ભાવનગર રાજ્યનાં છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહનો આજે જન્મદિવસ છે ૧૯ મે, ૧૯૧૨ ના રોજ તેમનો જન્મ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા. તેમના પિતા ભાવસિંહજી દ્વિતીય અને માતા નંદકુંવરબા હતા.
કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃસ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે. ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.
હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ સાકાર કરવામાં ભાવનગરના પ્રાત: સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રતિમ યોગદાન આપ્યું. તેઓએ ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી.
તો આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો. બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. વિશાળ વાચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસનાં પગરણ તેઓ પિછાની શક્યા. આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.