વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
કિશોર ઓફસેટ પ્રા.લી.ના અમિતભાઈ પાવએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકડાઉન પહેલા સ્ટેશનરી ઉધોગ અને સ્કુલ સપ્લાય, પેપર પ્રોડકટની ઉધોગ એકદમ સારો ચાલતો હતો. અચાનક લોકડાઉન થવાથી તમામ ઉધોગો બંધ થયા છે. હાલ ઉધોગોમાં શ્રમિકોનો જે પ્રશ્ન છે તે સૌથી મોટો પ્રશ્ન છે.
સરકાર દ્વારા ઉધોગોને અપીલ કરવામાં આવી હતી તે પ્રમાણે શ્રમિકોને પગાર ચુકવવામાં આવ્યો હતો. તેમજ જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી પરંતુ છેલ્લા ૮ દિવસથી શ્રમિકોને વતન જવાની છુટ મળતા તેમના વતન જતા રહ્યા છે. તો હવે પ્રશ્ન એ ઉદભવે છે કે કારખાનાઓમાં કામ કોણ કરશે ? કોઈ વર્કર હશે નહીં તો પ્રોડકશન થશે નહીં. ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી કોઈ જગ્યાએથી રો-મટીરીયલ મળતું નથી. જેનાથી પ્રોડકશન થતું નથી. એનાથી વિશેષ કે કોઈ માલ મોકલવાની મહેનત કરે તો તેમને પરમિશન મળતી નથી. સરકારના સુચન પ્રમાણે બેન્કોએ ઉધોગ વર્કિંગ કેપીટલને મદદરૂપ થવા માટે ૧૦ ટકાના વ્યાજે લોન આપવામાં આવે. બેન્કો પાસે ઉધોગપતિ જયારે લોન માટે જાય છે ત્યારે પેપર વર્કમાં ખુબ પ્રશ્નો થાય છે. તેમજ સરકારની ગાઈડલાઈન પ્રમાણે ૨૦ ટકા વર્કિંગ કેપીટલ આપવાના હતા પરંતુ બેન્ક તરફથી ફકત ૧૦ ટકા જ આપવાની વાત કરે છે. સરકાર ખાસ નાના ઉધોગકારોને જીએસટીના વ્યાજમાં રાહત આપવી જોઈએ. મધ્યમ વર્ગના ઉધોગને સરકાર તરફથી કોઈ ફાયદો થયો નથી. અમારા સ્ટેશનરી ઉધોગને બેઠુ થતા ૬ મહિના જેટલો સમય લાગશે.