પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘની ગુજરાત મુલાકાત વેળાએ રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદમાં કર્યા પ્રહારો
મોદી સરકાર દ્વારા લદાયેલી નોટબંધીને આવતીકાલે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતની મુલાકાતે આવેલા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે નોટબંધી અને જીએસટી અંગે વર્તમાન સરકારની આકરી આલોચના કરી હતી. દરમિયાન આજે રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવું જણાવ્યું હતું કે, દેશમાં સૌથી મોટા કૌભાંડો મનમોહનસિંઘના શાસનમાં થયા છે. તેઓએ પૂર્વ વડાપ્રધાનને આડેહાથે લીધા હતા.હેમુગઢવી હોલ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોલસા કૌભાંડ મુદ્દે પણ મનમોહનસિંઘ કશુ બોલ્યા ન હતા. નર્મદાના ડેમ પર દરવાજા લગાવવા કેન્દ્ર સરકાર દ્વારા ૭ વર્ષ સુધી મંજૂરી આપવામાં આવી ન હતી. મનમોહનસિંઘના શાસનમાં દાળના ભાવ આસમાને પહોંચ્યા હતા અને જીડીપી તળીયે પહોંચી ગયો હતો. વડાપ્રધાન મનમોહનસિંઘ જયારે ખુદ પ્રધાન હતા ત્યારે તેઓએ કશી જ કામગીરી કરી નથી. તેઓ સંસદની અંદર કે બહાર પણ જવાબ આપ્યો નથી અને મૌન ધારણ કરી લીધું છે. દેશની જનતા વર્ષોથી જીએસટી ઈચ્છી રહી છે ત્યારે હવે મોદી સરકારે જીએસટી લાગુ કરી દીધો છે ત્યારે તેઓ વિરોધી નિવેદન આપી રહ્યાં છે જયારે જીએસટીની અમલવારી કરાઈ ત્યારે એક શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી હોવા છતા પણ તેઓએ કશુ નિવેદન આપ્યું ન હતું. હવે જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે તેઓને મોદી સરકારના વાંક દેખાઈ રહ્યાં છે.