Abtak Media Google News
  • જો બાળકોને નાનપણથી જ સ્થૂળતા હશે તો યુવાનીમાં અનેક બીમારીઓ થઇ શકે
  • મેદસ્વિતાના કારણે કેન્સર, હાર્ટ- એટેડ, બ્લડ પ્રેસર સહિતના રોગોમાં અનેક ગણો વધારો

વિશ્ર્વમાં લોકો ઘણા બધા રોગોથી પિડાતા હોય છે. ત્યારે તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે વિશ્ર્વભરમાં સૌથી વધુ હ્રદયરોગના કારણે લોકો મૃત્યુ પામે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ એચ.ઓ.) એ વિશ્ર્વભરના મૃત્યુનાં ટોચનાં 10 કારણોનું લીસ્ટ બનાવેલ છે.

જેમાં 10 કારણો પૈકી ટોચના 4 કારણો તો હ્રદય સંબંધીત રોગોના છે. મોટાભાગના હ્રદયના રોગો માટે અત્યારની લાઇફસ્ટાઇલ જવાબદાર છે. તેવું માનવામાં આવે છે જેમાં સ્થૂળતા, હાઇપરટેન્શન અને ડાયાબીટીસ જેવા રોગો મુખ્ય કારણ છે. હાલમાં જ ભોપાલના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ ઓફ મેડીકલ સાયન્સનો અભ્યાસ એમરિકન જર્નલ ઓફ હાઇપરટેન્શનમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તે મુજબ જે બાળકોમાં નાની ઉમરથી જ મેદસ્વીતા હોય છે. તેવા બાળકોમાં તરૂણાવસ્થામાં પહોચતા સુધીમાં હ્રદયરોગનું જોખમ ર થી 3 ગણું વધી જાય છે.

તે પણ પ્રકાશમાં આવ્યું છે મેદસ્વી બાળકોમાં હાઇપરટેન્શન અને ઓર્ગન ફેલ્યોરની શકયતાઓ વધુ હોય છે.

વિશ્ર્વભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સૌથી ઝડપતી વિકસતી બિમારીઓ પૈકીની એક સ્થૂળતા માનવામાં આવે છે. સ્થૂળતા અગાઉ સામાન્ય રીતે પુખ્તવયના અને વયો-વૃઘ્ધોમાં જોવા મળતી હતી. આજે તે નાના બાળકોમાં પણ જોવા મળી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) અનુસાર વર્ષ 2022માં વિશ્ર્વભરમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 3.7 કરોડ બાળકોનું વજન વધારે છે. જયારે પ થી 19 વર્ષની વચ્ચેના લગભગ 39 કરોડ બાળકોનું વજન વધારે હતું.

ડબ્લ્યુ એચ ઓ સ્થૂળતાને એક મહામારી માને છે. પહેલાના સમય કરતાં આજના સમયગાળા દરમિયાનમાં સ્થૂળતાના કેસોમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે. પુખ્ત વયના લોકોમાં પણ કેસ વધી રહ્યાં છે. સ્થૂળતા એક લાઇફ સ્ટાઇલનો રોગ છે. જે ઘણા જીવલેણ રોગોનું કારણ બની શકે છે.

તેનાથી હાર્ટ એટેક , કેન્સર જેવી ખતરનાક બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.

સ્થૂળતાના કારણે હાઇપરટેન્શન હાર્ટની બીમારી કિડનીના રોગ  કેન્સર, માનસિક થાક, ગોળ બ્લેન્ડર ડિસીઝ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ જેવી બિમારી થઇ શકે છે.

નાના બાળકોમાં વજન વધારે હોવાનું કારણ બેબી ફુડ, સપ્લિમેન્ટસ, ઓછી શારીરિક પ્રવૃતિ, જંકફુડ અને ફાસ્ટ ફુડ, હોર્મોનલ ફેરફારો થાય છે.

બાળકોને તંદુરસ્ત લાઇફ સ્ટાઇલની આદતો શિખવાડવી

બાળકોને ગેજેટસને બદલે રમતના મેદાનમાં રમત રમવા, આઉટ ડોર ગમે રમવા પ્રોત્સાહીત કરવા

ટીવી કે મોબાઇલ જોતી વખતે ખાવા પીવાની આદત ન પાડવી

દરરોજ 7 થી 8 ગ્લાસ પાણી પીવાની સારી ટેવ પાડવી જોઇએ.

બાળકોને દરરોજ ઓછામાં ઓછા 7 કલાકની પૂરતી ઉંઘ લેવાની આદત બનાવવી.

ડાયટમાં હેલ્ધી અને ફાઇબર યુકત ખોરાકનો સમાવેશ કરવા શીખવાડવું

દરરોજ અડધી કલાક શારીરીક પ્રવૃતિ માટે પ્રોત્સાહીત કરવા

જંક ફુડ અને ફાસ્ટ ફુડ

બાળકો પણ તેમના માતા-પિતા અથવા ઘરના વડીલો ઘરે જે ખોરાક ખાય છે. તેમાંથી શીખીને તેમના ટેસ્ટ બડ વિકસાવે છે. ફાસ્ટ ફુડે લંચ અને ડિનરનું સ્થાન લીધું છે. પેકેટઠમાં આવતા ચિપ્સ, ક્રિસ્પ્સ અને બિસ્કીટથી પણ ઘણું નુકશાન થાય છે.

સપ્લિમેન્ટસને કારણે વજન વધી શકે

શરીરની જાળવણી અને વજન વધારવા માટેના સપ્લિમેન્ટસ યુવાનોમાં ખુબ જ લોકપ્રિય છે. હવે નાના બાળકો માટે પણ ઘણાં સપ્લિમેન્ટસ બજારમાં મળે છે. જયારે બાળકોનું વજન ઘટતું હોય ત્યારે ડોકટરો બાળકોને સુચન કરે છે જેના કારણે નાના બાળકોની મેટાબોલિક સિસ્ટમ નબળી પડી રહી છે જે તેમના વધુ વજન માટે જવાબદાર છે.

શારીરિક પ્રવૃતિના અભાવે શરીરમાં ચરબીનું પ્રમાણ વધે

અગાઉના સમયમાં રમતનાં મેદાનમાં બાળકો અનેક વિધ શારીરિક રમતો રમતા હતા. રમતનું મેદાન જ બાળકોના મનોરંજનનું સાધન હતું. હવે આજના ટેકનોલોજીના યુગમાં મેદાનની જગ્યા મોબાઇલ ફોન અને અન્ય ગેજેટસે લઇ લીધી છે. શારીરિક પ્રવૃતિના અભાવે બાળકોના  શરીરમાં ચરબ જમા થઇ રહી છે. જે તેમના વધુ વજનનું મુખ્ય કારણ છે.

નાના બાળકોને અપાતા બેબી ફુડથી સ્થૂળતા વધી રહી છે

નાના બાળકો માટેના બેબી ફુડ બજારમાં વેચાઇ રહ્યાં છે. ટીવી પર બેબી ફુડની ઘણી જાહેરાત આવે છે જેનાથી પ્રેરાઇને માતા-પિતા બાળકો માટે બેબી ફુડ લાવે છે હકીકતમાં આ પ્રક્રિયા દરમિયાન ખોરાકના પોષક તત્વો નોંધપાત્ર રીતે ઘટે છે. આ પછી પ્રિઝર્વેટિવ્સ સાથે ભેળવવામાં આવતા રસાયણો બાળકોની પાચનશકિતને બગાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.