માંગીને ખાનારાઓ માટે સેવાકીય સંસ્થાઓ મેદાને, પરંતુ હાથ લાંબો કરવામાં સંકોચ અનુભવતા લોકોની વ્હારે કોણ ?
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસ ભારતમાં ન ફેલાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તકેદારીના ભાગ રૂપે લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. આ લોકડાઉનના કારણે દેશભરમા જીવનજરૂરી સિવાય તમામ ધંધા-વ્યવસાયો સજજડ બંધ છે. જેની આવા નાના-મોટા ધંધા-વ્યયવસાયો કરીને સ્વમાનભેર જીવતા મધ્યમવર્ગનાં લોકો પર લોકડાઉનની માઠી અસર પહોચવા પામી છે. દેશનો ૬૫ ટકા વર્ગ આવા મધ્યમવર્ગનો છે. જેઓ મહેનત કરીને સ્વમાનભેર રોજીરોટી મેળવી રહ્યા છે. તેઓને કોઈ પાસે હાથ લાંબો કરવામાં લઘુતાગ્રંથીનો અનુભવ થાય છે. તેમની સ્થિતિ લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ થઈ જવાથી અતિ વિકટ બની જવા પામી છે.
સમાજના ગરીબ વર્ગના લોકો કે જેમણે પોતાની અતિવિકટ સ્થિતિના કારણે માંગીને ખાવામાં સંકોચ થતો નથી તેમને લોકડાઉન દરમ્યાન મદદ કરવા માટે દેશભરમાં જ અનેક સામાજીક અને સેવાકીય સંસ્થાઓ મેદાનમાં આવી છે. આવી અનેક સંસ્થાઓ માનવતાની દ્રષ્ટિથી ગરીબ વર્ગના લોકોને તૈયાર ભોજનથી માંડીને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટનું પણ વિતરણ કરી રહ્યા છે. જેથી અમુક ગરીબ પરિવારો આવી સંસ્થાઓ દ્વારા અપાતી જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટોનો સંગ્રહ કરીને બીજી સંસ્થાઓ દ્વારા અપાતા તૈયાર ભોજનમાંથી સારૂ ભોજન જે હોય તે આરોગવા લાગ્યા છે. આવા અમુક ગરીબ પરિવારોએ આવા દાનની સરવાણીમાંથી પોતાના ઘરમાં મહિનાઓ સુધી ચાલે તેટલો જથ્થો એકઠો કરી લીધાના કિસ્સાઓ સામે આવે છે.
જેથી આવા ગરીબોને રાશનનો જથ્થો એકઠો થઈ ગયો હોય તેઓ લોકડાઉન ખૂલ્યા બાદ મહિનાઓ સુધી કામ કરશે કે કેમ? તે પણ પ્રશ્ર્નાર્થ ઉભો થવા પામ્યો છે. જયારે સામાજીક સેવકીય સંસ્થાઓ દ્વારા ચાલી રહેલા આ સેવાયજ્ઞોમાં સ્વમાનભેર જીવતા અને પોતાના ઘરે ખાવા કાંઈ પણ ન હોવા છતા માંગવામાં શોભ અનુભવતા મધ્યમવર્ગને ભુલાવી દેવા જેવો ઘાટ ઘડાયો છે. રેકડી, લારી ગલ્લાથી લઈને નાની દુકાનોમાં વ્યવસાય કરીને રોજનું કરીને રોજનું ખાતા મધ્યમ વર્ગના લોકોની સ્થિતિ લોકડાઉનમાં અતિ કપરી બનવા પામી છે. આવા મધ્યમ વર્ગીય પરિવારો તરફ સરકારથી માંડીને કોઈપણ સામાજીક સેવાકીય સંસ્થાઓએ મદદનો હાથ લંબાવ્યો નથી. જેથી, આવા પરિવારોની હાલત અતિ વિકટ છે.
વર્તમાન સમયનાં લોક ડાઉનના કારણે આવા મધ્યમ વર્ગના લોકોના ધંધા-રોજગાર સદંતર બંધ થઈ જવા પામ્યા છે. હાલમાં ઘણા પરિવારો પાસે થોડુ ઘણું રાશન ઘરમાં છે. પરંતુ લોક ડાઉન વધશે તો તેઓ અને તેમનો પરિવાર શું ખાશે? તે ચિંતા અત્યારથી સેવવા લાગ્યા છે. લોકડાઉન ખૂલ્યા બાદ પણ આવા મધ્યમવર્ગીય પરિવારોને તેમના નિયમિત ધંધા-વ્યવસાયને થાળે પાડતા એકાદ માસ જેવો સમય થશે. ઉપરાંત મંદ પડેલું દેશનું અર્થતંત્રની સ્થિતિ લોકડાઉન બાદ વધારે ખરાબ થવાની સંભાવના છે. ત્યારે આવા સ્વામાની લોકોની સ્થિતિ શું થશે? તેઓ કેવી રીતે રોજગારી મેળવશે તે પણ તેમના માટે ચિંતાનો વિષય બન્યો છે.
હાલમાં લોકડાઉનમાં ગરીબ-શ્રમિક લોકોને સરકાર કે સંસ્થાઓ દ્વારા રાશનથી માંડીને તૈયાર ખોરાકની મદદ પહોચાડવામાં આવી રહી છે. તે જ રીતે આવા જાહેરમાં હાથ લાંબો કરવામાં હીનતા અનુભવતા સ્વમાની પરિવારોનો વિચાર કરીને સંસ્થાઓએ આવા પરિવારોને ઓળખીને ઘરે જઈને છાના ખૂણે મદદ પહોચાડવી જોઈએ જેથી આવા પરિવારોનું સ્વમાન પણ ન ઘવાય અને સાચા જરૂરિયાતમંદ પરિવારોને લોકડાઉનમાં મદદ કરી શકાય. સરકારે પણ આ મધ્યમવર્ગી પરિવારો માટે ખાસ યોજના શરૂ કરીને તેઓ સ્વમાનભેર રોજીરોટી રળી શકે તેવી વ્યવસ્થા કરવી તે સમયની માંગ છે.