન પરશુરામે અનિતિવાન ક્ષત્રિયો આતતાયીઓને મારી સાચા અર્થમાં ધર્મ શાંતિની સ્થાપના કરી. અને પોતાના પિતૃ અને મહર્ષિ કશ્યપના આદેશ અનુસાર અસ્ત્ર, શસ્ત્ર છોડી મહેન્દ્રગીરી પર્વત પર તપસ્યા કરવા ચાલ્યા ગયા, અને પોતાની પાસેના અંતીમ ત્રણ શસ્ત્રો દ્રોણાચાર્યને આપી દીધા તથા જીતેલા એક્વીસ રાજયો પોતાના ગુરૂ  કશ્યપને અર્પણ કરી દીધા. આવા પરમ પાવક પ્રચંડ પ્રભાવક, સત્ય પ્રચારક પિતૃભક્ત, કર્મવીર, ધર્મવીર, અજેય, અનુપમ, અનાસકત, અપરિગ્રહી, શરણાગત, વત્સલ, ભીષ્મ, દ્રોણ, કર્ણ, રામ અને શ્રીકૃષ્ણ પણ જેમના શિષ્ય છે. એવા ભગવાન પરશુરામને આજના મંગલમય દિને શતશત વંદના.

શોષણ, દમન, છલ, બલકાદોષ, જહાંભી, પાયાવીર પરશુરામ ને જનતાએ જાકર જનતંત્ર જગાયા.

દેશમાં-વિશ્વમાં આતંકવાદ ફાલ્યોફુલ્યો છે ત્યારે લોખંડી મનોબળ-શક્તિથી આતંકવાદીઓને નામશેષ કરવા સૌએ સજ્જ થવાની જરૂર છે. દેશમાં પણ સત્તા-લખલુંટ સંપતિને દાદાગીરીને આધારે દેશને નબળો બનાવનાર જ તત્વો છે. તેને પરાજિત કરવા કટીબદ્ધવાનો સમય આવી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.