સૌરાસ્ટ્રમાં તસ્કરોનો તરખાટ વધતો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક મોટી સોનાની ચોરીનો બનાવ બનતા સનસનાટી મચી ગઈ છે. જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ આનંદ સોસાયટીમાં રહેતા ખાનગી સિકયોરીટીના સંચાલકના રહેણાંક મકાનમાં ઘુસેલા તસ્કરો તિજોરીમાંથી અંદાજે 100 તોલા સોનું ચોરી કરી ગયાનો બનાવ બન્યો છે.
ખાનગી સિકયોરીટી સંચાલક ઉપરાંત તેના અન્ય ચાર ભાઇઓના એક જ તિજોરીમાં મુકેલા સોનાના દાગીના ઉસેડી તસ્કરો રાત્રે ચોરી કરી ગયા હોવાની વિગતો જાણવા મળે છે. સીટી બી ડિવિઝન પોલીસ દફતરનો સ્ટાફ ઉપરોકત સ્થળે પહોંચ્યો હતો અને એફએસએલ તેમજ ડોગ સ્કોડની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત આજુબાજુના મકાનમાં તથા બજારમાં આવેલ સીસી ટીવી ફૂટેજ કબ્જે કરવા પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.
જામનગર શહેરમાં ચોરીની મોટી ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આનંદ સોસાયટીમાં બે માળનું મકાન ધરાવતા આફતાબભાઇ મુનવરઅલી શેખના બે માળના મકાન પૈકી નીચેના બંધ મકાનમાંથી ગત રાત્રીના મોટી ચોરી થવા પામી છે. જામનગરમાં રોયલ રાજપુત નામની ખાનગી સિકયોરીટી ધરાવતા આફતાબભાઇ ઉપરના માળે સુતા હતા ત્યારે નીચેના તાળુ મારેલ મકાનનું તાળુ તોડી કોઇ તસ્કરો મધ્ય રાત્રે અંદર પ્રવેશ્યા હતા. મકાન અંદર દિવાલમાં ફીટ કરવામાં આવેલ લાકડાની તિજોરીનો દરવાજો તોડી તસ્કરોએ કબાટની તિજોરી પર હાથ અજમાવ્યો હતો.
તિજોરી અંદર રાખવામાં આવેલ આફતાબભાઇ અને તેના પરિવારના સભ્યોના આશરે 100 તોલાના દાગીના હાથવગા કરી તસ્કરો રાત્રી અંધકારમાં ગુમ થઇ ગયા હતા. સવારે સાતેક વાગ્યે આફતાબભાઇ ઉઠીને નીચે આવતા દરવાજાનું તાળુ તુટેલુ અને રૂમ અંદરનો કબાટ ખુલો હોવાનું સામે આવતા તેઓએ ચોરી થઇ હોવાનો અંદાજ લગાવ્યો હતો. જેને લઇને આફતાબભાઇએ સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને લઇને સીટી બી ડિવિઝન ઉપરાંત, એલસીબી,એસઓજીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
ફરિયાદી આફતાબભાઇ શહેરમાં સિકયોરીટી એજન્સી ધરાવે છે તથા તેના અન્ય ચાર ભાઇઓ પૈકી એક ભાઇ સુરત રહે છે. જયારે બે ભાઇઓ આર્મીની નોકરી પુરી કરી નિવૃત્ત થયા છે અને આફતાબભાઇની આજુ-બાજુ જ રહે છે. જો કે આ પાંચેય ભાઇઓએ પોતાની પત્નીઓના દાગીના આફતાબભાઇના માતા-પિતા જે રૂમમાં રહેતા હતા તેના કબાટમાં રાખ્યા હતા. આફતાબભાઇના માતાનું તાજેતરમાં અવસાન થતા તેના પિતા નજીકમાં રહેતા જંહાગીરભાઇને ત્યાં રોકાવવા ગયા હતા દરમ્યાન મોડી રાત્રે ચોરી તસ્કરોને મોકળુ મેદાન મળી ગયુ હોવાનું સામે આવ્યું હતું. માતબર ચોરીના પગલે શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.